રાધિકા આપ્ટે અનાયાસે જ મોમ બનવાની તૈયારીમાં
પોતાની ઓફફ બિટ ફિલ્મોની ચોઇસ માટે જાણીતી રાધિકા આપ્ટેએ પોતાની સગર્ભાવસ્થા (પ્રેગ્નન્સી)ની જાહેરાત માટે અલગ જ પ્લેટફોર્મ પસંદ કર્યું છે. સેલિબ્રિટીઝ મોટાભાગે સોશ્યલ મિડીયા પર પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરતા હોય છે ત્યારે રાધિકાએ બીએપઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ઘરે પારણું બંધાવાનું હોવાના શુભ સમાચાર આપ્યા છે. ૧૬ ઓકટોબરે આપ્ટેએ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સને બેબી બમ્પ સાથે પોઝ આપ્યા ત્યારે મહીનાઓ સુધી છુપાવાયેલું આ સિક્રેટ બહાર પડી ગયું 'મને એમ હતું કે એમનું (કેમેરામેન્સનું) મારા બમ્પ (ફુલેલા) પેટ પર ધ્યાન નહિ જાય પણ એ બહુ મોટું હતું. હકીકતમાં ફેસ્ટિવલમાં મારી મૂવી સિસ્ટર મિડનાઇટનું પ્રિમીયર ન હોત તો કદાચ કોઇને (પ્રેગ્નન્સીની) જાણ ન થાત. હું સોશ્યલ મિડીયા પર પોસ્ટ મૂકીને એનાઉન્સ નહોતી કરવાની, ઓહ ! આય એમ પ્રેગ્નન્ટ ! અથવા તો અમે પેરેન્ટસ બની ગયા છીએ. આવી વાતો પ્રાઇવેટ હોય છે,' એવો એકટ્રેસ હસીને ખુલાસો કરે છે.
સુજ્ઞા વાચકોને કદાચ મનમાં એવો પ્રશ્ન થતો હશે કેડઅન્ધાધુન' ફેમ એકટર અત્યારે છે ક્યાં ? રાધિકા આપ્ટે હાલ લંડનમાં એના મ્યુઝિશ્યન હસબન્ડ બેનેડિકટ ટેલર સાથે રહે છે હમણાં એણે મુંબઇના પસંદગીના મિડીયા પર્સન્સ સાથે ટેલિફોનિક ઇન્ટર એકશન રાખી પ્રેગ્નન્સીના પોતાના અનુભવો શેયર કર્યા ફિજીકલ એન્ડ ઇમોશનલ ચેન્જીસને પોતે કઇ રીતે હેન્ડલ કરે છે એ કહ્યું. સગર્ભાવસ્થા તારા માટે કેવી રહી છે. એવી પૃચ્છાના જવાબમાં રાધિકા હકીકત બયાન કરે છે, 'પ્રેગ્નન્સી મારા માટે બહુ સારી નથી રહી છેલ્લા ૫ દિવસથી હું રાતે સૂતી નથી આઠમો મહીનો ચાલે છે અને ઉંઘ વેરણ થઇ ગઇ છે. ઇટ હેઝ બીન કવાઇટ હાર્ડ !'
સૌ જાણે છે કે આ પૂણે ગર્લ એક દિવસ પણ નવરી બેસે એવી નથી, પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રિમેસ્ટર (પ્રથમ ત્રિમાસિક ગાળા)માં પણ એ બે પ્રોજેક્ટ્સમાં બિઝી હતી. અલબત્ત, બંને ફિલ્મોના સેટ પર એને એકબીજાથી સાવ ભિન્ન અનુભવ થયો હતો. 'મારું ફર્સ્ટ ટ્રિમેસ્ટર ઇઝી નહોતું. સતત ઉબકા આવતા હતા. એક પ્રોજેક્ટના સેટ પર મારી બિલ્કુલ કાળજી નહોતી લેવાઇ. સેટ પર એક પ્રેગ્નન્ટ મહીલા છે એની જાણે કોઇને પરવા જ નહોતી. જ્યારે બીજા યુનિટ સાથેનો મારો અનુભવ બિલ્કુલ એનાથી બિલ્કુલ વિરુદ્ધ હતો. બધા ખૂબ માયાળું હતા એમણે મારી બહું કાળજી રાખી. એટલે મેં બહુ રાહત અનુભવી,' એમ અભિનેત્રી કહે છે.
વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'ની નાયિકા મિડીયાને એવું કહેતા પણ ખચકાટ નથી અનુભવતી કે 'બાળકો માટેનો મેં કદી કોઇ પ્લાન જ બનાવ્યો નહોતો. એટલે આ પ્રેગ્નન્સી મારી લાઇફનો એક મોટો ટ્વિસ્ટ અને ટર્નિંગ પોઇન્ટ છે ઇન ફેક્ટ, પ્રેગ્નન્સી સાથે એટલી પવિત્રતા જોડાયેલી છે કે કોઇ તમને સાચી વાત નથી કરથું એટલા માટે કે પ્રેગ્નન્સી બહુ ટફ છે. અમુક સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા અને પ્રસુતિ ઇઝી બની રહે છે. પણ બધાનો અનુભવ એવો નથી હોતો. મારી પોતાની વાત કરુ તો એ બહુ ડિફિકલ્ટ જર્ની બની રહી છે. હું બહું એક્ટિવ પર્સન છું એટલે મારી જાતને પ્રેગ્નન્સી માટે ફિજીકલી અને સાઇકોલોજિકલી તૈયાર કરવી ખરેખર મુશ્કેલ હતી.'
સદનસીબે, આ ડિફિકલ્ટ પિરીયડમાં રાધિકાને એના વિદેશી હસબન્ડ બેનેડિક્ટનો પુરેપુરો સપોર્ટ અને સ્નેહ મળી રહે છે. આપ્ટેને જે ખાવાની ઇચ્છા જતાવે એ બેનેડિકટ તરત હાજર કરી દે છે.
મહારાષ્ટ્રીયન બ્યુટી ડિસેંબરમાં મમ્મી બનવાની છે અને અત્યારથી એણે માર્ચમાં ફરી કામેચડી જવાનું નક્કી પણ કરી લીધું છે. તો શું બીજી હિરોઇનોની જેમ રાધિકા લાંબી મેટરનિટી લિવ નહીં લે ? એ કેવીમ મા બનવા ધારે છે ? એક સામટી પૃચ્છાના જવાબમાં શ્રીમતી ટેલર કહે છે, 'બાળકના જન્મ પછી હું માથા પર બહું બધુ પ્રેશર લઇને ફરવાની નથી. લોકોને બહુ ચિંતા હોય છે કે કોઇ આપણને બેડ પેરેન્ટ્સ કહેશે તો ? બીજાના જજમેન્ટની તેઓ બહુ પરવા કરે છે પણ હું એવું નહિં થવા દઉ. પેરેન્ટિંગ સાથે ઘણું બધુ જજમેન્ટ જોડાયેલું હોય છે. પરંતુ લોકો મારા કે મારા પેરેન્ટિંગ વિશે શું વિચારે છે એની મને પરવા નથી. મારે મન મારી ખુશી મહત્વની છે તમે તમારી જાતને મહત્વ આપો એટલે સેલ્ફિશ નથી બની જતા.'