Get The App

પ્યાર તો હોના હી થા...: પદ્મશ્રી જસપિંદર નરુલાની સ્મૃતિકથા

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
પ્યાર તો હોના હી થા...: પદ્મશ્રી જસપિંદર નરુલાની સ્મૃતિકથા 1 - image


- 'મારું સંગીત પંજાબી લોકગાયકી વિના અધૂરું છે. મારી ગાયકીમાં લોકસંગીતની છાપ સ્પષ્ટ દેખાય છે. મારા સ્વરના ઉતાર-ચડાવમાં પારંપરિક લય અચૂક સાંભળવા મળશે. '

પ્લેબેક, શાસ્ત્રીય, સુફી ગીતોને પોતાના મધુર કંઠથી શણગારનાર જસપિંદર નરુલાના પંજાબી લોકગીતો શ્રોતાઓના દિલ ડોલાવી જાય છે. બોલીવુડ માટે ગાયેલા સંખ્યાબંધ ગીતોમાંથી ફિલ્મ 'પ્યાર તો હોના હી થા'નું રેમો ફર્નાન્ડિસ સાથે ગાયેલું ટાઇટલ સોંગ જસપિંદરને ગજબની ખ્યાતિ અપાવી ગયું. તાજેતરમાં જસપિંદરને 'પદ્મશ્રી' પારિતોષિકથી નવાજવામાં આવી ત્યારે ગાયિકાનું માથું ભલે ગર્વથી ઉંચુ થઇ ગયું હતું, પરંતુ ગાયક પિતા સરદાર કેસર સિંહ નરુલા અને ગાયિકા માતા મોહિની નરુલાને સંભારીને તેનો સાદ ગળગળો થઇ ગયો હતો.

જસપિંદરે કહ્યું હતું કે નિ:શંકપણે આ સન્માન મેળવવું મારા માટે ગર્વની વાત છે. આવી ક્ષણે મને મારા પિતા અને ગુરુ સરદાર કેસર સિંહની ખોટ સાલે છે. તેઓ પંજાબી સંગીતમાં અવ્વલ સ્થાને હતા. તેમના સંગીતમાં ટોચના પંજાબી ગાયકોએ પોતાની ગાયકીનો જાદુ પાથર્યો હતો. તેઓ પણ 'પદ્મશ્રી'ના હકદાર હતા. આમ છતાં અહીં એ વાતની નોંધ લેવી જ રહી કે મારા ગાયિકા માતા મોહિનીએ જ મારા કંઠને સૌથી પહેલા પિછાણ્યો હતો. અને મારા પિતાને સંકેત આપતાં કહ્યું હતું કે આપણી પુત્રી સારી ગાયિકા બની શકે તેમ છે.

જસપિંદરે નાનપણથી જ શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. આ ગાયિકાએ શાળાના સમયથી જ પોતાના માતાપિતા સાથે વિવાહ કે અન્ય કાર્યક્રમોમાં  પંજાબી ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. તે કહે છે કે શાળા જીવનથી જ હગું તમેની સાથે 'લઠ્ઠે દી ચાદર', 'સાડ્ડા ચિડિયા દા ચંબા રે' જેવા લોકપ્રિય ગીતો ગાતી. અને માત્ર ૧૦ વર્ષની ઉંમરે જગજિત અને ચિત્રા સિંહ સાથે લુધિયાણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગાયું હતું. તે વખતે આ કાર્યક્રમ માટે છપાયેલા પોસ્ટરો પર જગજિત-ચિત્રા સિંહ સાથે મારું નામ પણ હતું.

પંજાબી લોકગીતોને જસપિંદર કમાલની મીઠાશથી રજૂ કરે છે. તે કહે છે કે મારું સંગીત પંજાબી લોકગાયકી વિના અધૂરું છે, મેં વિવિધ શૈલીમાં પંજાબી લોકગીતોને કંઠ આપ્યો છે. મારી ગાયકીમાં લોક સંગીતની છાપ સ્પષ્ટ દેખાય છે. મારા સ્વરના ઉતાર-ચડાવમાં પારંપરિક લય અચૂક સાંભળવા મળશે.  મારા ગીતોને સંગીતબદ્ધ કરતી વખતે ઢોલ,  તુંબી અને હારમોનિયમ જેવા પરંપરાગત વાદ્યોનો ઉપયોગ ચોક્કસપણે થાય છે જેને પગલે જ મારા ગીતોને ખાસ લોકરંગ મળે છે. પંજાબી લોકગાયકીના પ્રભાવે જ મને દેશ- વિદેશમાં અપ્રતિમ લોકપ્રિયતા અપાવી છે. 

મારા માટે સૈથી મોટા ગર્વની વાત એ છે કે સંગીતપ્રેમીઓ મારા ગીતોમાં પોતાની સંસ્કૃતિના મૂળની અનુભૂતિ કરી રહ્યા છે. મેં મારા સ્વરના માધ્યમથી પંજાબી લોકગાયકીને જીવંત રાખવાનો નાનો અમસ્તો પ્રયાસ કર્યો છે.

પોતાના લોકગીતોની વાત કરતી વખતે જસપિંદર પંજાબી લોકગીતોના શિરમોર સમા આસા સિંહ મસ્તાનાને સંભારવાનું પણ નથી ચૂકતી. તે કહે છે કે મારી ગાયકી પર તેમની ગાયકીની અસર સ્પષ્ટ દેખાય છે તેનું કારણ એ છે કે તેઓ મારા પિતાના નિકટના મિત્ર હતા. તેમની વચ્ચે ગીત-સંગીત વિશે નિરંતર ચર્ચાવિચારણાઓ થતી રહેતી, અને હું તે ધ્યાનપૂર્વક  સાંભળતી. આવી સ્થિતિમાં તેમની ગાયીકીની છાપ મારા ગીતોમાં હોવી તદ્દન સ્વાભાવિક લેખાય.

જસપિંદરે અત્યાર સુધી ઘણું કામ કર્યું છે. તેણે ગીત- સંગીત ક્ષેત્રે જે યોગદાન આપ્યું તેનો તેને સંતોષ પણ છે. આમ છતાં તે કહે છે કે મને હજી ઘણું શીખવું અને કરવું છે. અલબત્ત, મારા મુંબઇના ઘરમાં દિલ્હીના ઝીલવાળા ઘરની જેમ સંગીતનું રિયાઝ ચાલતું રહે છે. 

તે વધુમાં કહે છે કે મેં સંગીતમાં ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી સંગીતમાં પીએચડી કર્યંા હતું. ગાયિકા ત્રણ દશકથી મુંબઇમાં રહે છે. આમ છતાં દિલ્હી તેના દિલમાં વસે છે. જો કે તે કહે છે કે માતાપિતાના નિધન પછી એ શહેર સાથે ગાઢ સંબંધી નથી રહ્યો. પરંતુ આજે પણ દિલ્હીમાં મારા અસંખ્ય પ્રશંસકો અને સંબંધીઓ રહે છે. મને 'પદ્મશ્રી'થી નવાજવામાં આવી ત્યાર પછી સૌથી વધુ ફોન તેમણે જ કર્યાં હતાં.


Google NewsGoogle News