પ્યાર... ઇશ્ક... મહોબ્બત: બોલિવુડની સદાબહાર પ્રેમકથાઓ
મુગલ-એ-આઝમ (૧૯૬૦)
આ ફિલ્મના એક દ્રશ્યમાં દિલીપ કુમાર (રાજકુમાર સલીમ) મધુબાલા (અનારકલી) ના ચહેરા પર મખલી અદામાં પીછું ફેરવે છે એ મુલાયમ સ્પર્શ મધુબાલાના રોમે રોમે દિવા પ્રગટાવે છે. તે વખતે દિલીપકુમાર અને મધુબાલાના ચહેરા પર દેખાતા પ્રેમોદ્ીપક ભાવ ભારતીય સિનેમાના પ્રેમરસપ્રચૂર દ્રશ્યોમાં ચરમ સ્થાન પામી ગયા. મહત્ત્વની વાત એ છે કે દિલીપકુમારની આ અદા પર મધુબાલા વાસ્તવમાં ઓવારી ગઈ હતી અને તેમના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ હતી. આ સિનેમાનું લતા મંગેશકરના કંઠે ગવાયેલું 'મોહબ્બત કી જૂઠી કહાની પે રોએ....' ગીત ભલે ગમે તેટલું લોકપ્રિય થયું હોય. પરંતુ આ દ્રશ્ય સમગ્ર ફિલ્મ પર છવાઈ ગયું હતું એ વાતમાં બે મત નથી.
બોબી (૧૯૭૩)
ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા જેવા ઉગતી જુવાનીમાં કદમ માંડનારા કલાકારો પર ફિલ્માવવામાં આવેલી 'બૉબી ' માં આ કલાકારોના અંગેઅંગમાંથી છલકાતી નિર્દોષ મુગ્ધતા, એકેમેક પ્રત્યેનો મનમોહક પ્રેમ, 'જૂઠ બોલે કૌઆ કાટે....' ે ગીતમાં જોવા મળતો નારાજગી સાથેનો પ્રણય, 'હમ તુમ એક કમરે મેં બંદ હો....' ગીતમાં રજૂ થતો પ્રણય .... , આ ફિલ્મની ઋષિ ડિમ્પલની પ્રણયમુગ્ધ જોડીનું વર્ણન શી રીતે કરવું? આટલાં દશક પછી પણ તે સમયે આ સિનેમા જેણે જોયું હશે તેમના દિલોદિમાગમાં તેની છાપ અકબંધ હશે એ વાતમાં શંકાને સ્થાન નથી.
એક દૂજે કે લિયે (૧૯૮૧)
વર્ષ ૧૯૮૧માં 'એક દુજે કે લિયે' નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ કમલ હાસનની પહેલી હિન્દી ફિલ્મ હતી. હિન્દી દર્શકોમાં ગીતોનો ક્રેઝ જોઈને તેના સંગીત પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો હતો. આની જવાબદારી પ્રખ્યાત સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલને સોંપવામાં આવી હતી. બાલાચંદર ઇચ્છતા હતા કે તેલુગુની જેમ એસ.પી. બાલાસુબ્રમણ્યમ આમાં પણ કમલ હાસનનો અવાજ આપે. 'એક દુજે કે લિયે'માં ઘણાં એવાં દ્રશ્યો હતાં, જેમાં નવી પેઢીનો વિદ્રોહી સ્વભાવ બતાવવામાં આવ્યો હતો. ફિલ્મના ક્લાઈમેક્સમાં રતિ અને કમલના બંને પાત્રો પર્વત પરથી કૂદીને આત્મહત્યા કરે છે. આનાથી પ્રેરિત થઈને દેશમાં ઘણા યુગલોએ આત્મહત્યા કરવાનું શરૂ કર્યું.
કયામત સે કયામત તક (૧૯૮૮)
આ સિનેમાએ આમિર ખાનને સ્ટાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ક્લાસિક લવ સ્ટોરીને છાજે એવી પ્રણયગાથા રજૂ કરતી આ ફિલ્મ 'લૈલા-મજનૂ', 'હીર-રાંઝા' જેવા પ્રેમીયુગલોની સ્મૃતિ તાજી કરાવી દીધી હતી.
મૈંને પ્યાર કિયા (૧૯૮૯)
સૂરજ બડજાત્યાની રોમાંટિક ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માં પ્રેમને બાળસહજ નિર્દોષતાથી દર્શાવવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ સિનેમાએ સલમાન ખાનને માત્ર ટોચના કલાકારોની યાદીમાં જ સ્થાન નહોતું અપાવ્યું, બલ્કે 'પ્રેમ' તરીકે સ્થાપિત કરી દીધો તો. આજની તારીખમાં 'પ્રેમ' સલ્લુ મિયાંનું પર્યાયવાચી નામ થઈ ગયું છે એમ હીએ તોય તે વધારે પડતું નહીં ગણાય. તેવી જ રીતે આ મૂવીમાં ભાગ્યશ્રીની માસૂમ મુસ્કાન, આંખોમાં છલકાતી મહોબ્બત સાથે કબૂતરને 'પોસ્ટમેન' બનાવીને 'પ્રેમ' ને મોકલવામાં આવતો પ્રેમપત્ર જેવા દ્રશ્યોએ 'મૈને પ્યાર કિયા'ને પ્રણય પ્રચૂર ફિલ્મોની યાદીમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે.
હમ દિલ દે ચૂકે સનમ (૧૯૯૯)
સલમાન ખાન, અજય દેવગણ અને ઐશ્વર્યા રાયનો પ્રણયત્રિકોણ ધરાવતી આ ફિલ્મમાં પ્રેમથી છલોછલ હૃદય ધરાવતો ચંચળ સલમાન ખાન એક તરફ અને બીજી તરફ રૂપના ઢગલા જેવી ઐશ્વર્યા પર સર્વસ્વ કુરબાન કરવા તૈયાર ધીરગંભીર -ઠરેલ અજય દેવગણ, અને બંને વચ્ચે ઝોલાં ખાતી ઐશ્વર્યા. તન અજય સાથે અને મન સલમાન પાસે. આવામાં જાએં તો જોએ કહાંની ઐશ્વર્યાની અવઢવ પર પૂર્ણવિરામ મૂકવા અજય દેવગણનું ઐશ્વર્યાને સલમાન પાસે લઈ જવું! પ્યાર મેં આસાન નહીં યે કુરબાની. પણ છેવટે ઐશ્વર્યાનું હૃદય પરિવર્તન કરીને અજય દેવગણ પાસે પરત ફરવું. આ ક્લાઈમેક્સે દર્શકોના રૂવાડાં ખડાં કરી દીધાં હતાં. જો કે સલમાનના પ્રેમની દીવાનગી દરમિયાન હિંચકાની એક તરફ ઢળેલા માથા અને બીજી તરફ ઝૂલતા પગનું દ્રશ્ય ઐશ્વર્યાના મનમાં ચાલી રહેલા દ્વંદને બખૂબી રજૂ કરે છે.