સફળતાના સંખ્યાબંધ રહસ્યો ઉઘાડે છે 'પુષ્પાઃધ રાઇઝ'
- 'પુષ્પા...'ની સફળતા પાછળ રહેલી અન્ય વ્યુહરચના વિશે વિતરક કહે છે કે અલ્લુ અર્જુનની લોકપ્રિયતાનો ફાયદો મળ્યો.
થોડા સમય પહેલા રજૂ થયેલી 'પુષ્પાઃધ રાઇઝ'એ સર્વત્ર ધૂમ મચાવી છે. દક્ષિણ ભારતીય અભિનેતા ્ અલ્લુ અર્જુને આ ફિલ્મ પરથી પુરવાર કરી બતાવ્યું છે કે કલાકાર તરીકે તમે ભાષા,રાજ્ય, દેશ કે વિદેશના સીમાડા વળોટી શકો છો.તમારું શ્રેષ્ઠ કામ તમને સર્વત્ર કીર્તિ અપાવી શકે છે.
'પુષ્પાઃધ રાઇઝ'નું હિન્દી સંસ્કરણ ૧૦૦ કરોડની કમાણીને આરે આવી ગયું છે. પહેલે દિવસે જ ૧૫૦૦ સ્ક્રીન પર રજૂ થયેલી આ મૂવીએ ત્રણ કરોડ રુપિયાની કમાણી કરી હતી.પ્રારંંભિક તબક્કે લોકોને એમ લાગતું હતું કે આ કોઇ સાધારણ મૂવી છે. પરંતુ સમય જતાં તે ધમાકેદાર ફિલ્મ તરીકે ઊભરી આવી. આજની તારીખમાં પણ ઘણાં લોકો એમ માને છે કે લાલ ચંદનની દાણચોરી પર આધારિત આ ફિલ્મનું ે ઝાઝું પ્રમોશન પણ કરવામાં નહોતું આવ્યું. આમ છતા ંતેને આટલાં બધા કીર્તિ-કલદાર શી રીતે મળ્યાં. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મનું પ્રમોશન કેવી રીતે કરવામાં આવ્યું હતું. આ સિનેમાના નિર્માતાઓ(હિન્દીમાં ડબ થયેલી 'પુષ્પા....'ના વિતરક) તેના વિશે ફોડ પાડતાં કહે છે કે અમે સારી રીતે જાણતા હતાં કે આ મૂવીને અપ્રતિમ સફળતા મળશે. કારણ કે અમે તેનું પ્રમોશન જુદી જ રીતે કરી રહ્યાં હતાં. વાસ્તવમાં અમારી સેટેલાઇટ ટીવી ચેનલ છેલ્લા બે વર્ષથી કેવળ દક્ષિણ ભારતીય ફિલ્મોને ભોજપુરી અને હિન્દીમાં ડબ કરીને ડિસ્ટ્રિબ્યુટ કરે છે.તેથી અમે આ ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનની લોકપ્રિયતાથી સારી રીતે વાકેફ હતાં. અમારી યુ ટયુબ ચેનલના લગભગ સાડા છ કરોડ સબસ્ક્રાઇબર છે. અને અમારી ચેનલો પર અલ્લુ અર્જુનની ફિલ્મોના કુલ મળીને એક અબજ વીસ કરોડ જેટલાં વ્યુઅર્સ મળ્યાં છે. તેથી અમે આ ચેનલો પર 'પુષ્પા..'નો વિશેષ પ્રચાર કરતાં હતાં.અને અલ્લુ અર્જુનના આ પ્રશંસકો જ પહેલે દિવસે સિનેમાઘરોમાં 'પુષ્પા..' જોવા પહોંચી ગયા હતા.
જોકે અહીં આપણે એ વાતની નોંધ પણ લેવી જ રહી કે આ સિનેમાની સફળતામાં હિન્દી ફિલ્મોના અભિનેતા શ્રેયસ તળપદેનો પણ મહત્વનો ભાગ છે. કહેવાનો અર્થ એ છે કે અલ્લુ અર્જુન તેમાં જે કડકડાટ હિન્દી સંવાદો બોલે છે તે શ્રેયસ તળવદેના સ્વરમાં છે. કહેવાની જરૂર નથી કે શ્રેયસ તળપદે 'ગોલમાલ'સીરિઝ ઉપરાંત 'ડોર', 'ઓમ શાંતિ ઓમ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અને તેના કોમિક ટાઇમિંગ્સ પર દર્શકો ઓવારી જાય છે.
'પુષ્પા...'ની સફળતા પાછળ રહેલી અન્ય વ્યુહરચના વિશે કેરળ માટે તેના અધિકાર ખરીદનાર વિતરક કહે છે કે તેમને અલ્લુ અર્જુનની લોકપ્રિયતાનો ફાયદો મળ્યો. આ ફિલ્મને મલયાલમ અને તેલુગુમાં એકસાથે રજૂ કરવાથી તેનો લાભ મળ્યો. વળી અમે એ વાતની ખાસ કાળજી કરી હતી કે આ મૂવીના બધા ગીતો સમયસર રજૂ થાય. અને અમારી આ કારી ફાવી ગઇ. તેના બધા ગીત લોકપ્રિય થતાં ગયાં. તેના ટીઝરને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. અમારા મતે જો તમે અન્ય ભાષાની ફિલ્મને આટલું બધું મહત્વ આપો તો તેની અસર બોક્સ ઓફિસ પર દેખાવાની જ. તેઓ વધુમાં કહે છે કે એ વાતમાં બે મત નથી કે આ ફિલ્મની કહાણી,રજૂઆત,સ્ટારકાસ્ટ અને સંગીત પણ લાજવાબ છે તેથી દર્શકોએ તેને આટલી બધી પસંદ કરી છે. બાકી જો ફિલ્મમાં દમ ન હોય તો કોઇપણ વ્યુહરચના લાંબો સમય ન ચાલે.
તામિલનાડુના થિયેટર અને મલ્ટીપ્લેક્સ ઓનર્સ અસોસિએશનના અધ્યક્ષ કહે છે કે અર્જુનના યુવાન પ્રશંસકોની સંખ્યા બહુ મોટી છે. આ લોકો જ તેની ફિલ્મોને સફળ બનાવે છે. ખાસ કરીને કોલેજમા જતાં વિદ્યાર્થીઓ તેની સ્ટાઇલના દીવાના છે. તેઓ વધુમાં કહે છે કે તમિળમાં બનેલી મૂળભૂત 'પુષ્પા..' એ બોક્સ ઓફિસ પર તડાકો પાડયો હતો. અને તેની લોકપ્રિયતાનો આરંભ તેના તેલુગુ વર્ઝનથી થયો. તેના તેલુગુમાં ડબ કરેલા નાના નાના ભાગ મોબાઇલ પર રજૂ કરવામાં આવ્યાં ત્યારે જ દર્શકોના દિલોદિમાગમાં આ મૂવી જોવાની તીવ્ર ઇચ્છા જાગી હતી.તેઓ ઉમેરે છે કે આ મૂવી કંઇકેટલીય બાબતોમાં ગેમચેન્જર બની રહી છે. તેની લોકપ્રિયતા જોતાં સ્પષ્ટ થાય છે કે દર્શકો હવે કોઇપણ પ્રાંત કે ભાષાની મૂવી જોવા તૈયાર છે. શરત માત્ર એટલી કે તે દમદાર હોવી જોઇએ. જો અંગ્રેજીમાં બનેલી એક ફિલ્મને ૧૦૦ જેટલી ભાષાઓમાં ડબ કરીને રજૂ કરવામાં આવી શકેતો આપણી ફિલ્મોને અન્ય ભાષાઓમાં ડબ કરીને કેમ ન બતાવી શકાય.જો મૂળ ફિલ્મની સાથે જ ડબ કરેલું સંસ્કરણ પણ રજૂ કરવામાં આવે તો એકસાથે અનેક ભાષાના દર્શકોને તે ફિલ્મ જોવા પ્રેરી શકાય. વળી આજની તારીખમાં ડબિંગની ગુણવત્તા શ્રેષ્ઠ બની હોવાથી દર્શકોને ડબ કરેલી ફિલ્મ જોતી વખતે કાંઇ અવાસ્તવિક નથી લાગતું. એક તબક્કે ૫૦થી૬૦ લાખ રુપિયાનો બિઝનેસ કરનીરી ફિલ્મ વિવિધ ભાષાઓમાં ડબિંગ સાથે રજૂ થાય ત્યારે કરોડોનો વેપલો કરે છે.
વાસ્તવમાં તેલુગુમાં બનેલી 'બાહુબલિ' અને કન્નડમા ંબનેલી 'કેજીએફ'ને મળેલી સફળતા પણ એ જ વાત પુરવાર કરે છે કે જો ફિલ્મમાં દમ હોય તો દર્શકો તેની ઉપર ઓવારી જ જવાના છે. હા, તેનું ડબિંગ અને માર્કેટિંગ જડબેસલાક હોવું જોઇએ. ફિલ્મ ચોક્કસ ઓડિયન્સને ટાર્ગેટ કરે તેવી હોવી જોઇએ.આ અને આવી કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવે તો તેનો ડંકો દુનિયાભરમાં વાગે.