પ્રિયંકા ચોપડા જોનસ હવે સંભવત: સંજય ભણસાલીની ફિલ્મમાં દેખાશે
- પ્રિયંકાએ અગાઉ સંજય ભણસાલીના બેનર હેઠળ બનેલી 'મેરી કોમ'માં ટાઇટલ રોલ કર્યો હતો. આ ઉપરાંત 'બાજીરાવ મસ્તાની'માં એનો કાશીબાઈનો રોલ કોણ ભૂલી શકવાનું છે? જોકે સંજય ભણસાલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મમાં લીડ હિરોઈન બનવાનું એનું સપનું હજુ અધૂરું જ છે
પ્રિ યંકા ચોપડા જોનસ અત્યારે શું કરી રહી છે અને હવે પછી શું કરવાની છે તે જાણવામાં સૌને ખૂબ રસ હોય છે. સ્વાભાવિક છે. પ્રિયંકાએ અમેરિકા જઈને ત્યાંના મેઇનસ્ટ્રીમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં (જેમાં સિનેમા, ટેલીવિઝન અને ઓટીટી ત્રણેય આવી ગયાં) જે સ્થાન હાંસલ કર્યું છે ત્યાં સુધી અગાઉ કોઈ ભારતીય કલાકાર પહોંચી શક્યો નથી. પ્રિયંકા સાચા અર્થમાં 'ઓજી' (ઓરિજિનલ) છે. એ જ્યારે એમ કહે કે મને કોઈ એક દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં, પણ 'વર્લ્ડ ડોમિનેશન'માં રસ છે, ત્યારે લોકો તેના શબ્દોને ગંભીરતાથી લે છે.
પ્રિયંકા તાજેતરમાં સિંગર પતિ નિક જોનસ અને દીકરી માલતી સાથે ભારતની મુલાકાતે આવી ગઈ. એ છેલ્લે મે ૨૦૨૩માં કાકાની દીકરી પરિણીતીની સગાઈમાં ઇન્ડિયા આવી હતી. જોકે પરિણીતી અને આમ આદમી પાર્ટીના યુવા નેતા રાઘવ ચઢ્ઢાનાં લગ્નમાં તે હાજર નહોતી રહી શકી. સાચુંખોટું રામ જાણે, પણ ગપસપ તો એવી સંભળાય છે કે બન્ને પિતરાઈ બહેનોને બહુ ભળતું નથી. એ જે હોય તે, પણ આ વખતે પ્રિયંકાએ સપરિવાર અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કર્યાં અને મુંબઈમાં ઢગલાબંધ મીટીંગ્સ કરી. પ્રિયંકાનું ખુદનું પ્રોડક્શન હાઉસ પણ છે, જે નેશનલ અવોર્ડવિનિંગ પ્રાદેશિક ભાષાની ફિલ્મો બનાવી ચૂક્યું છે. પોતાની બેનર હેઠળ ભવિષ્યમાં બનનારી ત્રણથી ચાર ફિલ્માનેે એણે આ વખતે લગભગ લીલી ઝંડી આપી દીધી છે. એણે હિન્દી ફિલ્મોમાં પણ એક્ટ્રેસ તરીકે સક્રિય રહેવું જ છે. પ્રિયંકા માત્ર ગ્લેમરસ સ્ટાર નથી, એ તગડી અભિનેત્રી પણ છે. આ વખતની મુલાકાત દરમિયાન એ કેટલાય ડિરેક્ટરોને મળી, ફિલ્મોનાં નરેશન સાંભળ્યાં. ફિલ્મી ખબરીઓ કહે છે કે પ્રિયંકા હવે સંજય લીલા ભણસાલીની આગામી એક્શન ફિલ્મમાં કામ કરે તેવી પૂરી શક્યતા છે. પ્રિયંકાએ ભૂતકાળમાં સંજય ભણસાલીના બેનર હેઠળ બનેલી 'મેરી કોમ'માં ટાઇટલ રોલ કર્યો હતો. આ ઉપરાંત 'બાજીરાવ મસ્તાની'માં એનો કાશીબાઈનો રોલ કોણ ભૂલી શકવાનું છે? જોકે સંજય ભણસાલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મમાં લીડ હિરોઈન બનવાનું એનું સપનું હજુ સુધી સાકાર થવાનું બાકી જ છે. શક્ય છે કે પ્રિયંકાનું આ સપનું નજીકના ભવિષ્યમાં વાસ્તવિકતા બને. ફરહાન અખ્તરની 'જી લે ઝરા'ની વાતો વર્ષોથી સંભળાઈ રહે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ રોડ ટ્રિપ પર ઉપડશે. આ ફિલ્મ જોકે બને ત્યારે સાચી.
પ્રિયંકાની હવે પછીની ફિલ્મ, જે સ્ક્રીન પર ત્રાટકવાની છે, તે છે 'ટાઇગર'. ડિઝની પ્લસ હોટસ્ટારની આ ફિલ્મમાં પ્રિયંકાએ અંબા નામની વાઘણને અવાજ આપ્યો છે. આ ડોક્યુમેન્ટરી છે, જેમાં ભારતના ગીચ જંગલોમાં નિવાસ કરતા વાઘની ખાસિયતો અને તેના સંરક્ષણની વાત કહેવાઈ છે. પ્રિયંકાની 'હેડ્સ ઓફ સ્ટેટ' નામની હોલિવુડની એક્શન કોમેડી રિલીઝ થાય એટલી જ વાર છે. ઇલિયા નાઇશુલર નામના રશિયન ફિલ્મમેકરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં ઇદ્રીસ એલ્બા અને જોન સિનાની મુખ્ય ભુમિકાઓ છે. કહે છે કે રુસો બ્રધર્સની આગામી ફિલ્મ 'ધ બ્લફ'માં પણ પ્રિયંકાનો રોલ પાક્કો છે. રુસો બ્રધર્સ એટલે પ્રિયંકાની ખૂબ ગાજેલી વેબ સિરીઝ 'સિટાડેલ'ના પ્રોડયુસર્સ. 'ધ બ્લફ' એક પિરીયડ ફિલ્મ છે. ઇસવી સન ૧૮૦૦ની આસપાસના સમયગાળામાં આ ફિલ્મની કથા આકાર લે છે. એમ તો 'સિટાડેલ'ની બીજી સિઝનની પણ વાતો સંભળાય છે. પ્રશ્ન આ છે: ભયંકર મોટું બજેટ ધરાવતી પહેલી સિઝન જ જ્યારે ખાસ લોકચાહના પામી ન હોય ત્યારે બીજી સિઝન બનાવવા પાછળ શો તર્ક છે? એ જે હોય તે, પ્રિયંકાના ચાહકો માટે તો એ જે કંઈ કરે તે સોનાનું જ છે!