Get The App

પ્રિયંકા ચોપડા જોનસ લવ ડેન્જરસલી!

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
પ્રિયંકા ચોપડા જોનસ લવ ડેન્જરસલી! 1 - image


- 'મને બધી સમજ પડી ગઇ છે, મને બધું આવડી ગયું છે એવું નથી. હું તો જોખમો લેવામાં માનું છું અને તેની મોજ માણુું છું. હું એકસાથે કેટલાય ઘોડે સવાર થાઉં છું. હું નફા-નુક્સાનની પાક્કી ગણતરીઓ સાથે પગલાં ન પણ ભરું.'

એક્શન ફિલ્મની વાત આવે એટલે તેની સાથે રહેલાં જોખમોની વાત પણ નીકળે જ. એક્શન ફિલ્મોમાં હેરતઅંગેજ કારનામા શૂટ કરવા માટે ભારે જહેમત લેવી પડે છે. ઘણા સ્ટાર્સ જાતે જ સ્ટંટ સીન્સ કરવાનો આગ્રહ રાખતા હોય છે. આવી સ્થિતિમાં તેમના પર હંમેશા જોખમ તોળાયેલું રહે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં 'ધ બ્લફ' નામની ફિલ્મના શૂટિંગ દરમ્યાન પ્રિયંકા ચોપડા જોનસને ગળા પર ઇજા થઇ ગઈ.  અમેરિકામાં ઠરીઠામ થઈ ગયેલી પ્રિયંકાનું સમગ્ર ધ્યાન હોલિવુડમાં પોતાની કારકિર્દી જમાવવા પર છે. તેની આગામી એકશન ફિલ્મ 'ધ બ્લફ'માં તેની સામે કાર્લ અર્બન હીરો  છે. આ ફિલ્મની એક એક્શન સિકવન્સના શૂટિંગ દરમ્યાન પ્રિયંકાનું ગળું લોહીલુહાણ થઈ ગયું હતું. પ્રિયંકાએ પોતાની ઇજાગ્રસ્ત હાલતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. નીચે લખ્યુંઃ 'મેરી પ્રોફેશનલ લાઇફ મેં કઇ ખતરે ભી હૈં...' થોડા દિવસો પહેલાં પ્રિયંકાએ આ ફિલ્મના સેટની ગતિવિધિઓનો એક નાનકડો વીડિયો પણ રજૂ કર્યો હતો. આ ફિલ્મ તૈયાર થશે પછી સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે.  

મજાની વાત એ છે કે પ્રિયંકા પોતાની નાનકડી દીકરી માલતીને શૂટ પર હંમેશા સાથે લઈ જાય છે. તેનો સિંગર પતિ નિક જોનસ પણ ઓસ્ટ્રેલિયામાં જ હતો. પ્રિયંકા ઘણીવાર માલતી અને નિક સાથેના વેકેશનની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરે છે. 'ધ બ્લફ' ઉપરાંત તેની ઓર એક ફિલ્મ 'હેડ ઓફ સ્ટેટ'નું કામ પણ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે એક્ટર-રેસ્લર જોન સીના જોવા મળશે. સાથે સાથે 'સિટાડેલ' વેબ સિરીઝની બીજી સિઝનનું કામકાજ પણ ચાલી રહ્યું છે. ટૂંકમાં, પ્રિયંકા બિઝી બિઝી છે. હંમેશ મુજબ. 

હોલિવુડ પર ફોકસ કરવા માટે પ્રિયંકાએ પોતાના અન્ય તમામ બિઝનેસ સંકેલી લીધાં છે. જેમ કે, માર્ચ ૨૦૨૧માં એણે ન્યુ યોર્કમાં સોના નામની રેસ્ટોરાં શરૂ કરી હતી. એ સમયે  સોશિયલ  મીડિયા પર તેનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૩માં પ્રિયંકાએ જાહેરાત કરી નાખી હતી કે એ હવે આ રેસ્ટોરાં હવે કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. મનીષ ગોયલ નામના બિઝનેસમેન સાથે શરૂ કરેલી આ રેસ્ટોરાં વ્યાપારી દૃષ્ટિએ પ્રિયંકા માટે સારી બાબત લાગતી હતી, પણ ધાર્યું પરિણામ મળ્યું નહીં. ૩૦ જુને આ રેસ્ટોરાંમાં આખરી બ્રન્ચ સર્વ કરવામાં આવ્યું.  

પ્રિયંકા કહે છે, 'મને બધી સમજ પડી ગઇ છે, મને બધું આવડી ગયું છે એવું નથી. હું તો જોખમો લેવામાં માનું છું અને તેની મોજ માણુું છું. હું એકસાથે કેટલાય ઘોડે સવાર થાઉં છું. હું દર વખતે નફા-નુક્સાનની પાક્કી ગણતરીઓ સાથે પગલાં ન પણ ભરું. આ એક પ્રકારનો જુગાર છે. મને લાગે છે કે મારી તાસીર અઠંગ જુગારી જેવી છે... અને એટલે જ મારી જિંદગી જોખમોથી ભરપૂર છે!'  


Google NewsGoogle News