પ્રિયામણી દઢતાથી બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી રહી છે...
- 'હું એક નેચરલ એક્ટ્રેસ છું. હું પાત્રને શક્ય હોય ત્યાં સુધી સ્વાભાવિક અને વાસ્તવિક રાખું છું. મને વધુ પડતી નાટકીયતા પસંદ નથી. દક્ષિણ કરતાં બોલિવુડની પદ્ધતિ ભિન્ન છે.'
હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવા બહુવિધ સિનેમામાં પોતાના વર્સેટાઈલ પરફોર્મન્સ માટે જાણીતી પ્રિયામણી 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'જવાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો તેમજ વિવેચકો અને દર્શકો બંનેની પ્રશંસા પામેલી વિખ્યાત વેબ સીરીઝ 'ધી ફેમિલી મેન'માં પોતાના રોલ માટે વ્યાપક પ્રસિદ્ધિ પામી છે.
ફિલ્મ આર્ટિકલ ૩૭૦માં પ્રિયામણીના કામની ભારે પ્રશંસા થઈ. ફિલ્મમાં તેનું પાત્ર રાજેશ્વરી સ્વામીનાથન વાસ્તવિક જીવનની વ્યક્તિ પર આધારીત હોવાનું માનવામાં આવે છે. પણ પ્રિયામણે કહે છે કે હું તો પીએમઓનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. પછી આ પાત્ર વાસ્તવિક હતું કે તે પૂરા પીએમઓ સ્ટાફનું પ્રતિનિધિત્વ કરતું હતું તેના મને પરવા નહોતી. સુરક્ષા કારણોસર ફિલ્મ સર્જકોએ આ વિશે પૂરતી સ્પષ્ટતા નથી કરી તે સ્વાભાવિક છે. પણ સર્જકોએ પાત્ર વિશે ઘણું સંશોધન કર્યું હતું. આવું ખરેખર બન્યું તે અનેક દર્શકોને પસંદ પડયું. ભારત તેમજ આપણા વડા પ્રધાન અને ગૃહ પ્રધાન કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા તેની મોટાભાગના લોકોને પૂરતી જાણકારી નહોતી. આ એક ગુપ્ત મિશન હતું જેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. ઘણી વાર આવા મિશનોમાં મોટી જાનહાનિ થતી હોય છે, પણ આ મિશનમાં એવું કંઈ નહોતું થયું. આથી ઈતિહાસ રચતી આવી ફિલ્મનો હિસ્સો બનવાની મને તક મળી તેની મને ખૂશી અને ગર્વ છે.
આર્ટિકલ ૩૭૦ની સફળતા પાછળ યામી અને પ્રિયામણીનો મહત્વનો ફાળો હતો. પ્રિયામણી કહે છે કે આવા રોલ મળવા ખરેખર એક દુર્લભ બાબત હોય છે. એના માટે તમામ શ્રેય ફિલ્મના સર્જકો અને તેના લેખકોને જાય છે. તેમણે આ પાત્રોમાં પુરુષ કલાકારોના સ્થાને મહિલા કલાકારોને પ્રાધાન્ય આપ્યું તેના માટે તેમની પ્રશંસા કરવી જોઈએ.
પ્રિયામણી એક નેચરલ એક્ટ્રેસ છે. એ કહે છે કે હું પાત્રને શક્ય હોય ત્યાં સુધી સ્વાભાવિક અને વાસ્તવિક રાખું છું. મને વધુ પડતી નાટકીયતા પસંદ નથી.
દક્ષિણથી આવેલી પ્રિયમણી માટે બોલીવૂડની પદ્ધતિ ભિન્ન હતી. પ્રિયામણી કહે છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગ દક્ષિણની સરખામણીએ ઘણો શાંત છે. દક્ષિણમાં સેટ પર દર વખતે પંદર હજાર જેટલા લોકો ચિચિયારી પાડતા હાજર હોય છે. ત્યાં અવાજ ખૂબ હોય છે. પણ બોલીવૂડમાં પ્રત્યેક વિભાગની પોતાની અલાયદી જગ્યા હોય છે. મોટાભાગની હિન્દી ફિલ્મોમાં સેટ પર અવાજ શાંત કરી દેવામાં આવે છે જેથી ઘણીવાર તેમને ડબિંગની જરૂર નથી પડતી જ્યારે દક્ષિણની ફિલ્મોમાં ડબિંગ અનિવાર્ય હોય છે.
પ્રિયામણી શાહ રૂખ ખાનના નમ્ર અભિગમની પ્રશંસા કરતા કહે છે કે ચેન્નઈ એક્સપ્રેસ પછી જવાનમાં સુપરસ્ટાર વધુ સાલસ જણાયો હતો. તે તમામ કલાકારને આદર આપે છે અને ક્યારે પણ કોઈને ભૂલતો નથી. પંદરથી વીસ વર્ષ પછી મળ્યા હોય તો પણ પોતીકાપણાથી બોલાવે છે. શાહ રૂખ સેટ પર એવું વાતાવરણ રચે છે કે નવોદિત કલાકારને સહેજ પણ અજૂગતુ ન લાગે. ફિલ્મ ઉદ્યોગ પુરુષ પ્રધાન હોવાની બાબતે પ્રિયામણી ચિંતિત નથી. પ્રિયામણીના મતે હવે એવો સમય આવી ગયો છે જ્યારે ફિલ્મી હીરોઈનોએ માત્ર હીરો સાથે રોમેન્ટિક ગીતો નહિ પણ નક્કર ભૂમિકા પણ ભજવવાની હોય છે.