mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સેન્સર બોર્ડ કરતાં પણ ખાનગી ક્ષેત્રની સેન્સરશિપ વધારે આકરી છેઃ રોહન સિપ્પી

Updated: Jun 13th, 2024

સેન્સર બોર્ડ કરતાં પણ ખાનગી ક્ષેત્રની સેન્સરશિપ વધારે આકરી છેઃ રોહન સિપ્પી 1 - image


- ફિલ્મ ઉદ્યોગમાં પ્રવાહ પલટાઇ રહ્યા છે

- ટેકનોલોજી સામે લડવાનું શક્ય જ નથી : વિશાલ ભારદ્વાજ   

- રોહન સિપ્પી

- વિશાલ ભારદ્વાજ   

આજે ભારતીય ફિલ્મ ઉદ્યોગ એક પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યો છે. મુંબઇમાં કામ કરતાં અગ્રણી ફિલ્મ સર્જકો સાથે વાત કરતાં નવી દિશા ખૂલી રહી હોય તેમ લાગે છે તો ફાયનાન્સ નો ભરડો કળાકીય સ્વાતંત્રતાનું પણ ગળું દબાવી રહ્યો હોય તેમ  પણ લાગે છે. આવો, જાણીએ ટોચના ફિલ્મ સર્જકો વિશાલ ભારદ્વાજ અને રોહન સિપ્પી આ નવા પ્રવાહો વિશે શું કહે છે. 

શેક્સપિયરને હિન્દી ફિલ્મોમાં પોતાની આગવી શૈલીમાં રજૂ કરનાર વિશિષ્ટ ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજ કહે છે, સિનેમાને  હમેંશા નવા અવાજોની જરૂર પડતી હોય છે. દર દસ વર્ષે એક નવી વિચારધારા આવે છે. જો નવી પેઢીના અવાજોને પ્લેટફોર્મ આપી શકાતું હોય તો તેમ શા માટે ન કરવું જોઇએ ? વિશાલ કહે છે, ફિલ્મ સર્જકે પોતાની જાત સાથે પ્રામાણિક રહેવું જરૂરી છે. એક ફિલ્મમેકર તરીકે તમારે હમેંશા તમારા દિલની વાત સાંભળવી જ જોઇએ. તમારી લાગણીઓ બાબતે તમે કોઇ બાંધછોડ ન કરી શકો. ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં ફિલ્મ મેકર પડદાં પર નગ્ન થઇ જતો હોય છે. અભિનેતાઓ તેમના પાત્રની પડછે સંતાઇ શકે છે, પણ ફિલ્મ મેકર માટે  સંતાવાની આવી કોઇ જગ્યા હોતી નથી. રાજકીય મંતવ્ય હોય કે દુનિયાદારી બધું જ ફિલ્મમાં સામે આવી જાય છે. ફિલ્મમેકર તેમાં કોઇ ઘાલમેલ કરી શકતો નથી. એક અભિનેતા તરીકે તમે બનાવટી મહોરૂ પહેરી શકો છો પણ ફિલ્મમેકરનો  પડદા પર પર્દાફાશ થઇ જાય છે.

વિશાલ કહે છે આજના કોર્પોરેટ ફિલ્મ મેકિંગના જમાનામાં સફળતા એ મોટો માપદંડ છે. તમે સફળ હો તો ધાર્યું કરી શકો છો. પણ દરેક જણ માટે આ શક્ય હોતું નથી. વળી બદલાતી ટેકનોલોજી સાથે તમારી સમજ પણ વિકસવી જરૂરી છે. એક જમાનામાં જ્યારે સાઉન્ડ ડિજિટલ બન્યો ત્યારે લોકો એમ કહેતાં હતા કે ટેપના અવાજમાં જે હૂંફ અનુભવાતી હતી તે ડિજિટલમાં નથી. મને નથી લાગતું કે આવું કશું હોય. ટેકનોલોજીની આગેકૂચ કોઇ અટકાવી શકતું નથી. આજે સ્માર્ટ ફોને ફિલ્મ મેકિંગમાં ક્રાંતિ સર્જી નાંખી છે. મેં મારી શોર્ટ ફિલ્મ ફૂરસત સ્માર્ટફોન પર શૂટ કરી હતી. મારા માટે આ અનુભવ સંતોષકારક બની રહ્યો હતો. વર્ષો અગાઉ હોલીવૂડના ફિલ્મ સર્જક સ્ટિવન સોડરબર્ગે પણ તેની ફિચર ફિલ્મો અનસેન અને હાઇ ફલાઇંગ બર્ડ સ્માર્ટફોન પર શૂટ કરી હતી. જો કે, આજે ક્રિસ્ટોફર નોલાન જેવા ફિલ્મ સર્જકો ફિલ્મ પર શૂટ કરવાનો આગ્રહ રાખે છે. પણ સાચી વાત તો એ છે કે નોલાન એક ફિલ્મમેકર તરીકે સફળ હસ્તી છે અને તેનું બજેટ એટલું વિરાટ હોય છે કે તેને કાંઇપણ કહેવું પરવડી શકે. નોલાનને ફિલ્મ શૂટ કરવા માટે આઇમેક્સ કેમેરાનો  ઉપયોગ કરવાનું પરવડે. અહીં તો તમે નિર્માતા પાસેથી વધારે ફિલ્મ પણ માંગી શકતા નથી. ડિજિટલ આ જ કારણે કરકસરયુક્ત અને અસરકારક માધ્યમ છે, વળી તેના પર શૂટ કરવાનું પણ સરળ બની ગયું છે. જો નાણાંની રેલમછેલ હોય તો મને પણ ફિલ્મ પર શૂટ કરવાનું ગમે. પણ મને ડિજિટલ ફોર્મેટમાં કશું ખોટું જણાતું નથી. 

ફિલ્મમેકિંગમાં પ્રવેશેલા કોર્પોરેટ કલ્ચર અને સેલ્ફ સેન્સરશિપ વિશે વિશાલ કહે છે, એક ફિલ્મ સર્જક તરીકે તમારે હમેંશા સેલ્ફ સેન્સરશિપનો અમલ કરતાં જ રહેવું પડે છે. જ્યારે તમને કોઇ વિચાર આવે ત્યારે પહેલાં તો તમારે એ વિચારવું પડે છે કે નાણાં ધીરનારી વ્યક્તિ શું કહેશે? આ વિચારને સાકાર કરવા માટે તે નાણાં આપશે ખરી? આમ, સેન્સર બોર્ડ પાસે ફિલ્મ જતાં પહેલાં અમે ઘણી બાબતો સેલ્ફ સેન્સર કરી લઇએ છીએ. 

શોલેના સર્જક રમેશ સિપ્પીના પુત્ર અને ફિલ્મ નિર્દેશક-નિર્માતા રોહન સિપ્પી આજના સ્ટુડિયોની ફિલ્મ મેકિંગ પર વધી રહેલી પક્કડ બાબતે કહે છે, કોર્પોરેટ સ્તરે આવું સતત બનતું જ રહે છે. હવે કોઇ ફિલ્મનું વિતરણ સ્વતંત્ર રીતે કરતું નથી. જ્યારે તમે ફિલ્મનું વિતરણ મોટી કંપનીઓ દ્વારા કરતાં હોવ ત્યારે કંપની સાથે રોજ પનારો પાડવો પડે છે. કશું પણ વિવાદાસ્પદ લાગે કે કંપનીના અધિકારીઓ આળાં બની જઇ તે બાબતને પડતી મુકવાનો આગ્રહ રાખે છે. સેન્સર બોર્ડ કરતાં ખાનગી ક્ષેત્રની સેન્સરશિપ વધારે આકરી બની ગઇ છે. તમે કોઇ જોખમ લો તો તમને ખબર નથી હોતી કે આગળ શું થશે. આમ, તમને લાગે છે કે નાહક ઉપાધિ વહોરવા કરતાં સલામત માર્ગ પર જવું વધારે હિતાવહ છે. 

રોહન સિપ્પી ફિલ્મ મેકર તરીકે શરૂઆતમાં કોઇને આદર્શ માનવામાં કશું ખોટું જોતાં નથી. તે કહે છે, શરૂઆતમાં તમે અન્ય લોકોના કામને જુઓ અને શીખો છો. પણ તમારે એ સમયસર સમજી લેવું પડે કે તમારે શું કરવું છે? એકવાર તમને સમજાય કે તમારે શું કરવું છે તો પછી તને સાકાર કરવામાં કોઇ વિલંબ કરવો નહીં.

 રોહન સિપ્પી નવી ટેકનોલોજીના ઉપયોગ બાબતે કહે છે, ચાળીસ વર્ષ અગાઉ હોલીવૂડના વિખ્યાત ફિલ્મ સર્જક ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ કહેલું કે ભવિષ્યમાં ફિલ્મ મેકિંગ એટલું સરળ બની જશે કે જે લોકો સામાન્ય રીતે ફિલ્મ બનાવતાં નથી તેઓ પણ મૂવી બનાવવા માંડશે. 

જેના કારણે પ્રોફેસનલીઝમની જે વાતો થાય છે તે પ્રોફેસનલીઝમ નાશ પામશે અને ફિલ્મ એક કળા સ્વરૂપ તરીકે વિકાસ પામશે. આજે ડિજિટલ યુગ આપણી સામે છે. આજે સ્માર્ટ ફોન પર ફિલ્મ બનાવવાનું સરળ બની ગયું  છે. હવે લોકો ફિલ્મને કેવી રીતે જુએ છે તે તેમના પર નિર્ભર છે. 

રોહન સિપ્પી કહે છે, આજે નવી પેઢી જે રીતે ફિલ્મમેકિંગમાં વાસ્તવવાદ લઇ આવે છે  અને તેને જે રીતે રજૂ કરવામાં આવે છે તે આદરણીય બાબત છે. આજે લેન્ડસ્કેપ એકદમ બદલાઇ ગયો છે. મને યાદ છે એક જમાનામાં જ્યારે મલ્ટીપ્લેક્સીસ નહોતાં ત્યારે ૧૯૯૮માં નાગેશ કુકુનરની ફિલ્મ હૈદરાબાદ બ્લુઝ રજૂ થઇ હતી અને તેણે ફિલ્મમેકિંગનો પ્રવાહ પલટી નાંખ્યો હતો. આ ફિલ્મે ફિલ્મ સર્જન આવી રીતે પણ થઇ શકે તે દર્શાવ્યું હતું. એ રીતે આ ફિલ્મ ગેમચેન્જર બની રહી હતી.    

Gujarat