પૃથ્વીરાજ સુકુમારન કામદેવથી રણ-પશુ સુધી

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
પૃથ્વીરાજ સુકુમારન કામદેવથી રણ-પશુ સુધી 1 - image


- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત

- 'એક સમય હતો જ્યારે અમે મલયાલમ કલાકારો હિન્દી ફિલ્મો જોઈને આભા થઈ જતા અને વિચારતા કે બોલિવુડવાળા આટલી સરસ મેઇનસ્ટ્રીમ ફિલ્મો કેવી રીતે બનાવી શકતા હશે?'

- ઐય્યા

- ધ ગોટ લાઇફ

જ રા ફ્લેશબેકમાં જાઓ અને યાદ કરો રાની મુખર્જીની 'ઐય્યા' નામની ભમરાળી ફિલ્મ. ૨૦૧૨માં આવેલી આ ફિલ્મનો વિષય અને સૂર સાચા અર્થમાં 'હટ કે' હતા. સામાન્યપણે ફિલ્મોમાં હિરોઈનને કામુક રીતે પેશ કરવામાં આવતી હોય છે. ગણી ગણાય નહીં એટલી ફિલ્મોમાં હિરોઇનોનું કામ જ જાણે અંગમરોડ અને દેહ પ્રદર્શનથી ઓડિયન્સમાં બેઠેલા પુરૂષોની કામોત્તેજના ભડકાવવાનું હોય છે. 'ઐય્યા'માં એનાથી ઉલટું હતું. અહીં હીરોએ મહિલા દર્શકોને ઉત્તેજિત કરવાની હતી! રાની મુખર્જીના પાત્રને એક શામળિયા યુવાન પ્રત્યે જબરદસ્ત શારીરિક આકર્ષણ થઈ જાય છે. એ પુરૂષના શરીરની મહેક એને પાગલ કરી નાખે છે. રાનીની સામે જેને કાસ્ટ કરવામાં આવ્યો હતો તે હટ્ટોકટ્ટો હેન્ડસમ હીરો હિન્દી ફિલ્મોના ઓડિયન્સ માટે સાવ નવો હતો. આ એક્ટરને ખાસ સાઉથમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવેલો.  

હવે પાછા વર્તમાનમાં આવી જાઓ. જો તમે ઉત્તમ સિનેમાના ચાહક હશો તો અત્યાર સુધીમાં તમે નેટફ્લિક્સ પર 'ધ ગોટ લાઇફ' (મૂળ ટાઇટલ: 'આદુજીવિતમ્') નામની અદભુત ફિલ્મ જોઈ કાઢી હશે. આને ફક્ત મલયાલમ ફિલ્મ ગણશો તો તેને અન્યાય કરી બેસશો. આ વર્લ્ડ સિનેમા છે. ડિરેક્શન, અભિનય, સિનેમેટોગ્રાફી... આ સઘળું અહીં ટોપ ક્લાસ છે. સત્યઘટના પર આધારિત કથા એવી છે કે સાઉદી એરેબિયાના નર્ક જેવા અંતરિયાળ રણમાં કેરળનો એક નિર્દોષ યુવાન ફસાઈ ચૂક્યો છે. એનો શેતાન જેવો માલિક એની સાથે ઢોર જેવો વહેવાર કરે છે. રોજ ઘેટા ચરાવવા એ જ એનું કામ. વરસોનાં વરસો વીતતાં જાય છે ને આખી દુનિયાથી કપાઈ ગયેલો આ માણસ સૂકાઈને કાંટા જેવો થઈ જાય છે. એક દિવસ લાગ જોઈને એ નાસી છૂટવાની કોશિશ કરે છે અને... 

ટ્વિન્કલ ટ્વિન્કલ સધર્ન સ્ટાર

એ વિચારીને આશ્ચર્યચકિત થઈ જવાય છે કે 'ધ ગોટ લાઇફ'માં નજીબ નામના આ અભાગિયા માણસનો હૃદય વલોવી નાખે એવો અભિનય કરનાર એક્ટર એ જ છે, જેણે વર્ષો પહેલાં 'ઐય્યા'માં રાની મુખર્જીના સેક્સી ફેન્ટસી મેનનો રોલ કર્યો હતો. નામ છે એનું પૃથ્વીરાજ સુકુમારન. પૃથ્વીરાજને તમે સંભવત: 'સાલાર' અને અક્ષય-ટાઇગરવાળી 'બડે મિયાં છોેટે મિયાં'માં પણ જોયો હશે. સો કરતાંય વધારે ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલો પૃથ્વીરાજ સાચા અર્થમાં વર્સેટાઇલ કલાકાર છે. એમણે 'લ્યુસિફર' જેવી એકાધિક હિટ ફિલ્મો ડિરેક્ટ કરી છે, કેટલીય ફિલ્મો પોતાનાં બેનર હેઠળ પ્રોડયુસ કરી છે, એ ફિલ્મ વિતરક છે ને લટકામાં પ્લેબેક સિંગર પણ છે! 

  પૃથ્વીરાજ આમ તો એક 'નેપો કિડ' છે. 'લોકો મારા ફાધર (સુકુમારન)ને ફક્ત અભિનેતા તરીકે જાણે છે,' પૃથ્વીરાજ એક મુલાકાતમાં કહે છે, 'પણ એ ઇંગ્લિશના પ્રોફેસર હતા અને પ્રેક્ટિસિંગ લૉયર પણ હતા. અમારા ઘરમાં ફ્લોરથી છત સુધી ઊંચાં કબાટોમાં હજારો પુસ્તકો હતાં. હું નાનપણમાં પુસ્તકિયો કીડો હતો. સ્વભાવે અંતર્મુખ, ઓછાબોલો, લગભગ અસામાજિક કહી શકાય એવો. મારો મોટો ભાઈ ઇન્દ્રજિત મારાથી સાવ ઊલટો. જ્યાં પણ જાય ત્યાં છવાઈ જાય. એ એક્ટર પણ બહુ જ સરસ.'

પૃથ્વીરાજ હજુ દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે એમના સાવ સાજાસારા પિતાજીનું અણધાર્યું મૃત્યુ થઈ ગયું. 'પણ મારી મા (એક્ટ્રેસ મલ્લિકા સુકુમારન) બહુ જ સ્ટ્રોંગ લેડી છે,' પૃથ્વીરાજ કહે છે, 'એણે અમારા ઉછેરમાં કોઈ કચાશ રહેવા દીધી નથી. મારી મધરને ઇન્ડસ્ટ્રીમાં પચાસ વર્ષ થઈ ગયાં છે. ઇન ફેક્ટ, મારા ફેમિલીમાં સૌથી ટેલેન્ટેડ કલાકાર હોય તો એ મારી મા છે. એક ફિલ્મમાં એણે મારી દાદીનો રોલ કર્યો હતો. એ ગાય છે પણ ખૂબ સુંદર.' પૃથ્વીરાજની પત્ની સુપ્રિયા મેનન, ફોર અ ચેન્જ, એક્ટ્રેસ નથી. એ બીબીસીની પત્રકાર હતી. સાઉથ ઇન્ડિયન સિનેમા વિશે લેખ લખવાના સંદર્ભમાં એણે પૃથ્વીરાજનો સાથે સંપર્ક કર્યો હતો. બન્ને વચ્ચે દોસ્તી થઈ, પ્રેમ થયો ને તેઓ પરણી ગયાં. આજે તેઓ એક મીઠડી દીકરીનાં મમ્મી-પપ્પા છે. 

મલયાલમ વિરુદ્ધ અન્ય ફિલ્મો 

છેલ્લાં કેટલાંક વર્ષોથી, ખાસ કરીને લોકડાઉન શરૂ થયું ત્યારથી, ભારતમાં મલયાલમ ફિલ્મો એકાએક ખૂબ લોકપ્રિય બની ગઈ છે. એની ગુણવત્તાના ખૂબ વખાણ થાય છે. પૃથ્વીરાજ આ વિશે શું કહે છે? 'જુઓ, કેરળની બહાર લોકોના કાને માત્ર સારી મલયાલમ ફિલ્મોની વાતો જ પડે છે. એમને ખબર નથી કે એક સારી મલયાલમ ફિલ્મની પાછળ પાછળ અમારે ત્યાં પાંચ ખરાબ ફિલ્મો પણ બને છે. મેં પોતે ખરાબ મલયામલ ફિલ્મો કરી છે. મલયાલમ ફિલ્મોની જે ફુલગુલાબી ઇમેજ ઊભી થઈ છે એ સાવ સાચી નથી. આ એક વાત થઈ. સાથે સાથે હું એમ પણ કહીશ કે મલયાલમ સિનેમા અત્યારે એક ઉત્તમ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અત્યંત પ્રતિભાવંત લેખકો, ડિરેક્ટરો, એક્ટરો અને પ્રોડયુસરો હિંમતપૂર્વક અને નિષ્ઠાથી સિનેમાના માધ્યમને એક્સપ્લોર કરી રહ્યા છે.'

આટલું કહીને પૃથ્વીરાજ ઉમેરે છે, 'હું મલયાલમ ફિલ્મોને સિંહાસન પર બેસાડીને અન્ય ભાષાની ઉતરતી ગણવા તૈયાર નથી. જુઓ, દરેક ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક દૌર આવતો હોય છે. એક સમય હતો જ્યારે અમે હિન્દી ફિલ્મો જોઈને આભા થઈ જતા હતા અને વિચારતા કે આ બોલિવુડવાળા આટલી સરસ મેઇનસ્ટ્રીમ ફિલ્મો કેવી રીતે બનાવી શકતા હશે?'

પૃથ્વીરાજ માટે 'વિઝનરી' (દીર્ઘદ્રષ્ટા) શબ્દ વપરાય છે. એ કહે છે, 'અમને હવે અચાનક ભાન થયું છે કે મલયાલમ ફિલ્મો માત્ર કેરળમાં જ નહીં, યુએઇમાં પણ ભરપૂર બિઝનેસ કરી શકે છે. અમેરિકામાં મલયાલમ ફિલ્મોનું ૪૦ હજાર ડોલરનું નહીં, પણ એક મિલિયન ડોલરનું માર્કેટ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં અમારૃં નેટવર્ક હજુ પા-પા પગલી કરે છે. આ દિશામાં અમારે ભરપૂર પ્રયત્નો કરવાની જરૂર છે.'

૮૨ કરોડના બજેટમાં બનેલી અને આ જ વર્ષે રિલીઝ થયેલી 'ધ ગોટ લાઇફ' ફિલ્મે ઓલરેડી ૧૬૦ કરોડનો વકરો કરી નાખ્યો છે. આ વખતે ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે 'ધ ગોટ લાઇફ'ની પસંદગી થાય તો જરાય આશ્ચર્ય પામવું નહીં. પૃથ્વીરાજ સુકુમારન ભવિષ્યમાં એક એક્ટર અને ડિરેક્ટર તરીકે કેવીક કમાલ કરે છે તે જોવાની મજા આવશે.   


Google NewsGoogle News