અજય દેવગણ અને હૃતિક રોશન વચ્ચે સ્ક્રીન પર મહાસંગ્રામની તૈયારી
- હૃતિક રોશન અને અજય દેવગણ વચ્ચેની કેમિસ્ટ્રી કેવી રહેશે તે જાણવાની તાલાવાલી દર્શકોને રહેવાની છે એ તો નક્કી.
'તાન્હાજીઃ ધી અનસન્ગ વોરિયર' (૨૦૨૦)ની જોરદાર સફળતા પછી અજય દેવગણ અને દિગ્દર્શક ઓમ રાઉત અનસન્ગ વોરિયર્સ ફ્રેન્ચાઈઝીમાં તેમના બીજા હપ્તા સાથે ભારતના વિસરાયેલા વીરોને સિનેમેટિક સલામી આપવાની યોજના બનાવી રહ્યા છે. આ એજ ઓમ રાઉત છે જેમણે 'આદિપુરુષ' જેવી અતિ ખરાબ ફિલ્મ બનાવીને લોકોની ખૂબ ગાળો ખાધી હતી. ખેર, હવે તેઓ પાછા મેદાનમાં આવી રહ્યા છે. આશા રાખીએ કે એમની હવે પછીની ફિલ્મ 'તાન્હાજી' જેવી પૂરવાર થાય, 'આદિપુરુષ' જેવી નહીં.
ચાર વર્ષના વિરામ પછી આ અભિનેતા અને દિગ્દર્શકની જોડી ફરી બીજી ફિલ્મ માટે તૈયારી કરી રહી છે અને અજય દેવગણ વિલનની ભૂમિકા માટે હૃતિક રોશનને કાસ્ટ કરવા આતુર છે. અજય દેવગણના આ નિર્ણયે દર્શકોમાં ભારે કુતૂહલતા જન્માવી છે.
અજય દેવગણે અભૂતપૂર્વ વીરતા અને બલિદાન દર્શાવનારા ભારતના ગુમનામ ઐતિહાસીક નાયકોને સલામી તરીકે અનસન્ગ વોરિયર્સ સીરીઝની કલ્પના કરી હતી.
આ સીરીઝની પ્રથમ ફિલ્મ તાન્હાજી અદ્ભુત સિનેમેટીક અનુભવ હતો, જે સિંહગઢની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મરાઠા યોદ્ધા તાન્હાજી માલસુરે પર મુખ્યત્વે કેન્દ્રિત હતી. ફિલ્મ બ્લોકબસ્ટર તો બની ઉપરાંત દેવગણને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.
ફ્રેન્ચાઈસી બનાવવાનો વિચાર મહત્વાકાંક્ષી સાહસ હતું, પણ દેવગણ અને ઓમ રાઉત બંને વ્યસ્ત થઈ જતા તેના અમલમાં વિલંબ થયો. જો કે, હવે આ જોડી છેલ્લા કેટલાક મહિનાથી પ્રોજેક્ટને ફરી જીવંત કરવા ચર્ચાવિચારણા કરી રહી છે.
પ્રારંભમાં આ બેલડીએ બાજી પ્રભુ દેશપાંડેની વાર્તા પડદા પર સજીવન કરવાનું વિચાર્યું હતું. ૧૭મી સદીના મરાઠા સૈન્યના સેનાપતિ દેશપાંડેને ૧૬૬૦માં પવન ખિંડની લડાઈમાં તેમની વીરતાપૂર્ણ ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે, જેમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું હતું. જો કે આ જ વિષય દર્શાવનાર મરાઠી ફિલ્મ પવનખિંડ (૨૦૨૨)ની રજૂઆત પછી દેવગણ અને રાઉત તેમના અભિગમમાં ફેરવિચારણા કરી રહ્યા છે.
બાજી પ્રભુ દેશપાંડેની વાર્તા વધુ ભવ્ય સ્તર પર કહેવાની શક્યતા તો બરકરાર છે જ, પણ બંને સર્જકો મરાઠા સામ્રાજ્યના અન્ય ગુમનામ નાયકોના જીવનની વાર્તા કહેવા વિશે પણ વિચાર કરી રહ્યા છે.
ફ્રેન્ચાઈસીમાં આગામી અધ્યાય માટે વિકલ્પો ચકાસી રહ્યા હોવા છતાં બાજી પ્રભુની બાયોપિક માટે દેવગણ અને રાઉતની જોડીના સઘન સંશોધન અને પ્લાનિંગથી પ્રોજેક્ટ ભવ્ય બનવાની શક્યતા વધુ છે.
આગામી પ્રોજેક્ટમાં સૌથી રસપ્રદ મુદ્દો છે હૃતિક રોશનને ખલનાયક તરીકે રજૂ કરવાની અજય દેવગણની તીવ્ર ઈચ્છા. અહેવાલો મુજબ દેવગણને ખાતરી છે કે રોશનની કરિશ્માયુક્ત સ્ક્રીન હાજરી અને અભિનય ક્ષમતા નાયકના મહત્વના પ્રતિસ્પર્ધી તરીકે તેને આદર્શ પસંદગી બનાવે છે.
યોજના મુજબ કાસ્ટીંગનો નિર્ણય નક્કી થાય તો આ પ્રોજેક્ટ દેવગણ અને રોશન વચ્ચેનો પ્રથમ સ્ક્રીન સહયોગ બની રહેશે. ચાહકો બંને સુપરસ્ટાર વચ્ચેનો મુકાબલો જોવા અત્યારથી રોમાંચ અનુભવી રહ્યા છે. દેવગણની ધીર અને ગંભીર સ્ટાઈલનો રોશનના વિશાળ સ્ક્રીન વ્યક્તિત્વ સાથેનો મુકાબલો અત્યારથી તેમના ચાહકોમાં ઉત્તેજના જગાવી રહ્યો છે. આ સંભવિત ભાગીદારી સીક્વલની પણ શક્યતા સર્જી શકે છે જેના કારણે સમગ્ર કથાનકમાં નવું પરિમાણ ઉમેરાશે અને વ્યાપક પ્રમાણમાં દર્શકોને આકર્ષી શકાશે.
તાન્હાજીમાં છત્રપતિ શિવાજી મહારાજનું શક્તિશાળી ચિત્રણ કરનાર શરદ કેલકર સીક્વલમાં ફરી આ ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. મૂળ ફિલ્મમાં કેલકરનો પરફોર્મન્સ પણ મહત્વની હાઈલાઈટ હતો જેમાં તેણે પોતાની મૌલિકતા અને ગંભીરતા માટે વ્યાપક પ્રશંસા હાંસલ કરી હતી. તેની વાપસીથી સીક્વલનો તેના પૂર્વર્તી સંસ્કરણ સાથેનો સંબંધ વધુ મજબૂત થશે અને તેના ઐતિહાસીક તથ્યમાં વધારો થશે.
ઓમ રાઉતની દિગ્દર્શક તરીકેની દ્રષ્ટિ, દેવગણનો ચુસ્ત પરફોર્મન્સ અને રોશનનો સ્ટાર પાવર રસપ્રદ મિશ્રણ રચશે. ફિલ્મ સર્જકો મનોરંજન કરવા ઉપરાંત શૈક્ષણિક સાધન પણ બને તેવી ફિલ્મ રચવા માગે છે, જેમાં ભારતના વિસરાયેલા નાયકોની વીરતા અને બલિદાનો પર પ્રકાશ પાડવામાં આવ્યો હોય.
જે યુગમાં દ્રઢતા અને નિસ્વાર્થપણાની વાર્તાઓ મહત્વની સાંસ્કૃતિક પ્રાસંગિકતા ધરાવે છે, ત્યારે અનસન્ગ વોરિયર્સ ફ્રેન્ચાઈસીમાં દર્શકોને આકર્ષિત કરવાની પ્રેરણા આપવાની જોરદાર ક્ષમતા છે. વધુ પ્રભાવશાળી કથાનકોથી ઢંકાઈ ગયેલી ઐતિહાસીક હસ્તીઓ પર પ્રકાશ પાડીને આ સીરીઝ તેમની વાર્તાઓ કહેવાય અને કદર મેળવે તેના માટેનું મંચ રચે છે.
ઐતિહાસીક અને એક્શન ડ્રામામાં શક્તિશાળી પરફોર્મન્સ આપવા માટે જાણીતા રોશનને સામેલ કરીને રોમાંચનું નવુ સ્તર ઉમેરાયું છે. ચાહકો આતુરતાથી રોશન અને દેવગણ વચ્ચેની કેમિસ્ટ્રી માણવાની રાહ જોઈ રહ્યા છે. તેમના મતે આ સ્પર્ધા ભારતીય સિનેમામાં નવા બેન્ચમાર્ક રચી શકે છે.
રાઉત અને દેવગણ સ્ક્રિપ્ટ અને પ્લાનિંગના તબક્કામાં વ્યસ્ત છે ત્યારે આ સીક્વલ ફરતેનો ઉત્સાહ ચાહકોમાં સતત વધી રહ્યો છે. ઐતિહાસીક ડ્રામા, જોરદાર પરફોર્મન્સ અને સિનેમેટીક ભવ્યતા સાથે અનસન્ગ વોરિયર્સ સીરીઝની આગામી ફિલ્મમાં ભારતીય સિનેમામાં નવો લેન્ડમાર્ક સાબિત થવાની ક્ષમતા છે.
દેવગણના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટ માત્ર એક ફિલ્મ નથી, પણ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઈતિહાસની કથા છે, જે આપણા રાષ્ટ્રને આકાર આપનાર હસ્તીઓની બહાદુરી અને બલિદાનની વાર્તા મોટા પડદે જીવંત કરે છે.
હવે તેઓ બાજી પ્રભુ દેશપાંડેની કથા ફરી માંડે અથવા કોઈ નવી વાર્તા પસંદ કરે, દેવગણ અને રાઉતનો સહયોગ અવિસ્મરણીય સિનેમેટીક સફર બની રહેશે તેમાં કોઈ શક નથી.