પ્રીતિ ઝિન્ટા અગ્નિદેવ... ખમૈયા કરો!
- હોલિવુડની કેટલીય ફિલ્મોમાં આપણે જોયું છે કે કુદરતી પ્રકોપ યા તો એલિયન્સ દ્વારા લોસ એન્જલસ શહેરનું ધનોતપનોત નીકળી ગયું હોય. આ કાલ્પનિક સિનારીયો કરતાંય વાસ્તવિકતા વધારે ભયાવહ પૂરવાર થઈ તે કેટલી મોટી કરૂણતા...
ભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અત્યારે એકાએક ન્યુઝમાં આવી ગઈ છે. તેનું કારણ છે, અમેરિકાના લોસ એન્જેલસમાં લાગેલી ભયાનક આગ. પ્રીતિ એના પતિ જીન ગુડઈનફ અને બે બાળકો સાથે લોસ એન્જલસમાં રહે છે. કેલિફોર્નિયા સ્ટેટને, એમાંય ખાસ કરીને લોસ એન્જલસ શહેરને વિનાશક આગે જે રીતે નુકસાન પહોંચાડયું છે, તેનાથી સૌ કોઈ આઘાત પામ્યા છે. કલ્પના કરો કે જેને લોસ એન્જલસ સાથે કોઈ સીધો સંબંધ નથી તેવા લોકો આગની દ્રશ્યાવલિ જોઈને ડઘાઈ ગયા છે, તો એલ.એ.ની રહેવાસી એવી પ્રીતિને કેટલો મોટો ઝટકો લાગ્યો હશે.
પ્રીતિ ઝિન્ટાએ એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'મને કદીય કલ્પના પણ નહોતી કે હું એવો દિવસ જોવા માટે જીવતી હોઈશ કે જ્યારે લોસ એન્જલસમાં લાગેલી આગમાં અમારી આસપાસના પડોશ તબાહ થઈ ગયો હોય. મારા મિત્રો અને પરિવારજનોને તેમનાં ઘરોમાંથી કાં તો ખાલી કરવામાં આવ્યા છે, અથવા તો તેમને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જો પવન શાંત નહીં થાય તો નાનાં બાળકો અને વૃદ્ધોનું શું થશે, એની મને ખૂબ ચિંતા છે. અમારી આસપાસ વિનાશ વેરાયેલો છે. અમે ભગવાનનો આભાર માનીએ છીએ કે અમે સલામત છીએ. અત્યાર સુધી વિસ્થાપિત થયેલા લોકો અને આ આગમાં બધુ જ ગુમાવી ચુકેલા લોકોના મનમાં અમને જોઈને આશા જાગી છે. આગ પર હવે કાબૂ મેળવવાની ભરપૂર કોશિશ થઈ રહી છે. આશા રાખી રહ્યા છીએ કે પવન પણ હવે શાંત થઈ જશે અને આગ પર કાબૂ જમાવવામાં આવશે. આ માટે સૌથી મોટો આભાર તો અગ્નિશામક દળના જવાનો અને અન્યોનો માનવો રહ્યો, જેમણે જીવન અને અસ્કયામત બચાવવામા મદદ કરી છે. બધા સલામત રહે એવી પ્રભુને પ્રાર્થના...'
હોલિવુડની સુપરસ્ટાર એન્જેલિના જોલી અને તેના પુત્ર આ વિનાશક આગનો ભોગ બનેલા લોકોને મદદ કરતાં અને તેમને જીવનાવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરતાં અને જરુરતમંદોને પૂરો પાડતાં જોવા મળ્યાં હતાં. એણે કેટલાય લોકોને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.
હોલિવુડની કેટલીય ફિલ્મોમાં આપણે જોયું છે કે કુદરતી પ્રકોપ યા તો એલિયન્સ દ્વારા લોસ એન્જલસનું ધનોતપનોત નીકળી ગયું હોય. આ કાલ્પનિક સિનારીયો કરતાંય વાસ્તવિકતા વધારે ભયાવહ પૂરવાર થઈ તે કેટલી મોટી કરૂણતા...