મમ્મીના 'મંથન'નો સાક્ષી બનવા કાન્સ પહોંચ્યો પ્રતીક પાટીલ-બબ્બર

Updated: May 30th, 2024


Google NewsGoogle News
મમ્મીના 'મંથન'નો સાક્ષી બનવા કાન્સ પહોંચ્યો પ્રતીક પાટીલ-બબ્બર 1 - image


- 'હું વારંવાર મારી મમ્મીની  ફિલ્મો જોઉં છું. મારા માટે ફુરસદની પળોમાં આ એક ઇમોશનલ રુટિન છે. મમ્મીની ફિલ્મો જોતી વખતે મને ખબર હોય છે કે હવે પછી શું બનવાનું છે અને છતાં હું એ જોયા કરૂં છું.' 

પો તાના જન્મ પછી તરત પોતાની લેજન્ડરી જનેતા સ્મિતા પાટિલનું છત્ર ગુમાવનાર અભિનેતા પ્રતીક પાટિલ-બબ્બર દાયકાઓ પછી પણ માને ભૂલી નથી શક્યો. આ સ્વાભાવિક છે કારણ કે સ્મિતા પાટિલને હજુ એના ફેન્સ પણ ભૂલાવી નથી શક્યા, જ્યારે પ્રતીક તો એનો પુત્ર છે. સ્મિતાની ખ્યાતિ એની હયાતિમાં જ દેશના સીમાડા વટાવી ગઈ હતી. દેશ-વિદેશના  ફિલ્મ ફેસ્ટિવલ્સના આયોજકો  આજેય એને સંભારે છે. હમણાં પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલના ક્લાસિક સેગમેન્ટમાં સ્મિતા પાટીલની ફિલ્મ 'મંથન'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું. એમાં હાજરી આપવા પ્રતીક પોતાનાં બધાં કામ પડતા મૂકીને ફ્રાંસ ઉપડી ગયો. 

આ ઐતિહાસિક પ્રસંગ અટેન્ડ કરવા ભારતથી રવાના થતાં પહેલાં એણે કહેલું, 'કાનમાં મારી મધરનું અભિવાદન થવા જઈ રહ્યું છે અને એ મારા અને મારા ફેમિલી માટે યાદગાર ઘટના છે. આઈ એમ અ પ્રાઉડ સન. આ પ્રસંગ મારી મધર કેટલી અદ્ભુત મહિલા હતી એનું એક રિમાઇન્ડર છે. સ્મિતા પાટીલનો દીકરો હોવા બદલ હું પોતાને નસીબદાર ગણું છું.'

'મંથન'ના પૃષ્ઠભૂમિમાં દૂધ વેચીને ગુજરાન ચલાવતા ખેડા જિલ્લાના ખેડૂતોનું સહકારી મંડળ સ્થાપવા માટેનું મનોમંથન છે. 'મંથન' માટે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટિલ જેવાં કલાકારોએ લગભગ નહિવત મહેનતાણું લીધું હતું. બેનેગલે પાંચ લાખ ખેડૂતો પાસેથી ભેગા કરાયેલા બબ્બે રૂપિયાના ફાળા પર જ આખી ફિલ્મ બનાવી દીધી હતી.

એ હકીકતની વાકેફ પ્રતીક કહે છે, 'મારી નાની અને માસીએ 'મંથન'ના મેકિંગ પાછળની સ્ટોરી મને કહી છે. મારા નાના પણ ખેડૂત હતા અને મને નાનપણથી પરિવારની ઉજ્જવળ પરંપરા માટે ગૌરવ લેવાના સંસ્કાર અપાયા છે.'

બાળકનો એની મા સાથે નાળનો સંબંધ હોય છે એટલે એ એને કદી ભૂલી નથી શકતો. પ્રતીક ભાવુક થઈને કહે છે, 'હું વારંવાર મારી મમ્મીની  ફિલ્મો જોઉં છું. મારા માટે ફુરસદની પળોમાં આ એક ઇમોશનલ રુટિન છે. મમ્મીની ફિલ્મો જોતી વખતે મને ખબર હોય છે કે હવે પછી શું બનવાનું છે અને છતાં હું એ જોયા કરૂં છું.' 

એક મીડિયા પર્સને પૂછ્યું કે શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારી માતાને ભારતમાં મળવું જોઈતું હતું એટલું સન્માન નથી મળ્યું? પ્રતીક શાંતિથી કહે છે, 'ભાઈ, દુનિયા ઐસે હી ચલતી હૈ. તમારે એ બધા વચ્ચે જ જીવવાનું છે. કાન ફેસ્ટિવલની ઇવેન્ટ એક સિમ્બોલિક મોમેન્ટ છે, જે લોકોને યાદ દેવડાવશે કે સ્મિતા પાટિલ ભારતની એક ગ્રેટ એક્ટર હતી.' 


Google NewsGoogle News