પ્રતીક ગાંધીઃ શેરબજારનો ખંધો ખેલાડી હવે સત્યના પ્રયાગો કરશે
- 'પહેલા જ દિવસથી વિદ્યા બાલન મને જાણે કે વરસોથી ઓળખતી હોય તે રીતે સેટ પર વર્તતી હતી. વિદ્યા જેટલી મજેદાર અભિનેત્રી છે એટલી જ બુદ્ધિશાળી અને પારદર્શક પણ છે.'
પ્રતીક ગાંધી. 'સ્કેમ-૧૯૯૨' શોનો આ હર્ષદ મહેતા હવે એક ઔર મહત્ત્વાકાંક્ષી વેબ સિરીઝમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જીવવાનો છે. બન્ને શોના ડિરેક્ટર છે - હંસલ મહેતા.
પ્રતીક ગાંધી કહે છે, 'મારાં મન -હૃદયમાં શાળા-કોલેજના સમયથી જ ગાંધીજી પ્રત્યે આદર સન્માન રહ્યાં છે. ગાંધીજી વિશે લખાયેલાં પુસ્તકો અને ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' વગેરે મે વાંચ્યાં છે. હું તો એમ જ માનું છું કે મહાત્મા ગાંધીજીનું જીવન કોઇ ચમત્કાર કરતાં જરાય ઓછું નથી. એક સુકલકડી અને આછીપાતળી પોતડીધારી માણસ સત્ય, નીતિ, પ્રામાણિકતાના પ્રયોગો કરતો કરતો મહામાનવ બની ગયો. આવું ઐતિહાસિક પાત્ર ભજવવાની તક મળવાથી હું એમ માનું છું કે મારા જીવનમાં અને મારી અભિનય કારકિર્દીમાં ચમત્કાર થયો છે.
'મજાની વાત તો એ છે કે 'ગાંધી' વેબ સિરિઝમાં હું ગાંધીજીનું અને મારી ધર્મપત્ની ભામિની કસ્તુરબાનું પાત્ર ભજવી રહી છે. આવો ઉજળો યોગ તો ઇશ્વરના આશીર્વાદ જ કહેવાય.'
ગાંધીજીના જીવન પર જ આ૦૦ારિત 'મોહનનો મસાલો' અને 'હું ચંદ્રકાંત બક્ષી' જેવાં ગુજરાતી નાટકો અને 'બે યાર', 'લવની ભવાઇ', 'વેન્ટિલેટર' વગેરે ગુજરાતી ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારો પ્રતીક ગાંધી ભારોભાર અહોભાવથી કહે છે, 'હું 'મોહનનો મસાલો' જેવા વિશિષ્ટ નાટકમાં કામ કરવાથી હું ગાંધીજીના પાત્રને બહુ સૂક્ષ્મ રીતે સમજી શક્યો છું. એટલે હવે 'ગાંધી' વેબ સિરીઝમાં પણ આ મુઠ્ઠીઉંચેરા માનવીના જીવનને વધુ સારી અને વધુ સાચી રીતે રજૂ કરી શકીશ એવો ભરપૂર વિશ્વાસ છે. રહી વાત દિગ્દર્શક હંસલ મહેતાની. 'ગાંધી' વેબ સિરીઝ તો મારો હંસલ સર સાથેનો ચોથો પ્રોજેક્ટ છે. અમે બંને ઘણાં વરસથી સાથે કામ કરતાં હોવાથી અમારી ંબંને વચ્ચે બહુ સારી સમજણ પાંગરી છે. અમારે બહુ ચર્ચા વિચારણા કરવાની જરૂર પડતી નથી. હંસલ સરે મારી અભિનય પ્રતિભાને ખરા અર્થમાં નિખારી છે. હું તો એમ કહીશ કે મારી અભિનય કારકિર્દી 'સ્કેમ-૧૯૯૨' પહેલાંની અને 'સ્કેમ-૧૯૯૨' પછી એમ બે હિસ્સામાં વહેંચાયેલી છે.'
પ્રતીક ગાંધીની અભિનય પ્રતિભા હવે ધીમે ધીમે હિન્દી ફિલ્મોના મોટા પડદા પર પણ ઝળહળવા લાગી છે. હજી હમણાં જ રજૂ થયેલી 'દો ઔર દો પ્યાર' ફિલ્મમાં પ્રતીક ગાંધીએ બોલિવુડની આલા દરજ્જાની અભિનેત્રી વિદ્યા બાલન સાથે જુગલબંદી કરી છે.
પ્રતીક કહે છે, 'હા, મને વિદ્યા બાલન જેવી મજેદાર અભિનેત્રી સાથે કામ કરવાની તક મળી છે. અતિ પ્રતિભાશાળી અભિનેત્રી છે એ. વિદ્યાની સેન્સ ઓફ હ્યુમર પણ જબરી છે. અમે બંને 'દો ઔર દો પ્યાર'ના સેટ પર પહેલા જ દિવસે મળ્યાં. બંનેનો ઉમળકાભેર પરિચય થયો. બસ, વિદ્યા બાલન મને જાણે કે વરસોથી ઓળખતી હોય તેમ તેનાં વાણી-વ્યવહારમાં પોતીકાપણાનો અનુભવ થયો. વિદ્યા જેટલી મજેદાર અભિનેત્રી છે એટલી જ તે બુદ્ધિશાળી અને પારદર્શક પણ છે.'
પ્રતીકની આ વરસે 'મડગાંવ એક્સપ્રેસ' નામની ફિલ્મ રજૂ થઇ છે. પ્રતીક ભરપૂર આનંદ - ઉત્સાહ સાથે કહે છે, 'મેં 'મડગાંવ એક્સપ્રેસ' ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે બહુ હસ્યો હતો. ખરું કહું તો મને એ જ વખતે અંદાજ આવી ગયો હતો કે ફિલ્મમાં દર્શકોને પણ ભરપૂર મોજમસ્તીનો અનુભવ થશે. ફિલ્મમાં આંગિક અભિનયના ઘણા પ્રસંગો હોવાથી થિયેટરમાં હાસ્યનો ધોધ વહ્યો.' 'દેઢ બીઘા ઝમીન' ફિલ્મમાં પ્રતીક ગાંધીએ ખોબલા જેવડા ગામડાના ખેડૂતનું સંવેદનશીલ પાત્ર ભજવ્યું છે. ગામનાં અમુક માથાભેર તત્ત્વોએ આ ખેડૂતની દોઢ વીધા જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો છે. કિસાન તેની માલિકીની જમીન પાછી આપી દેવા પેલાં આ તત્ત્વોને સતત વિનંતી-આજીજી કરે છે, કેમ કે આ જ દોઢ વીધા જમીન વેચીને એ પોતાની બહેનના લગ્નમાં દહેજ આપવા માગે છે.
'ગાંધી' વેબ સિરીઝની પ્રતીક્ષા સૌને છે. ઓલ ધ બેસ્ટ, પ્રતીક.