પ્રતીક ગાંધી: આવા પાત્રની નિકટ જવું કલાકાર માટે અત્યંત રસપ્રદ!
- સ્કેમ: 1992 - ધ હર્ષદ મહેતા સ્ટોરી
- ગુજરાતી રંગભૂમિના એક કલાકારે ઈતિહાસ રચી દીધી. રંગભૂમિ પર પંદરેક વર્ષથી પરસેવો રેલાવતા આ કલાકારને વેબ-સીરિઝ પર એક તક મળી ને તેણે તો બધા વિક્રમો તોડી નાખ્યા.
હર્ષદ મહેતાના પાત્રને પ્રતીક ગાંધીએ તેના અદ્ભુત અભિનયથી ફરી જીવંત બનાવી દીધું. 'સ્કેમ-૧૯૯૨: ધ હર્ષદ મહેતા' વેબ-સીરિઝમાં દિગ્દર્શક હંસલ મહેતાએ પ્રતીકને એવું મોકળું મેદાન આપ્યું છે કે તેને કારણે પ્રતીકે તેના પંદર વર્ષના થિયેટરના અનુભવથી સીરિઝને ઝળકાવી દીધી છે. પ્રતીક થિયેટરને 'કલાકારોના જીમ' તરીકે ઓળખાવે છે અને એ તેણે તેના અભિનયથી ચરિતાર્થ પણ કરી દાખવ્યું છે. શેરબ્રોકર હર્ષદ મહેતાએ નેવુંના દાયકામાં કેટલું મોટું કૌભાંડ કર્યું તેને હજુ કોઈ પૂરેપૂરું ભૂલ્યા નથી, તેની યાદ તો હજુય લોકોના મનમાં ધોળાય છે. આ પાત્રને નિકટતી નિહાળવાનો અનુભવ કેટલો રસપ્રદ છે એ તો આ વેબ-સીરિઝને મળી રહેલા પ્રતિસાદથી જ ખબર પડી જાય છે. આ માટે વેબ-સીરિઝની આખી ટીમ અભિનંદનની અધિકારી બને છે.
ગુજરાતી રંગભૂમિના એક કલાકારે ઈતિહાસ રચી દીધી. રંગભૂમિ પર પંદરેક વર્ષથી પરસેવો રેલાવતા આ કલાકારને વેબ-સીરિઝ પર એક તક મળી ને તેણે તો બધા વિક્રમો તોડી નાખ્યા. એક ગુજરાતીએ દેશના અર્થતંત્રને નુકસાન પહંચાડતા અને અનેક નિર્દોષોને આત્મહત્યા ભણી દોરી જતાં કૃત્યો કર્યા તેનું જ પાત્ર ભજવી બધાને '૯૦ના દાયકાને યાદ કરાવી દીધો.
આ કલાકાર છે પ્રતીક ગાંધી. તેની વેબ સીરિઝ 'સ્કેમ-૧૯૯૨: હર્ષદ મહેતા સ્ટોરી' નવમી ઓક્ટોબરે રિલિઝ થઈ અને બીજે જ દિવસથી આ કલાકાર અગણિત મેસેજ અને શુભેચ્છા - સંદેશાનો ધોધ વરસવા લાગ્યો, જે આજેય અટક્યો નથી. આઈએમડીબી ઉપર ૯.૬ રેટિંગ સાથે આ સીરિઝ વિશ્વની સૌથી લોકપ્રિય વેબ-સીરિઝ બનીગઈ અન્ય બે લોકપ્રિય સીરિઝને પણ પાછળ મૂકી દઈ લોકપ્રિયતાનો એક નવો અવસર કંડારી આપ્યો. આનું મુખ્ય કારણ પ્રતીક ગાંધી તો છે જ, સાથોસાથ તેને સાથ આપનારા કલાકારો અને દિગ્દર્શક હંસલ મહેતા પણ છે જ. ખુદ પ્રતીક ગાંધીએ પણ ધાર્યું નહોતું કે આ સીરિઝ લોકપ્રિયતાની આવી ઊંચી ઇમારત રચશે. જોકે રંગભૂમિના પંદર વર્ષના અનુભવે તેના મનમાં એવું જરૂર થતું હતું કે કંઈક તો અવનવું બનવાનું છે. તો ચાલો વાતો કરીએ પ્રતીક ગાંધી સાથે અને માણીએ તેના અનુભવોન. અરે હા, પ્રતીકે જ થિયેટરને કલાકારોની જીમ તરીકે ઓળખાવી થિયેટરને એક નવી ઈમેજ પણ બક્ષી છે.
* થિયેટરની પંદર વર્ષની કારકિર્દી બાદ નવી સફળતા પછી કેવી અનુભૂતિ થાય છે?
* મારી નાનકડી પુત્રીએ ખૂબ સરસ પ્રત્યાઘાત આપ્યા છે! તેણે મને પૂછ્યું, 'પપ્પા, ઓચિંતા જ ઘણાં બધા લોકો તમને શા માટે ફોન કરવા લાગ્યા છે અને અભિનંદન આપવા માંડયા છે? આથી મેં તેને જવાબ આપ્યો કે મેં આ વેબસીરિઝમાં કામ કર્યું છે અને મારો અભિનય લોકોને ખૂબ ગમ્યો છે.' આ પછી તેણે પ્રત્યાઘાત આપ્યો, 'પણ અત્યારે જ શા માટે? એ પહેલાં તેમણે તમને જોયા નહોતા?'
હા, તેનું કહેવું અસાધારણ છે. મેં તો લોકોનો અગાઉ પણ એપ્રોચ કર્યો હતો, પણ તત્કાળ નકારી દીધો હતો અને હવે, તેઓ મને ફોન કરીને અભિનંદન આપી રહ્યા છે. મારી સાથે કામ કરનારા લોકો પણ અભિનંદન આપી રહ્યા છે, અને કેટલાંય મારી મુલાકાતો લઈ રહ્યા છે, ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. મને તેનો કોઈ રંજ નથી. તમારી સફળતાની કથા તમારે પોતે લખવી પડે છે. અને ઘણીવાર એની લાંબી રાહ જોવી પડે છે. ઓટીટી પ્લેટફોર્મ્સ હવે મેઈનસ્ટ્રીમ માધ્યમ બની ગયું છે અને તે વિશાળ જનસમુદાય સુધી પહોંચે છે. પણ, લોકો તો મને હવે ઓળખવા લાગ્યા છે. આમ છતાં હજુય આ જબરદસ્ત આવકાર છે, અંતે આવું બન્યું ખરું.'
* હર્ષદ મહેતાનું પાત્ર ભજવતાં શી મુશ્કેલી પડી? ખાસ કરીને તે હજુય જાહેર સ્મૃતિમાં તીવ્રપણે ઝળકે છે.
* આવા પાત્રોની નજીક જવું કલાકાર માટે અત્યંત રસપ્રદ હોય છે અને જ્યારે લોકોના મગજમાં આવા પાત્રની ઘણી બધી સ્મૃતિઓ જીવંત હોય ત્યારે તો ખાસ. આમ છતાં મેં આવો પબ્લિક ફિગરને ભજવતા એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે અમે તેના વ્યક્તિત્વ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું. કેમ કે આવા પાત્રોની માનવીય બાજુ ખાસ નજરઅંદાજ કરાતી હોય ચે. હર્ષદ મહેતાની કતામાં બે બાજુઓ હતી: એક તો તેણે કેવી રીતે અર્થતંત્રને છિન્નભિન્ન કર્યું અને બીજું એ કે તે અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો. મારા હાથમાં જે કંઈ આવ્યું એ મેં બધું જ વાંચી નાખ્યું છે, હર્ષદ મહેતા માટે. અને એ પછી બધું જ ત્યજી દીધું. મને ખબર હતી કે મારે નૈસર્ગિક, નિષ્પક્ષપાત સ્પેસ સાથે અભિગમ અપનાવવાનો હતો. એ વિલન નહોતો અને હીરો પણ નહીં.
* એક વ્યક્તિ જ્યારે આવું પાત્ર ભજવે છે ત્યારે સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી બની જાય છે, શું તે આવી ઓબ્જેકટિવ સ્પેસ રાખી હતી?
* આ બાબતમાં મને થિયેટરનો મારો વર્ષોનો અનુભવ કામે લાગ્યો. મેં ઘણા બધા રિયલ-લાઈફ પાત્રો ('મોહનનો મસાલો'માં ગાંધી સહિત) ભજવ્યા છે, જેની નોંધ લિમ્કા બુક ઓફ રેકોડ્સમાં લેવામાં આવી છે અને બીજું હું મોટે ભાગે પાત્રની સંવેદના અને માનવીય પાસાંને સ્પર્શવાનો પ્રયત્ન કરું છું, નહીં કે પાત્ર જેવી એક્ટિંગ કરવાને બદલે. હું પાત્રને હોય એ રીતે રિએક્ટ કરવાના પ્રયાસ કરું છું. એક એકટર તરીકે હું કોઈ મોટું સ્ટેટમેન્ટ આપવા નથી માગતો. હું તો એવું માનું છું કે એ વધુ મહત્ત્વ અને ચોક્કસપણે વધુ રસપ્રદ છે કે જેથી દર્શકોને તેમનું અર્થઘટન કરવાની તક મળે.
આ વેબ-સીરિઝમાં એવા ઘણા બધા મુકામ આવે છે જ્યારે એકટર સરળતાથી બહાર નીકળી જઈ શકે છે, ગેલેરીમાં મુક્ત મને વિહરી શકે છે. 'હીરો' બન જાના બહોત નૈસર્ગિક સહજવૃત્તિ હોતા હૈ એકટર કે લિયે.. ખાસ કરીને હું આ લાઈન પર આગળ વધ્યો કેમ કે મારે ઘણાં રિયાલિસ્ટિક પાત્રો ભજવવા છે, બાકી તો ફિલ્મી હીરો જેવા પાત્રો તો મને ઘણાં કરવા મળ્યા હોત. મારો સમગ્રતયા ઉદ્દેશ તો બધુ જ રિયાલિસ્ટિક બનાવવાનો હતો. હીરો તરીકે મારી જાતને પ્રોજેક્ટ કરવાને બદલે મને એવી વ્યક્તિનો ધ્વનિ બનવાનું ગમ્યું કે સામાન્ય પરિસ્થિતિમાં સામાન્ય રીતે વાત કરી શકે, એના સંવાદમાં ડાયલોગબાઝી ન હોય!'
* તારા થિયેટરના અનુભવને તું કેટલી ક્રેડિટ આપશે ?
* જે રીતે ક્રિકેટરને તેની રમત સુધારવા નેટ પ્રેક્ટિસની જરૂર હોય, બોક્સરને જે રીતની પ્રેક્ટિસની જરૂર હોય એવી જ રીતે અભિનેતા પણ તેના કૌશલ્યને ઝળકાવવા જરૂર પડે છે. આ માટે થિયેટર સૌથી સર્વોત્તમ સ્થાન છે, એવું કરવા માટે હું તો તેને (થિયટરને) એકટરનું જીમ કહીશ. હું એક નાટક છેલ્લા સાત વર્ષથી કરું છું અને બીજું પાંચ વર્ષથી. તમે જાવો અને વારંવાર તેને પરફોર્મ કરતા રહો, તમને મલશે નવી છટા, પ્રયોગાત્મકતા, રફ થયેલી ધારને વધુ તેજ કરવાની તક જે તમને વધુ પરફેક્ટ બનાવશે.
આને કારણે એક એકટર તમારી એકાગ્રતા વધશે અને વાસ્તવિકતાનું પણ પરીક્ષણ થશે. દર્શકોના પ્રત્યાઘાતોમાંથી તમને શીખવા મળશે. અને એ પણ પૂર્ણ નમ્રતાથી. પ્રશંસાથી ફુલાવું નહીં. એક દિવસ તેઓ તમારા કામને પ્રેમ કરવા માંડશે અને બીજે દિવસે તમને ધિક્કારશે પણ! આથી તમે તમારા પ્રયાસને વળગી રહો.
* ઓટીટી પ્લેટફોર્મ્સના આગમનતી શો ફેર પડયો ?
* હું કાયમ સબસ્ટન્સની શોધખોળ કરતો રહેતો. એવા પાત્રો કરવાની ઇચ્છા રાખતો કે જેને કારણે તે મને શીખવામાં મદદરૂપ થાય અથવા હું પટકથામાં વધુ સત્ત્વ ઉમેરી શકું. થિયેટરે મને આ બધી તક પૂરી પાડી, પણ સાથે જ ઓટીટી પ્લેટફોર્મ તો ઘણું વિશાળ છે. હવે તો કન્ટેન્ટ સાથે ઘણા બધા પ્રયોગો થશે. ઓટીટીને કારણે સર્જકોની સ્વતંત્રતા પણ વધી છે. પ્રથમ ત્રણ દિવસના બોક્સ ઓફિસની નંબરનું પ્રેશર પણ હવે રહ્યું નથી. ફિલ્મના વેચાણ માટે મોટા નામોની પણ હવે જરૂર રહી નથી. અને હવે ગેમ બદલાઈ છે. કલાકારો માટે તો આ શ્રેષ્ઠ સમય છે.