પ્રતીક ગાંધી : મારા દેખાવ વિશે ક્યારેય વિચાર જ આવ્યો નથી
- 'ક્રાઈમ્સ આજ કલ' પ્રકારના શોને લીધે લોકોને એ વાત સમજાય છે કે કોણ, ક્યાં, કેવી રીતે વર્તી રહ્યું છે, તેમનો ઈરાદો શું છે, ગુનેગાર કઈ હદ સુધી જઈ શકે છે...'
ઓ ટીટીએ ઘણા સામાન્ય દેખાતા અસામાન્ય કલાકારોને કીર્તિ-કલદાર રળવાનો મોકો આપ્યો છે. પ્રતીક ગાંધી આવા કલાકારોમાંનો એક છે. ઓટીટી પર આવેલી 'સ્કેમ ૧૯૯૨'એ પ્રતીક ગાંધીને ભરપૂર ખ્યાતિ અપાવી. જોકે આ અભિનેતા માટે એમ કહેવું સાવ સાચું નહીં ગણાય કે તેને 'સ્કેમ ૧૯૯૨'ને કારણે જ લોકો ઓળખતાં થયા. હકીકતમાં પ્રતીક લાંબા સમયથી અસાધારણ કામ કરતો આવ્યો છે. હા, 'સ્કેમ ૧૯૯૨' પછી દર્શકોનો બહોળો વર્ગ તેને ઓળખતો થયો એ વાતમાં બે મત નથી.
આ કલાકાર દેખાવમાં હિન્દી ફિલ્મોના હીરો જેવો સોહામણો નથી, પરંતુ અભિનેતાએ ક્યારેય તેને કારણે લઘુતાગ્રંથિ નથી અનુભવી. તે કહે છે કે નાનપણમાં હું થિયેટરમાં કામ કરતો હતો ત્યારે પણ હું એટલું જ વિચારતો કે મારા માધ્યમથી મારું પાત્ર દર્શકો સુધી પહોંચે છે કે નહીં, તેમને સ્પર્શે છે કે નહીં.
મને ક્યારેય મારા દેખાવ વિશે વિચાર જ નથી આવ્યો. તે વધુમાં કહે છે કે મેં ભલે આ બાબતને અવગણી હતી, પરંતુ એક ઑડિશન વખતે મને કહેવામાં આવ્યું હતું કે તું જેવો દેખાય છે તેમાં અમે તને શ્રીમંત વ્યક્તિનું પાત્ર ન આપી શકીએ. તે વખતે મને આશ્ચર્ય થયું હતું કે હું અભિનયમાં કાચો પડતો હોઉં તો તેમાં સુધારો કરું. પરંતુ ધનાઢ્ય દેખાવા માટે શું કરું?
દરેક કલાકારની જેમ પ્રતીકના જીવનમાં પણ મુશ્કેલ સમય આવ્યો હતો. પણ તેની મુશ્કેલી જુદા પ્રકારની હતી. તે કહે છે કે હું મારા કોર્પોરેટ જૉબ સાથે થિયેટર પણ કરતો હતો. ઑફિસમાં મારા હાથમાં એક મોટો પ્રોજેક્ટ હતો તે વખતે જ મને મારી પહેલી ફિલ્મ મળી અને મારું નાટક પણ શરૂ થવાનું હતું. આમ મને એકસાથે ત્રણ મોરચે લડવાનું આવ્યું. હું સવારના સાડાપાંચ વાગે ઉઠીને રીહર્સલ કરતો. તે વખતે બધાએ મને કહ્યું હતું કે એક્ટિંગનું તૂત છોડીને નોકરી પર ધ્યાન આપ. પરંતુ અભિનયનો નશો મારા શિરે ચડીને બોલતો હતો. તેથી હું મારી કળાને વળગી રહ્યો. આ કારણે જ હું આ મુકામ સુધી પહોંચ્યો છું. અભિનેતા ઉમેરે છે કે 'સ્કેમ ૧૯૯૨' પછી મને ફિલ્મફેર ઍવોર્ડથી નવાજવામાં આવવાનો હતો. પરંતુ હું શૂટિંગમાં વ્યસ્ત હોવાથી મારું પારિતોષિક લેવા મારી મમ્મી ગઈ હતી. મારી મમ્મી માટે એ સૌથી મોટા ગૌરવની ક્ષણ હતી.
હંસલ મહેતાની આગામી વેબ સિરીઝમાં પ્રતીક મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવવાનો છે. આ બાબતે તે કહે છે કે મારી કારકિર્દીનું આ સૌથી મોટું પાત્ર હશે. જોકે થિયેટરમાં હું આ પાત્ર ભજવી ચૂક્યો છું. મારા મતે મહાત્મા ગાંધી પણ પહેલાં તો સામાન્ય વ્યક્તિ જ હતા, પરંતુ આઝાદી માટેની તેમની લડતે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવ્યાં.
હાલના તબક્કે પ્રતીક 'ક્રાઈમ્સ આજ કલ'ની બીજી સીઝનના માધ્યમથી લોકોને અપરાધ સામે જાગૃત કરી રહ્યો છે. કેટલાક લોકો એમ પણ માને છે કે આવા શોને કારણે અપરાધીઓને ગુના કરવા માટેના નવા નવા આઈડિયા મળે છે.
જોકે અભિનેતા આ વાતે સહમત નથી. એ કહે છે કે હકીકતમાં આ પ્રકારના શોને લીધે લોકોને એ વાત સમજાય છે કે કોણ, ક્યાં, કેવી રીતે વર્તી રહ્યું છે. તેનો ઈરાદો શું છે, ગુનેગાર કઈ હદ સુધી જઈ શકે છે. આવા શો લોકોમાં અપરાધીને ઓળખવાની સમજણ કેળવે છે. વર્તમાન સીઝનમાં અમે યુવા પેઢી દ્વારા કરાતા જઘન્ય અપરાધોની વાત કરી રહ્યા છીએ. અમે તેમાં આ યુવાનોની દ્વિધાને વાચા આપી છે. તેઓ અપરાધ કરવા શા માટે પ્રેરાય છે તે સમજાવ્યું છે. આજે લગભગ બધાં માતાપિતા પોતાનાં સંતાનોના દિલોદિમાગમાં શું ચાલી રહ્યું છે તે શી રીતે સમજવું એવી મૂંઝવણ અનુભવી રહ્યાં છે. જો તેઓ પોતાના સંતાનોના મન પારખી લેશે તો મદદ કરી શકશે. અમારી સિરીઝ આ પ્રકારની જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે.