પૂજા હેગડે : અભિનય અને સાથે લીલુંછમ ઇલુ ઇલુ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
પૂજા  હેગડે : અભિનય અને સાથે લીલુંછમ ઇલુ ઇલુ 1 - image


હિ ન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મોની  લોકપ્રિય સ્ટાર પૂજા હેગડેના ઇલુ ઇલુ વિશે  અવારનવાર  અહેવાલો પ્રસિદ્ધ થતા રહે છે. હજી ગયા ૨૦૨૩માં જ પૂજાનું નામ મુંબઇના એક ક્રિકેટર સાથે જોડાયું હતું. રિપોર્ટ તો  એવા પણ પ્રસિદ્ધ થયા હતા કે પૂજા  હેગડે મુંબઇના આ જ ક્રિકેટર સાથે  લગ્ન પણ કરવાની  છે. જોકે ખુદ  પૂજાએ આ ખબરને સાવ જ વજૂદહીન ગણાવ્યા હતા. 

અગાઉ  પૂજા હેગડેનું નામ બોલિવુડના ભાઇજાન ગણાતા  સલ્લુમિયાં સાથે પણ ફક્ત   જોડાયું જ નહોતું.  પૂજાએ સલમાન ખાનની 'કિસી કા ભાઇ કિસી કી  જાન'  ફિલ્મમાં કામ કર્યું હતું. પૂજાએ જોકે તે અહેવાલોને પણ નરી અફવા કહીને ફગાવી દીધા હતા.  આટલું ઓછું હોય તેમ થોડા સમય પહેલાં એવી વાત ઉડી હતી કે  એક  નિર્માતાએ   પૂજા હેગડેને નવી નક્કોર અને મોંઘીદાટ મોટર ભેટમાં  આપી છે. પૂજા તો  આ ખબર સાંભળીને અને વાંચીને ચોંકી ગઇ હતી. સાથોસાથ જબરી ગુસ્સે પણ થઇ હતી. પૂજાએ તેના મોબાઇલમાં    રિપોર્ટનો સ્ક્રિન શોટ લઇને પેલા નિર્માતાને મોકલીને એવો  મેસેજ પણ  મોકલ્યો, મને બદનામ કરવાનો ઇરાદો હોય તો કમસે કમ મને સાચુકલી મોટરકાર આપી દો! 

 હવે સાવ નવી વાત એવી બહાર આવી છે કે  પૂજા હેગડેને  રોહન મેહરા બહુ બહુ ગમે  છે. આ રોહન મેહરા એટલે  બીજો કોઇ નહીં પણ હિન્દી ફિલ્મ જગતના જાણીતા સ્ટાર વિનોદ મેહરાનો દીકરો. રોહન મેહરા 'બાજીરાવ મસ્તાની'માં સંજય ભણસાલીનો આસિસ્ટન્ટ ડિરેક્ટર  હતો. ત્યારબાદ એણે 'બાઝાર' (૨૦૧૮) ફિલ્મ સહિત 'હમ' (શોર્ટ ફિલ્મ), '૪૨૦ -આઇપીસી', 'ફોર મોર શોટ્સ પ્લીઝ'  વગેરેમાં કામ કર્યું છે. થોડા સમય પહેલાં આ જ રોહનનું નામ અભિનેત્રી તારા સુતરિયા સાથે પણ જોડાયું હતું. જોકે બંનેનો સંબંધ બહુ જલદી પૂરો પણ થઇ ગયો હતો. 

થોડા સમય પહેલાં પૂજા હેગડે અને રોહન મેહરા એક સાથે કારમાં જોવા મળ્યાં  હતાં. પાપારાઝીઓએ પૂજા અને રોહનના ફોટોગ્રાફ્સ લીધા હતા. બીજી બાજુ  ખુદ પૂજા હેગડે એમ  કહે છે, હું અભિનય પ્રતિભા ખીલી ઉઠે એવાં પાત્રો ભજવવા માટે મહેનત કરું છું. આવા નીતનવા પ્રેમ સંબંધ બાંધવા માટે નહીં.  સાચુંખોટું તો સિનેમાદેવ જાણે .


Google NewsGoogle News