પ્લેટફોર્મ્સ અને માધ્યમો વધ્યાં છે, સારા પ્રોજેક્ટ્સ નહીં : કલ્કિ કોચલીન
- 'મને એવી ફિલ્મોમાં જ રસ પડે છે જેમાં મારે બૌદ્ધિક સ્તરે સામેલ થવાનું હોય. પટકથા બુદ્ધિગમ્ય હોવી જોઇએ. હું મા બની તેથી મારી ભૂમિકાઓની પસંદગીમાં કોઇ ફરક પડયો નથી.'
કલ્કિ કોચલીન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક અનોખી એકટ્રેસ છે. પરંપરાગત હિરોઇનોથી અનેક રીતે અલગ પડતી કલ્કિએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેની ઓળખ પ્રમાણે હટ કે ફિલ્મો કરી છે. કલ્કિની અંગત જિંદગી પણ પરંપરાથી અલગ સાવ અલગ ચીલો ચાતરનારી બની રહી છે. હિન્દી ફિલ્મની કારકિર્દીની શરૂઆતમાં ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપની સાથે સબંધ બાધ્યા બાદ ચાર વર્ષના લગ્નજીવનને અંતે બંને અલગ પડયા હતીટ. એ પછી કલ્કિ ગાય હર્શબર્ગ નામના યહૂદીને ઇઝરાયલમાં મળી. બંને વચ્ચે સંબંધો બંધાયા અને આ સબંધથી કલ્કિએ એક પુત્રી સાફોને ૨૦૨૦માં ગોવામાં જન્મ આપ્યો. આજે કલ્કિ ચાળીસની ઉંમરે માતૃત્ત્વ અને કારકિર્દીનું અઘરું સંતુલન સાધી રહી છે.
કલ્કિની માતૃત્વની કથા પણ અલગ પ્રકારની છે. કલ્કિ અને તેનો બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ ગોવામાં લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. બંને જણાંની કારકિર્દી અલગ અલગ દેશોમાં પથરાયેલી છે. કલ્કિ એકટ્રેસ છે જ્યારે ગાય હર્શબર્ગ કલાસિકલ પિયાનિસ્ટ છે અને હિબુ્ર યુનિવર્સિટીમાં તે સંગીત શીખવે છે. આમ, કલ્કિઅ જ્યારે સાફોને ગોવામાં જન્મ આપ્યો તે સમયે તે એકલી હતી. કલ્કિએ વોટર બર્થ પસંદ કર્યો હતો. એક વર્ષ બાદ કલ્કિએ એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, ધ એલિફન્ટ ઇન ધ વુમ્બ.' યુક્રેનિયન આર્ટિસ્ટ વાલેરિયા પોલિયાન્ચકોએ આ ગ્રાફિક નોવેલનાં ચિત્રો દોર્યા હતા. આ ગ્રાફિક નવલકથામાં ગર્ભપાતથી માંડી બાળકના સ્તનપાન સુધીના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. કલ્કિ કહે છે, 'મારો માતૃત્ત્વનો અનુભવ અલગ હતો. એ હકીકત છે કે આ અનુભવ એકસમાન હોતો નથી. સગર્ભાવસ્થા દરમ્યાન મેં જે ડાયરી લખી હતી તેનું આ પુસ્તક સ્વરૂપ છે.'
કલ્કિ સ્વીકારે છે કે, 'પુત્રી સાફોના જન્મ બાદ કારકિર્દીને ફરી પાટે ચડાવવાનું કામ મુશ્કેલ બની રહ્યું હતું. હવે પાછળ વળીને જોઉં ં તો લાગે છે કે કોરોના મહામારી દરમ્યાન બાળકને સંભાળવાનું કામ એક મોટો પડકાર બની રહ્યું હતું. એ સમયે અમે બંને સાથે હતા એટલે અઘરા નિર્ણયો લેવામાં કોઇમુશ્કેલી પડતી નહોતી જેટલી મને આજે પડી રહી છે.'
કલ્કિએ નવી નવી માતા બનેલી યુવતીઓને સલાહ આપતાં તાજેતરમાં ઉટીમાં યોજાયેલાં એક સાહિત્યિક સમારોહમાં જણાવ્યું હતું કે, 'માતા બનવું એ એક વ્યક્તિનું કામ નથી. તમારે ચાર જણાં ચોવીસે કલાક તમારી પડખે રાખવાની જરૂર પડે છે. માતાઓને બીજાની સહાયની જરૂર પડે છે તે વાતને સ્વીકારવી જોઇએ. નવી બનેલી માતાએ પોતાના સંતાનને બીજાને સોંપતાં શીખવું જોઇએ. જ્યારે તમે આરામ કરતાં હો ત્યારે બાળકને કોઇને સોંપેલું હોય તો સારું પડે છે. બીજી વ્યકતિ બાળકને સ્તનપાન કરાવવાની નથી, છતાંય તેનાથી મદદ મળે છે. વળી, બાળકને નીચે જમીન પર મુકતાં પણ શીખવું જોઇએ. જમીન પર બેઠેલું બાળક કદી પડતું નથી!'
કલ્કિ ઉમેરે છે, 'મને કામ કરવામાં રસ છે પણ બૌદ્ધિક રીતે પડકારજનક કામ હોય તો કરવાની મજા આવે. વળી, મારી ચાર વર્ષની પુત્રી સાફોને સાથે લઇ કામ કરવાનું હોવાથી આજકાલ મને માફક આવે તેવું કામ મળવું મુશ્કેલ બની રહ્યું છે. મને એવી ફિલ્મમાં જ રસ પડે છે જેમાં મારે બૌદ્ધિક રીતે સામેલ થવાનું હોય. પટકથા મને ગમે તેવી બુદ્ધિગમ્ય હોવી જોઇએ. હું મા બની તેથી મારી ભૂમિકાઓની પસંદગીમાં કોઇ ફરક પડયો નથી.'
છેલ્લે કલ્કિની ફિલ્મ 'ગોલ્ડફિશ' આવી હતી. તેમાં દીપ્તિ નવલ માતાની ભૂમિકામાં હતી જેને ડિમેન્શિયાનો રોગ થયો હોય છે. કલ્કિ કહે છે, 'આજે ફિલ્મ ઉદ્યોગમાં અર્થપૂર્ણ કામનો અભાવ છે. સારી ગુણવત્તા ધરાવતા પ્રોજેક્ટ ખૂબ ઓછા સાકાર થાય છે. પ્લેટફોર્મ્સ અને માધ્યમોની ભરમાર વધી છે, પણ સારા પ્રોજેક્ટ્સની સંખ્યા વધી નથી. ઘણીવાર સારા પ્રોજેક્ટ મળે તે માટે ધીરજપૂર્વક રાહ જોવી પડે છે. તમને મળતી દરેક પટકથા કંઇ સારી હોતી નથી.'
તાજેતરમાં કલ્કિ 'ખો ગયે હમ કહાં', 'સામ બહાદુર' ફિલ્મોમાં અને વેબ સિરીઝ 'મેઇડ ઇન હેવન'ની સેકન્ડ સીઝનમાં જોવા મળી હતી.
કલ્કિ ચાળીસીની ઉંબરે ઉભી છે ત્યારે એક રસપ્રદ નિરીક્ષણ એ કરે છે કે, 'ભારતમાં રૂપેરી પડદે ચાળીસી વટાવી ગયેલી મહિલાઓનું પ્રતિનિધિત્વ થતું નથી. લોકો ચાળીસી વટાવી ગયેલી મહિલાના અનુભવોને સમજ્યા વિના જ તેમની ટીકા કરે છે. ભારતીય સમાજમાં મેનોપોઝ અને તેને કારણે મહિલાઓના જીવનમાં થતાં ફેરફારો બાબતે જાગરૂકતા નથી. આમ થવાનું કારણ એ છે કે આ વિષયોને કોઇએ સ્પર્શ્યા જ નથી. પ્રીમેનોપોઝ અને મેનોપોઝ જેવા વિષયોની ચર્ચા કરતી તથા આ તબક્કામાંથી પસાર થતી મહિલાઓની અલગ જીવનશૈલીને તપાસતી ફિલ્મો બનવી જોઇએ. આ તબક્કે મહિલાઓની જરૂરિયાતોને રજૂ કરતી ફિલ્મો બનવી જોઇએ. હોલિવુડમાં આ પ્રકારની ફિલ્મો બને છે અને તેમાં મેરિલ સ્ટ્રીપ અને જુડી ફોસ્ટર જેવી પ્રતિભાશાળી અભિનેત્રીઓ કામ કરી નવી દિશા ખોલી રહી છે. ભારતમાં પણ આ પ્રકારની ફિલ્મો બનાવવાની જરૂર છે. છે કોઇ માઇનો લાલ તૈયાર?'