'પેટા'નો પ્રશ્ન : સલમાનના શૉમાં ગધેડો શા માટે?
- નિર્દોષ પ્રાણી કંઈ મનોરંજનનું સાધન નથી, એવી જોરદાર લપડાક 'બિગ બોસ- ૧૮'ના નિર્માતાઓને 'પીપલ્સ ફોર એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા)એ મારી છે અને તેને કારણે આ શૉ અને તેના હોસ્ટ સલમાન ખાન સુધ્ધાં મૂંઝવણમાં મુકાય ગયા છે અને લોકો તેમાંય ખાસ કરીને પ્રાણીપ્રેમીઓ અને પ્રાણીપ્રેમી સંસ્થાઓની અડફેટમાં તેઓ આવી ગયા છે.
આ માટે તો 'પેટા'- ઈન્ડિયાએ 'બિગ બોસ- ૧૮'ના હોસ્ટ સલમાન ખાનને એક પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં આ રિયાલિટી શોમાં નિર્દોશ પ્રાણીઓનો ઉપયોગ નહીં કરવાનું સૂચન કરાયું છે અને આ માટે નિર્માતાઓને સમજાવવા સલમાન ખાનને જણાવાયું છે.
આ પત્રમાં 'બિગ બોસ'માંથી પ્રાણીઓને બહાર રાખવાની 'તાકિદની વિનંતી' કરવા૨માં આવી છે અને સલમાન ખાનને સંબોધતા જણાવાયું છે કે 'અમને 'બિગ બોસ'ના ઘરમાં ગધેડો રાખવાની ફરિયાદો મળી છે', અમારા પર આવી અનેક ફરિયાદો આવી છે અને તેને કારણે અમે ખૂબ જ વ્યથિત થઈ ગયા છીએ.'
'બિગ બોસ' રિયાલિટી શોના ઘરમાં એક ગધેડો છે, જે મોટી ચિંતાનો વિષય બન્યો છે અને તેની અવગણના ન કરવી જોઈએ. 'ભારતના સૌથી પ્રભાવશાળી સ્ટાર્સમાંના એક અને 'બિગ બોસ'ના હોસ્ટ તરીકે તમારી (સલમાન) પાસે એક જુસ્સાદાર ઉદાહરણ છે અને તે સ્થાપિત કરવાની શક્તિ પણ છે, અમે આદરપૂર્વક પૂછીએ છીએ કે તમે શોના નિર્માતાઓને મનોરંજન માટે પ્રાણીઓનો ઉપયોગ કરવાનું ટાળવા વિનંતી કરવા માટે આ પ્રભાવનો ઉપયોગ કરો.'
પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે આ બાબત 'પ્રાણીઓ માટે તણાવ અને દર્શકો માટે અસ્વસ્થતા અટકાવશે', સાથે જ એક શક્તિશાળી મિશાલ પણ પ્રસ્થાપિત કરશો. અમે તમને એડ. ગુણરત્ન સદાવર્તને પણ પ્રોત્સાહિત કરવા વિનંતી કરીએ છીએ. જેઓ કથિત રીતે મેકર્સને ઘરમાં લાવ્યો છે. તેને અન્ય બચાવેલા ગધેડાઓ સાથે અભયારણ્યમાં ફરીથી ઘરે જવા 'પેટા'- ઈન્ડિયાને ગધેડો સોંપવા માટે પ્રોત્સાહિત કરે. આવા પગલાંથી ચોક્કસપણે એડ. સદાવર્તેના ચાહકો જીતી જશે' એમ તેમણે કહ્યું છે.
પત્રમાં નિશ્ચિતપણે કહેવામાં આવ્યું છે કે શોના સેટ પર પ્રાણીઓનો ઉપયોગ કરવો એ 'હાસ્યાસ્પદ બાબત' નથી. 'શિકારી પ્રાણી તરીકે, સ્વાભાવિક રીતે ગધેડા નર્વસ હોય છે. તેઓ અને અન્ય પ્રાણીઓને બધા શોના સેટ પર પ્રમાણભૂત લાઈટ, અવાજ અને કોલાહલ મુંઝવણભર્યા અને ભયાનક લાગે છે. શોના સેટ પર પ્રાણીઓ માટે કોઈ સ્થાન નથી તે સ્પષ્ટ છે.
દર્શકો કે જેઓ ગધેડાને નાની, બંધિયાર જગ્યામાં, કચરામાં ઉભેલા જોઈને દુ:ખ થાય છે.' 'વધુમાં, ગધેડા એ સામાજિક પ્રાણીઓ છે. જેમની સુખાકારી તેમને ટોળાનો ભાગ બનવાની મંજૂરી આપીને શ્રેષ્ઠ રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે. જે રીતે આપણે માણસો પારિવારિક જૂથોમાં રહીએ છીએ તેવી જ રીતે ગધેડાને પણ યોગ્ય વાતાવરણ આવશ્યક છે.'
પત્રમાં વધુમાં જણાવાયું છે કે એવું નોંધાયું છે કે એડ. સદાવર્તે દૂધ સંબંધી સંશોધન માટે ગધેડાને રાખે છે, પરંતુ ગધેડા તેમના બચ્ચા માટે દૂધ ઉત્પન્ન કરે છે, કૃપા કરીને આ પત્રમાં સૂચવેલા પગલાં લો. તે બતાવવા માટે કે 'બિગ બોસ' પ્રાણીઓને ઓળખે છે કે તે અમારી કરુણા અને આદરને પાત્ર છે.