પવન ચોપરા: એક ગભરૂ અભિનેતાએ ભજવી આલિયાના પિતાની ભૂમિકા
- અભિનયના ક્ષેત્રમાં કોઈ શોર્ટકટ નથી. તેની પાછળ તમારે આખું જીવન સમર્પિત કરી દેવું પડે, પોતાની કળાની સતત ધાર ઊતારતાં રહેવું પડે. મેં પણ આ રીતે જ મારી ઓળખ સ્થાપિત કરી છે.
મૂળભૂત રીતે થિયેટરના જીવ ગણાતા પવન ચોપરાએ પછીથી હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો આરંભ કર્યા બાદ 'કલંક', 'સાંડ કી આંખ', 'ગોડસે', 'સીતારામન' જેવી ફિલ્મો ઉપરાંત 'અસુર-૨', 'તાજ' જેવી વેબ સિરીઝમાં કામ કર્યું. પવન કહે છે કે અભિનય ક્ષેત્રે આવવા પાછળ મારી માતાની પ્રેરણા કામ કરી ગઈ.
અભિનેતા પોતાની અભિનય યાત્રાના આરંભ વિશે કહે છે કે મેં દિલ્હીમાં થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું અને યાત્રિક થિયેટર ગુ્રપમાં જોડાયો. થિયેટરમાં કામ કરવાનું ચાલુ રાખવા સાથે મેં કોર્પોરેટ ફિલ્મો કરવા માંડી. પાંચેક વર્ષ પછી મેં અભિનય છોડીને અન્ય ક્ષેત્રે કાંઈક કરવાનું વિચારેલું, પરંતુ મારા ભાગ્યમાં કદાચ આ કારકિર્દી લખાઈ હશે તેથી ભારતીય રંગમંચનું મોટું માથું ગણાતા ઈબ્રાહિમ અલ્કાઝી ૧૫ વર્ષ પછી પરત ફર્યા. તેમણે લિવિંગ થિયેટર એકેડમી ઑફ ડ્રામાની સ્થાપના કરી. તેમાં મારી પસંદગી કરવામાં આવી. મુંબઈમાં દિનેશ ઠાકુરના માર્ગદર્શન હેઠળ હું ઘડાયો.
પોતાની કારકિર્દીના મહત્વનાં-યાદગાર પાત્રો વિશે પવન કહે છે કે મેં વર્ષ ૨૦૦૨માં દૈનિક ધારાવાહિક 'કહીં કિસી રોજ'માં 'આકાશ'ની ભૂમિકા ભજવી હતી તે મારી કારકિર્દીમાં કલગી સમાન બની રહી. તેના સિવાય રાજકુમાર સંતોષી સાથે 'ગોડસે'માં કામ કરવાનું યાદગાર બની રહ્યું. આ ફિલ્મમાં મેં 'નેહરુ'ની ભૂમિકા અદા કરી હતી. ઝોયા અખ્તરે તેની મલ્ટીસ્ટારર મૂવી 'દિલ ધડકને દો'માં કામ આપીને મારા ઉપર ભરોસો મૂક્યો એ મારા માટે બહુ મોટી વાત હતી. જ્યારે દિગ્દર્શક તુષારે મને 'સાંડ કી આંખ'માં હરિયાણાના ખેડૂતની મહત્ત્વની ભૂમિકા માટે પસંદ કર્યો હતો. 'કલંક'માં મને આલિયા ભટ્ટના પિતાની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો હતો. જ્યારે 'ફેમિલી મેન' અને 'અસુર' જેવા શો મેળવવા પણ નાનીસુની વાત ન ગણાય. 'એરલિફ્ટ' અને 'શેરશાહ' જેવી ફિલ્મોમાં મને રાજા મેનન સાથે કામ કરવાની તક મળી.
પવન 'અસુર-૨'ના ફિલ્માંકનના સમયને સંભારતા કહે છે કે તેનું શૂટિંગ કોવિડકાળમાં થયું હતું. સેટ પર હોસ્પિટલ જેવો માહોલ હતો. હું સ્વયં કોરોનાના સપાટામાં આવી ગયો હતો, પરંતુ અરશદ વારસી સાથે કામ કરતી વખતે ઘણું શીખવા મળ્યું. જ્યારે શોનું સ્ટ્રીમિંગ થયું ત્યારે દર્શકોએ તેની બેમોઢે પ્રશંસા કરી. તેવી જ રીતે 'તાજ'માં કોસ્ચ્યુમ અને બૉડી લેંગવેજ પર ફોકસ કરવું પડેલું. મેં મારા કિરદાર માટે ઘણું સંશોધન કરેલું.
અભિનેતાને એમ કહેવામાં જરાય સંકોચ નથી થતો કે પ્રારંભિક તબક્કે તે અત્યંત ગભરૂ હતો. પવન કહે છે કે મેં આ ક્ષેત્રે શરૂઆત ભલે ડરતાં-ગભરાતા કરી હતી. પણ ધીમે ધીમે ઘડાતો ગયો. તે વધુમાં કહે છે કે અભિનયના ક્ષેત્રમાં કોઈ શોર્ટકટ નથી. તેની પાછળ તમારે આખું જીવન સમર્પિત કરી દેવું પડે, પોતાની કળાની સતત ધાર ઊતારતાં રહેવું પડે. મેં પણ આ રીતે જ મારી ઓળખ સ્થાપિત કરી છે. અલબત્ત, ફિલ્મની પસંદગી વખતે હું ટાઈપકાસ્ટ ન થઈ જાઉં તેની ખાસ કાળજી લઉં છું. સ્ક્રિપ્ટ મારા માટે સર્વોપરી રહે છે. મેં દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મો કરી છે અને ત્યાં હજી વધુ કામ કરવા માગું છું. મારી તેલુગુ-હિન્દી ફિલ્મ 'મિરાઈ'ની રજૂઆત માટે હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. ભવિષ્યમાં હું હંસલ મહેતા, શ્રીરામ રાઘવન, તિગ્માંશુ ધૂળિયા અને અનુરાગ કશ્યપ જેવા સર્જકો સાથે કામ કરવા ઇચ્છું છું.