પત્રલેખા: મારે પણ રોલ માટે ઓડિશન આપવું પડે છે
- 'પાંચ વરસ મારી પાસે કોઈ કામ નહોતું. મને કોઈ કામ આપવા પણ તૈયાર નહોતું. બધા એક જ વાત કરતા કે તું સારી એકટ્રેસ છે, પણ તને ક્યો રોલ આપવો એ સમજાતું નથી.'
દરેક વ્યક્તિ પોતાનું ભાવિ પોતાની ઇચ્છા મુજબ ઘડી નથી શકતી. ખાસ કરીને કરિયરની બાબતમાં મોટાભાગના લોકો પોતાનું ધાર્યું કરી નથી શકતા. તાજેતરમાં ઓટીટી પર રિલિઝ થેલી 'વાઈલ્ડ વાઈલ્ડ પંજાબ'ની લીડ એક્ટર પત્રલેખા સાથે આવું જ થયું છે. 'વાઈલ્ડ વાઈલ્ડ પંજાબ'ની એક પ્રમોશનલ ઈવેન્ટમાં પત્રલેખાના પરીચિત્ર પત્રકારોએ એને પૂછ્યું કે મેડમ, તમે સીએ બનતા બનતા એક્ટર કઈ રીતે બની ગયા? જવાબમાં અભિનેત્રી ખુલાસો કરે છે, 'એકચ્યુઅલી, મારા ડેડી સીએ હતા અને તેઓ ઇચ્છતા હતા કે હું એમની ઑફિસનું કામકાજ સંભાળી લઉં. મારું મેથ્સ અને એકાઉન્ટસ સારા હતા. હું પણ ઇચ્છતી હતી કે ડેડીના વારસાને આગળ લઈ જાઉં, પણ હું એ દિશામાં જઈ ન શકી. મેં પાપા સમક્ષ એકટ્રેસ બનવાની ઇચ્છા દર્શાવી તો એમને શરૂમાં થોડું માઠું લાગ્યું, પરંતુ મને એડ ફિલ્મોમાં કામ મળવા લાગ્યું ત્યારે પાપાએ વિચાર્યું કે ભલે દીકરી બે-ત્રણ વરસ કામ કરી લેતી. એ ફિલ્ડમાં જો સ્થિર નહિ થાય તો સીએની એક્ઝામ આપી દેશે. નસીબજોગે, મને એ દરમિયાન મારી પહેલી ફિલ્મ 'સિટીલાઇટ્સ' મળી અને મારી ગાડી ચાલી નીકળી. જોકે 'સિટીલાઇટ્સ' પછી મને એ પ્રકારનો દમદાર રોલ ન મળ્યો, પરંતુ મારી પાસે બીજા ઓપ્શન્સ (વિકલ્પો) નહોતા. પછી કોવિડની મહામારી ફેલાઈ, પરંતુ એ રોગચાળો મારા માટે લાભદાયક બની રહ્યો. એટલા માટે કે ત્યારેજ ઓટીટીનો ઉદય થઈ રહ્યો હતો. ઘણાં શૉઝ અને મૂવીઝ બની રહી હતી અને મેં દિલ લગાવીને કામ કર્યું. લોકડાઉનને કારણે લાંબો ગેપ આવી ગયો, પણ હવે એક એક કરીને વેબ શૉઝ સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે.'
હવે ત્રીજો સવાલ, 'તમારી કરિયરનો સૌથી કપરો અને સૌથી સારો દોર ક્યો છે?' પત્રલેખા થોડું યાદ કરીને અને વિચારીને કહે છે, 'સિટીલાઈટ્સ' પછીના પાંચ વરસ મારા કરિયરનો સૌથી મુશ્કેલ દોર હતો. મારી પાસે ત્યારે કોઈ કામ નહોતું અને મને કોઈ કામ આપવા પણ તૈયાર નહોતું. બધા એક જ વાત કરતા કે તું સારી એકટ્રેસ છે, પણ તને ક્યો રોલ આપવો એ સમજાતું નથી. હકીકતમાં, એ લોકો મને કાસ્ટ જ કરવા નહોતા ઇચ્છતા. સારો કાળ મારા માટે છેલ્લા બે-ત્રણ વરસથી ચાલે છે, જેમાં મેં એકધારું વર્ક કર્યું છે. મારું માનવું છે કે આપણું હાર્ડ વર્ક અને ફોકસ કદી નકામું નથી જતું. એકને એક દિવસ તમારું તીર નિશાના પર લાગી જ જાય છે.'
પછી ફિલ્મોનું બેકગ્રાઉન્ડ ન ધરાવતા દરેક એક્ટરને પૂછાય છે એ સવાલ પત્રલેખાને પણ કરાયો, 'મેડમ, એક આઉટસાઇડર તરીકે તમારે ઇન્ડસ્ટ્રીમાં કેવા પડકારોનો સામનો કરવો પડયો?' એકટ્રેસે ખોટી ભડાસ કાઢવાન ેબદલે વિવેક જાળવીને જવાબ આપ્યો, 'સર, બહોત જ્યાદા દિક્કતેં આયી કારણ કે મને ખબર જ નહોતી કે ઇન્ડસ્ટ્રીનું કામકાજ્ કઈ રીતે ચાલે છે. પહેલી ફિલ્મ મળી ત્યારે ગતાગમ નહોતી કે પીઆર (પબ્લિક રિલેશન) કિસ ચીડિયા કા નામ હૈ! ત્યારે એટલા પૈસા પણ નહોતા. 'સીટિલાઈટ' માટે મને માંડ ત્રણ-ચાર લાખ રૃા. મળ્યા હતા. વળી, હું અહીં કોઈને ઓળખતી પણ નહોતી. હું એવું નહીં કહું કે ઇનસાઇડર્સ સામે ચેલેન્જિસ (પડકારો) નથી હોતા. એમની પોતાની મુશ્કેલીઓ હોય છે, પરંતુ હું એકંદરે ભાગ્યશાળી હતી. મારા મમ્મી-પપ્પાનું ઘર હતું. મારે કોઈ સાથે રૂમ શૅર નથી કરવી પડી અને તો ક્યારેય ભૂખ્યા રહેવું પડયું.'
પત્રલેખાને બોલવાનો મૂડમાં જોઈ પત્રકારો એની સ્ટ્રગલ વિશે જાણવા વધુ એક પૃચ્છા કરે છે, 'શું બીજા સ્ટ્રગલર્સની જેમ તમારે પણ ઓડિશન અને રિજેક્શનના દોરમાંથી પસાર થવું પડયું છે?' ચહેરા પર નારાજગીનો કોઈ ભાવ લાવ્યા વિના અભિનેત્રી પ્રસન્ન વદને જવાબ આપે છે, 'તમને એ જાણીને નવાઈ લાગશે કે હું આજે પણ ઓડિશન્સ આપું છું અને રિજેક્ટ પણ થાવ છું, પણ મને એનું માઠું નથી લાગતું. મનમાં વિચારું છું કે આ તો મારું કામ છે. એવું નથી કે ફિલ્મમેકરોને મારા ભરોસો નથી, પણ દરેક કેરેક્ટર માટે એક લુક વિચારાયો હોય છે એટલે હું એમાં ફિટ બેસું છું કે નહિ એ એમણે જોવું તો પડે જ. તમે કદાચ નહિ જાણતા હો, પણ મને આજ સુધી જે ઑફર મળી છે એ ઓડિશનના આધારે જ મળી છે. મને ક્યારેય કોઈ ડિરેક્ટરે બોલાવીને એમ નથી કહ્યું કે પત્રા, યે રોલ તુમ્હારે લિયે હૈ. મને એનો કોઈ રંજ નથી, પણ હા, મારી ફિલ્મો ન ચાલે અને વેબ સીરિઝને ઓડિયન્સ ન મળે ત્યારે જરૂર નિરાશ થઈ જવાય છે.'
સમાપનમાં પત્રલેખા કહે છે, 'દરેક મહિલા જ્યારે એને સમ્માન નથી મળતું ત્યારે હીન લાગણી અનુભવે છે. હું ટીનેજર હતી ત્યારે રસ્તે ચાલતા લોકો મને જોઈને સીટી મારતા અને ધક્કો મારીને ચાલ્યા જતા છતાં ક્ષોભના મારી હું એમને કંઈ કહી નહોતી શકતી. મારા હસબન્ડ રાજ (અભિનેતા રાજકુમાર રાવ)એ મને શીખવાડયું કે હવે જ્યારે તારી છેડતી થાય ત્યારે તરે બરાડા પાડીને રિએક્ટ કરવું. આવું કરીશ તો મવાલી કોઈ બીજાની છેડતી કરવાની હિંમત નહિ કરે. રાજે મને સામા થતાં શીખવાડયું ત્યારથી મારી લાઈફ બદલાઈ ગઈ છે. મને જ્યારે કોઈ વાત યોગ્ય ન લાગે ત્યારે હું અવાજ ઉઠાવું છું. દરેકે પોતાના માટે આવું સ્ટેન્ડ લેવું જ પડે.'