પરિણીતી ચોપડાઃ મૈં તો ગાઉંગી...
- 'હું ૨૫ વર્ષથી લાઈવ કૉન્સર્ટમાં ગાવાનું સપનું જોતી હતી. આખરે સપનાંની નગરી ગણાતા મુંબઈએ જ મારું આ સપનું પણ પૂરું કર્યું.'
તો, પરિણીતી ચોપડાનું સપનું આખરે સાકાર થયું ખરું. ના, સારો મુરતિયો જોઈને ઘર માંડવાનું સપનું નહીં, પણ લાઈવ કૉન્સર્ટમાં ગાવાનું સપનું. તાજેતરમાં યોજાયેલી એક કૉન્સર્ટમાં એણે 'માના કે હમ યાર નહીં' (મેરી પ્યારી બિન્દુ), 'તેરી મિટ્ટી' (કેસરી) જેવાં ગીતો ગાઈને ઑડિયન્સને ડોલાવી દીધાં હતાં. અદાકારા થનગન થનગન થતાં કહે છે, 'હું ૨૫ વર્ષથી લાઈવ કૉન્સર્ટમાં ગાવાનું સપનું જોતી આવી હતી... આખરે સપનાંની નગરી ગણાતા મુંબઈએ જ મારું આ સપનું પણ પૂરું કર્યું.'
પરિણીતીને ગાવાનો શોખ છે તે બધા જાણે છે. કપિલ શર્માના શો કે અન્ય જાહેર મંચ પર હોય, એ ગીતો ગણગણી લેતી હોય છે. એને કોન્સર્ટમાં ગાવાનો આગ્રહ ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે કર્યો હતો. આ કોન્સર્ટ કંઈ સંયોગ નથી. તેને 'ચમકીલા' માટેની પ્રમોશનલ ઇવેન્ટ ગણી લો તો કશું ખોટું નથી. 'ચમકીલા' એટલે દિલજીત અને પરિણીતીને ચમકાવતી એક ફિલ્મ, જે એકાદ મહિના પછી સીધી ઓટીટી પર સ્ટ્રીમ થવાની છે. તે લોકપ્રિય પંજાબી સિંગર-પર્ફોમર અમરસિંહ ચમકીલાની બાયોપિક છે. ઇમ્તિયાઝ અલી જેવા ટોચના ડિરેક્ટરે બનાવેલી આ ફિલ્મમાં દિલજીતે ટાઇટલ રોલ કર્યો છે અને પરિણીતી ચમકીલાની પત્ની અમરજોત કૌર બની છે. આજથી બરાબર ૩૬ વર્ષ પહેલાં, ૮ માર્ચ ૧૯૮૮ના રોજ ચમકીલા, તેની પત્ની અને તેના સાજિંદાઓને સાગમટે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં. ફિલ્મનો વિષય ખરેખર પાવરફુલ છે.
પરિણીતી કહે છે, 'મેં 'ચમકીલા' સ્વીકારી તેનું મુખ્ય કારણ એ હતું કે તેમાં મને ગીતો ગાવાની તક મળવાની હતી. મેં આ ફિલ્મોમાં ૧૫ ગીતો ગાયાં છે! 'ચમકીલા'ના શૂટિંગ દરમિયાન દિલજીતે મારો કંઠ ઓળખ્યો અને મને લાઈવ પરફોર્મન્સ આપવા પ્રેરી. ખરેખર તો મારી આસપાસ રહેલા બધા લોકો મને લાઈવ પરફોર્મન્સ આપવા માટે પાનો ચડાવતા હતા.'
કોઈ તમને પાનો ચડાવે ને તમે તે કામ કરવા તૈયાર થઈ જાઓ એ એક વાત છે, ને ખરેખર એ કામને અમલમાં મૂકવું તે તદ્દન જુદી વાત છે. પરિણીતી કહે છે, 'હું સ્ટેજ પર પહોંચી ત્યારે ગભરાઈ ગઈ હતી, પણ જેવી મેં પહેલા ગીતની પહેલી કડી ગાઈ કે તે સાથે જ મારો આત્મવિશ્વાસ જાગૃત થઈ ગયો. મારી ગભરામણ દૂર થઈ ગઈ... ને પછી હું તો માંડી એક પછી એક ગીત ગાવાં.'
પોલિટિશિયન પતિ રાઘવ ચઢ્ઢા પરિણિતીનાં રૂપ અને અભિનયના જ નહીં, એના કંઠના પણ ફેન છે. પરણિતી કહે છે, 'રાઘવ મને કંઈ લાંબા સમયથી ઓળખતા નથી. તોય તેઓ મને કહેતા રહે છે તારે તો પાંચ વર્ષ પહેલાં જ લાઈવ પરફોર્મન્સ આપવાનું શરૂ કરી દેવું જોઈતું હતું.'
પરિણીતીએ ગાયકીની દિશામાં કદમ માંડયા ને એના પ્રશંસકોને ટેન્શન થવા લાગ્યું કે લગ્ન, અભિનય અને સિંગિંગ - આ ત્રણ ત્રણ ઘોડા પર પરિણીતી એકસાથે શી રીતે સવારી કરશે? પરિણીતી કહે છે, 'લગ્ન પછી આ કે તે ન કરી શકાય એવી વિચારસરણી બદલવાનો સમય પાકી ગયો છે. દરેક યુગલનું વિવાહિત જીવન અલગ હોવાનું. કેટલાક લોકો તો પોતાનાં લગ્નના દિવસે પણ કામ કરતા હોય છે. મારા પતિ રાજકીય નેતા છે તેથી તેમને પોતાના કામ માટે દિલ્હીમાં રહેવું પડે છે, જ્યારે મને મારા કામ માટે મુંબઈમાં. આમ છતાં અમારા કામમાં અમારાં લગ્ન ક્યાંય આડે આવતાં નથી. એ જ રીતે, અમારું કામ પણ અમારાં લગ્નસંબંધ પર સહેજ પણ નકારાત્મક અસર નથી પહોંચાડતું. અમે સઘળું એકસાથે સંભાળી રહ્યાં છીએ.'
આ એક કોન્સર્ટથી કંઈ પરિણીતીનું પેટ ભરાવાનું નથી. પરિણિતી નામની આ સિંહણ હવે લાઇવ પર્ફોર્મન્સનું લોહી ચાખી ગઈ છે! એ હવે આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધવા માગે છે. એ કહે છે, 'મને ગાયકીમાં ઊંડા ઉતરવા પુષ્કળ પરિશ્રમ કરવો પડશે તે હું જાણું છું. મહેનત કરવાની મારી પૂરેપૂરી તૈયારી પણ છે. હું અત્યાર સુધી જે કરતી આવી છું તેમાં આ એક વધુ છોગું ઉમેરાયું છે.'
તમને યાદ હોય તો પરિણીતીના સગા કાકાની દીકરી પ્રિયંકા ચોપડા અમેરિકા ગઈ ત્યારે એણે સૌથી પહેલાં તો ગાયક તરીકે જ કરીઅર બનાવવાની કોશિશ કરી હતી. એણે બે-ત્રણ અંગ્રેજી પોપ સોંગ્સ ગાયાં પણ ખરાં, પણ એને તરત સમજાઈ ગયું કે આ આપણી લેન નહીં! એટલે એણે ગાવાનું પડતું મૂકીને અમેરિકન ટીવી અને સિનેમામાં એક્ટ્રેસ તરીકે કરીઅર બનાવવા પર ફોકસ કર્યું, જેમાં તે ખૂબ સફળ થઈ. જોઈએ, પરિણીતીની સિંગિંગ કરીઅર ઊંચકાય છે કે પછી...