પરેશ રાવળ : સ્ક્રિપ્ટ ગમે તો ફી ઘટાડીનેય ફિલ્મ સ્વીકારું છું
- 'ઘણી વખત મારા પ્રશંસકો એવી ફરિયાદ કરતાં હોય છે કે હું પ્રમાણમાં ઘણું ઓછું કામ કરું છું. હકીકત એ છે કે મારા હાથમાં સારી સ્ક્રિપ્ટ આવે તો હું તે જતી નથી કરતો'
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પરેશ રાવળે તેની કારકિર્દીમાં હમેશાં દમદાર ભૂમિકાઓને પ્રાથમિકતા આપી છે. ગુજરાતી રંગભૂમિના આ મંજાયેલા ખેલાડીએ હિન્દી ફિલ્મોમાં સંખ્યાબંધ યાદગાર પાત્રો ભજવીને અભિનય ક્ષેત્રે અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં જ તેમના 'ડ્રીમ ગર્લ-૨' થિયેટર બાદ ઓટીટી પર રજૂ થઈ.
આ ફિલ્મમાં કામ કરવાનું કારણ આપતાં પરેશ રાવળ કહે છે કે હું એકતા કપૂર સાથે કામ કરવા માગતો હતો. ભારત જેવા દેશમાં એક યુવતી માત્ર પોતાની આવડત, મહેનત અને લગનથી પોતાનું આગવું સામ્રાજ્ય ઊભું કરે અને અગણિત લોકોને રોજગારી પણ પૂરી પાડે એ સિધ્ધિ નાનીસુની ન ગણાય. મને એકતા પ્રત્યે અનહદ માન છે. તદુપરાંત હું આયુષમાન ખુરાના અને રાજ શાંડિલ્યનો પણ પ્રશંસક છું. મને તેમની સાથે પણ કામ કરવું હતું.
પરેશ રાવળે અત્યાર સુધી ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી છે. પરંતુ આ પાત્રોમાંથી 'સરદાર' ફિલ્મમાં ભજવેલ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા અને 'હેરાફેરી'નો 'બાબુ ભૈયા'નો રોલ અપવાદરૂપ ગણાય. અભિનેતા સ્વયં આ વાત કબૂલતાં કહે છે કે સરદાર પટેલની ભૂમિકાની મારા વ્યક્તિત્વ પર ઘેરી અસર પડી છે. આ રોલ કરતી વખતે મને ભારતના ઇતિહાસની વિસ્તૃત જાણકારી મળી. મને સમજાયું કે આપણને સારા નાગરિક બનવું જ રહ્યું. આ મૂવીમાં કામ કરતી વખતે મને એ વાતની અનુભૂતિ પણ થઈ કે આપણને ભારતનો ખરો ઇતિહાસ ભણાવવામાં જ નથી આવ્યો. આ ફિલ્મે મને આપણા દેશ પ્રત્યે, મારી નાગરિકતા પ્રત્યે જાગૃત કર્યો. તેઓ 'બાબુ ભૈયા'ના કિરદાર વિશે કહે છે કે આ પાત્ર અત્યંત માસૂમ છે. અત્યાર સુધી આ કિરદાર પર કંઈકેટલીય મીમ્સ બની છે. ખરૃં કહું તો મને એ વાતની કલ્પના પણ નહોતી કે 'બાબુ ભૈયા'ને આટલી બધી લોકપ્રિયતા મળશે. તેઓ વધુમાં કહે છે કે 'હેરાફેરી-૩'નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.
પરેશ રાવળ હવે 'વેલકમ ટુ જંગલ'માં દેખાશે. તેઓ સિકવલો બાબતે કહે છે કે જો તમે મૂળ ફિલ્મ કરતાં વધુ સારી સિક્વલ બનાવી શકો તો જ તેને અડવું જોઈએ. માત્ર મૂળ ફિલ્મની લોકપ્રિયતાની રોકડી કરવા તેની સિક્વલ બનાવવી દર્શકો સાથે છેતરપિંડી કરવા સમાન ગણાય. તેઓ પોતાની જ મૂવી 'ઓએમજી'ની સિક્વલ વિશે કહે છે કે મૂળ 'ઓએમજી'માં મારું પાત્ર તદ્દન નાસ્તિક હતું. જ્યારે તેના બીજા ભાગમાં એ ભૂમિકાને આસ્તિક બનાવીને રજૂ કરવામાં આવી છે અને આ મૂવીમાં આટલા સંવેદનશીલ મુદ્દાને કેટલી સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે.
અભિનેતાની પ્રાથમિકતાઓમાં દમદાર ભૂમિકાઓ ટોચ પર રહે છે. પરેશ રાવળ સ્વયં આ વાત કબૂલતાં કહે છે કે ઘણી વખત મારા પ્રશંસકો એવી ફરિયાદ કરતાં હોય છે કે હું પ્રમાણમાં ઘણું ઓછું કામ કરું છું. જ્યારે હકીકત એ છે કે મારા હાથમાં સારી સ્ક્રીપ્ટ આવે તો હું તે જતી નથી કરતો. તેને માટે હું મારું મહેનતાણું ઓછું કરતાં પણ નથી કચવાતો. તેઓ વધુમાં કહે છે કે મને 'ધ સ્ટોરી ટેલર' અને 'રોડ ટુ સંગમ'ની પટકથાઓ ગમી જતાં મેં આ બંને ફિલ્મો માટે ઘણા ઓછા પૈસા લીધા હતા. જ્યારે સારી પટકથા હાથ લાગે ત્યારે હું ઉત્સાહમાં આવી જાઉં છું. મેં આ બંને ફિલ્મો સિવાય પણ ઘણી મૂવીઝ માટે મહેનતાણા બાબતે બાંધછોડ કરી છે. અને જો ભવિષ્યમાં મને કોઈ સરસ વેબ સીરિઝની ઑફર થશે તો હું તે ખુશીથી સ્વીકારી લઈશ.
પરંશ રાવળને રંગમંચે ખરા અર્થમાં મંજાયેલો અભિનેતા બનવામાં મદદ કરી છે. તેઓ કહે છે કે જ્યારે તમે સ્ટેજ પર અભિનય કરતાં હો ત્યારે સામે બેઠેલા પ્રેક્ષકોની ઊર્જા જાણે કે તમારી અંદર પ્રવેશી જાય છે. તમે એક વખત તમારા પાત્રના ગેટ-અપમાં આવી જાઓ પછી પોતાની જાતને આપોઆપ વિસરી જાઓ છો. ચાહે તમે ગમે તેટલા બીમાર કેમ ન હો. એક વખત પડદો ઊંચકાય એટલે તમારી સઘળી વ્યાધિ છુમંતર થઈ જવાની. પડદો પડયા પછી ભલે તમે બેભાન થઈ જાઓ. તેઓ આ બાબતે પોતાનો જ અનુભવ જણાવતાં કહે છે કે લગભગ ૧૯૮૩-૮૪ના સમયની વાત છે. તે વખતે હું તીવ્ર વર્ટિગોથી પીડાઈ રહ્યો હતો. અને મારા ત્રણથી ચાર નાટક સાગમટે ચાલી રહ્યાં હતાં. મને ૧૦૩ ડિગ્રી જેટલો તાવ ચડી આવતો. આમ છતાં 'શો મસ્ટ ગો ઓન'ના નાતે હું મારું કામ જારી રાખતો.
આ અભિનેતા રાજકરણ સાથે પણ સંકળાયેલા છે. અને પોતાના વ્યક્તિગત તેમ જ રાજકીય વિચારો શબ્દો ચોર્યા વિના સોશ્યલ મીડિયા પર મૂકે છે. તેઓ કહે છે કે ઘણાં લોકો મને આ બાબતે ચેતવે છે કે મારે મારા બધા વિચારો ખુલ્લેઆમ રજૂ ન કરવા જોઈએ. પરંતુ હું ચહેરા પર પહોરું નથી પહેરી શકતો. હું લોકો સમક્ષ એવી રીતે જ જાઉં છું જેવો હું હકીકતમાં છું. મારા મતે તમે કોઈપણ બાબતે બધાને રાજી ન જ રાખી શકો. તો પછી મુઠ્ઠીભર લોકોને ખુશ કરવા સારા હોવાનો ડોળ શા માટે કરવો? જ્યારે તમે અન્યોને રાજી રાખવા દંભ કરો છો ત્યારે તમારું મન કચવાયા કરે છે. અને કચવાતા મને કરેલા કામમાં શો ભલીવાર હોય? પોતાનાથી હારીને તમે બીજાને ન જીતી શકો.