પંકજ ત્રિપાઠી: થિયેટર તો મારા જીવનનો અમૂલ્ય હિસ્સો છે
- 'થિયેટર એક માધ્યમ તરીકે ભવિષ્યમાં વધુ ચમકદાર બનશે અને એ પણ ટેક્નોલોજીમાં જે રીતે પરિવર્તન આવી રહ્યું છે, તેને કારણે આ શક્ય બનશે. લાઈવ પર્ફોમન્સનો ચાર્મ કદી ખતમ નહીં થાય...'
પં કજ ત્રિપાઠીએ તેમની રેન્જ કેટલી વિશાળ છે એ તો દાખવી આપ્યું છે અને દર્શકોએ પણ તેમને જબરદસ્ત આવકાર આપ્યો છે. પંકજ ત્રિપાઠીની 'અરુણાચલ રંગ મહોત્સવ-૨૦૨૪'ના 'ફેસ્ટિવલ એમ્બેસેડર' તરીકે તાજેતરમાં જ નિમણૂક થઈ. આ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશનો ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ છે. રાજ્યમાં થિયેટર પ્રત્યે જે સમર્પણ છે તેનાથી પંકજ ત્રિપાઠી આશ્ચર્યચકિત છે.
પંકજ ત્રિપાઠી કહે છે, 'મેં તેમનો જુસ્સો જોયો અને એક નાટક પણ જોયું, જેની કથા રાજ્યના એક ધારાસભ્ય દ્વારા લખવામાં આવ્યું હતું.' નાટયાત્મકતા અંગેના વાતાવરણમાં સમય પસાર કર્યા પછી, ત્રિપાઠીએ એક કલાકાર તરીકે તેમને આકાર આપવામાં થિયેટરની ભૂમિકાની યાદ અપાવી. 'થિયેટર તો મારા જીવનનો એક ભાગ છે, જે ક્યારેય મારા જીવનથી દૂર થઈ શકે નહીં. કળાના આ સ્વરૂપે મને માત્ર એક વ્યાવસાયિક અભિનેતા જ નથી બનાવ્યો, પણ મને શીખવ્યું છે કે કેવી રીતે વધુ સારા માનવી બનવું,' એમ પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે 'તેણે જ મને મારી જાતને પૂરવાર કરવાની તક પણ આપી છે. થિયેટર એક માધ્યમ તરીકે ભવિષ્યમાં વધુ ચમકદાર બનશે અને એ પણ ટેક્નોલોજીમાં જે રીતે પરિવર્તન આવી રહ્યું છે, તેને કારણે આ શક્ય બનશે. આમ છતાં એક માનવી તરીકે મને એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એ તમામ ગેજેટોમાં છવાઈ જશે. હું તો આ તબક્કામાં પહોંચી ગયો છું. લાઈવ પર્ફોમન્સનો ચાર્મ, જે થોડા સમય માટે અદ્રશ્ય થઈ ગયો હતો એ હવે ફરી આવ્યો છે. આ ચાર્મ કદી ખતમ નહીં થાય,' એમ પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
આજે ઘણાં મહત્ત્વાકાંક્ષી કલાકારો થિયેટરના અસરકારક માધ્યમને સમજવાને બદલે તથા તેઓ તેના માટે શું આપે છે એ સમજવાને બદલે વ્યાપારી સિનેમા તરફ ડગ માંડી રહ્યા છે. આ સંદર્ભે પંકજ ત્રિપાઠી કહે છે, 'જો કોઈ પાંચ વર્ષ પણ થિયેટર કરે છે તો તેનો ચાર્મ ક્યારેય તેના હૃદયમાંથી અદ્રશ્ય નહીં થાય, પરંતુ તમને ખરાબ લાગે છે કે જ્યારે લોકો માત્ર છથી આઠ મહિના માટે થિયેટર કરે છે અને પછી વ્યાવસાયિક માધ્યમો ભણી જાય છે. પછી તો તેઓ ભીડમાં વધારો જ કરે છે અને વાસ્તવિક પ્રતિભા શોધવી મુશ્કેલ બની જાય છે,' એમ પંકજ ત્રિપાઠી કહે છે.