પંકજ ત્રિપાઠીઃ સેલ્ફ-સેન્સરશિપ કરતાં ચઢિયાતું બીજું કશું જ ન હોઈ શકે
- પંકજ ત્રિપાઠીએ 'ઓહ માય ગોડ'નો પહેલો ભાગ જોયો જ નથી. તેમણે સિક્વલને એક સ્વતંત્ર ફિલ્મ જ ગણી. તેઓ માને છે કે હિટ ફિલ્મની સિક્વલ સફળ થાય જ તે જરૂરી નથી.
બ હુમુખી ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત વર્સેટાઈલ કલાકાર પંકજ ત્રિપાઠીએ 'ઓહ માય ગોડ-ટુ'માં સરસ ભૂમિકા નિભાવી. અક્ષયકુમાર અને યામી ગૌતમી અભિનિત આ ફિલ્મમાં પંકજ, કાંતિશરણ મુદગલ નામના એક ઉજ્જૈનવાસીની ની ભૂમિકા નિભાવે છે. આ પાત્રએ તેમને એમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢ્યા હતા. અમિત રાય દિગ્દર્શિત આ ફિલ્મે તેના અનોખા વિષય માટે દર્શકો તેમજ વિવેચકોનું ધ્યાન આકર્ષિત કર્યંઢ હતું.
ફિલ્મનું શૂટિંગ શરુ થયું તે પહેલાંના બનાવોને યાદ કરતા પંકજ કહે છે કે સ્ક્રિપ્ટ રિડીંગ સેશન દરમિયાન વાર્તાનો દોર અક્ષયકુમારે દિગ્દર્શક અમિત રાય પાસેથી પોતાના હાથમાં લઈ લીધો હતો. તેણે અત્યંત પ્રભાવશાળી રીતે સંપૂર્ણ સ્ક્રિપ્ટ સંભળાવી. પંકજે અક્ષયની સ્ક્રિપ્ટ પસંદગીની પ્રશંસા કરી, ખાસ કરીને કોર્ટરૂમ ડ્રામા માટે મુખ્ય પાત્રમાં પંકજની પસંદગી કરવા માટે. લાંબાલચક સંવાદોને કારણે શરૂઆતમાં પંકજને આ રોલ બાબતે ખચકાટ હતો, પણ અક્ષયની દલીલોએ તેને આ તક ઝડપી લેવા પ્રેરિત કર્યા.
ફિલ્મમાં સેક્સ એજ્યુકેશનનો વિચારપ્રેરક મુદ્દો ઉપસ્થિત કરાયો છે. એક કર્તવ્યનિષ્ઠ કલાકાર તરીકે ફિલ્મની રિલીઝ અગાઉ સર્જાયેલા વિવાદ બાબતે પંકજ ત્રિપાઠીને જબરું આશ્ચર્ય થયું હતું. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તેઓ કદી પોતાના કાર્યો થકી કોઈની પણ લાગણીને ઠેસ ન પહોંચાડી શકે. તેઓ કહે છે કે ફિલ્મમેકર પોતે જ પોતાનું સેન્સર બોર્ડ હોવો જોઈએ. સેલ્ફ-સેન્સરશિપથી ચઢિયાતું બીજું કશું નહીં.
પોતે શિવજીના ભક્ત હોવાનું જણાવતા પંકજે મત વ્યક્ત કર્યો કે અમિતા રાયે સ્ક્રિપ્ટ બાબતે સઘન રિસર્ચ કર્યું હતું. ફિલ્મમાં રજૂ થયેલો કેન્દ્રીય વિચાર પંકજને સુસંગત લાગ્યો હતો. અમિત જે રીતે વિષયમાં ઊંડા ઉતરે છે અને સ્ક્રિપ્ટને વળગી રહે છે તેની પંકજ ત્રિપાઠી ખૂબ તારીફ કરે છે.
ફિલ્મ કોઈ અગાઉની હિટ ફિલ્મની સિક્વલ હોય માત્ર એટલા ખાતર ઓફર સ્વીકારી લેવામાં પંકજ ત્રિપાઠીને રસ નથી. જે પ્રોજેક્ટ ઓફર થઈ રહ્યો છે તેમાં દમ હોવો જોઈએ, ફિલ્મ ખુદ સ્વતંત્રપણે સરસ હોવી જોઈએ, અને ખાસ તો, એમાં રોલ સારો હોવો જોઈએ. દરેક હિટ ફિલ્મની સિક્વલ સફળ થાય જ તેવી માન્યતાને પડકારતા પંકજ કહે છે કે સ્ક્રિપ્ટ મને કેટલી જકડી રાખે છે તેના આધારે જ હું સ્ક્રિપ્ટની પસંદગી કરું છું. પંકજે ઓએમજીની મૂળ આવૃત્તિ જોઈ પણ નહોતી. તેમણે સિક્વલને એક અલગ જ ફિલ્મ તરીકે ગણી હતી.
પોતાના પાત્ર વિશે ચર્ચા કરતા પંકજ કહે છે કે, 'ક્રિમિનલ જસ્ટીસ'માં વ્યાવસાયિક વકીલથી વિપરીત એવો આ વકીલ છે. કોર્ટમાં પોતાના પુત્ર વતી કેસ લડવા તે મજબૂર છે. આ પાત્ર એવી રીતે લખાયું હતું કે પંકજને તેમાં રમૂજ છાંટી શકે.
પંકજ કપૂરને સ્ક્રીન પર જોવા એક લહાવો છે, ખરું?