પંકજ ત્રિપાઠીને માત્ર ફિલ્મો કરવામાં રસ છે, જોવામાં નહીં!

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
પંકજ ત્રિપાઠીને માત્ર ફિલ્મો કરવામાં રસ છે, જોવામાં નહીં! 1 - image


- 'એક સમય એવો હતો જ્યારે હું કામ મેળવવા ફાંફાં મારતો.  મને થતું કે મહિનામાં દસ-પંદર દિવસનું કામ મળી જાય તોય ઘણું. હવે મારી પ્રાથમિકતા કામ મેળવીને પૈસા કમાવવાની નથી.'

પોતાના અભિનય અને છટાદાર સંવાદો દ્વારા દર્શકોને પ્રભાવિત કરનાર અભિનેતા પંકજ ત્રિપાઠી વધુ એક વખત 'કાલીનભૈયા' બનીને પોતાની અભિનય પ્રતિભાનો પરચો દેખાડી રહ્યો છે. ક્યારેક 'સુલ્તાન' તો ક્યારેક 'અટલ' બનીને દર્શકોના દિલ જીતી લેનાર પંકજ ત્રિપાઠીની 'મિર્ઝાપુર'ની 'કાલીનભૈયા'ની ભૂમિકા ખૂબ પોપ્યુલર બની છે. આજકાલ લોકો આ શોની ત્રીજી સિઝન માણી રહ્યા છે. 

પંકજ પોતાના પ્રત્યેક પાત્રને પૂરેપૂરો ન્યાય શી રીતે આપી શકે છે? દર્શકોને તેની દરેક ભૂમિકા શા માટે ગમી જાય છે? આના જવાબમાં પંકજ ત્રિપાઠી કહે છે, 'હું કોઈપણ ફિલ્મ હાથ ધરતાં પહેલાં તેમાં રહેલા મારા પાત્રનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરી લઉં છું. જો મને એમ લાગે કે આ ભૂમિકા ભજવવાની મને મઝા આવશે અને દર્શક તરીકે પણ મને આ ફિલ્મ કે વેબ શો જોવા ગમશે તો જ હું તે હાથ ધરું છું. જેમ કે, મેં અટલ બિહારી વાજપેઈની જીવનીને પડદા પર ઉતારી ત્યારે મને એ વાતની ખુશી હતી કે હું એક શાનદાર વ્યક્તિને મારી અંદર જીવી રહ્યો છું. હા, એક સમય એવો હતો જ્યારે હું કામ મેળવવા ફાંફાં મારતો. તે વખતે એમ પણ થતું કે મહિનામાં ૨૦ દિવસનું કામ મળી જાય તોય ઘણું. પણ હવે એ સમય વીતી ગયો છે. હવે મારી પ્રાથમિકતા માત્ર કામ મેળવીને પૈસા કમાવવાની નથી રહી. હવે હું એવા પાત્રો પસંદ કરું છું જે મને કિક આપે.' 

એક કલાકાર તરીકે કોઈપણ અભિનેતા કે અભિનેત્રી વિવિધ કિરદાર અદા કરવા ઝંખતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ જ્યારે બે-ત્રણ ફિલ્મો કે વેબ-સીરિઝ એકસાથે કરતાં હોય ત્યારે બે પાત્રોની ભેળસેળ થઈ જાય એવું પણ બને. પંકજ ત્રિપાઠી સાથે પણ આવું બન્યું છે. તેણે 'મિર્ઝાપુર-૩'નું શૂટિંગ શરૂ કર્યું તેની પહેલાં આ પ્રકારનાં અન્ય પાત્રો ભજવી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં તેને માટે તરત જ 'કાલીનભૈયા' બનવાનું કઠિન થઈ પડયું હતું. તે વખતે દિગ્દર્શકે તેને ટોક્યો હતો. આ વાત યાદ કરતાં પંકજ ત્રિપાઠી કહે છે, 'પહેલે દિવસે જ દિગ્દર્શક ગુરમીત સિંહે મને કહ્યું હતું કે તું હજી કલીનભૈયાના કિરદારમાં રમમાણ નથી થઈ શક્યો. તું બિલકુલ એવી રીતે એક્ટિંગ કર જેવી રીતે કાલીનભૈયા કરતા હતા.  દિગ્દર્શકની વાત સાંભળીને હું ચોંકી ગયો હતો. પરંતુ પછી તરત જ સાવધ થઈને કાલીનના કિરદારમાં ઓગળી ગયો.'

એક અચ્છા કલાકારના કામમાં કોઈ ક્ષતિ કે ઊણપ ન હોય એ શક્ય નથી. આમ છતાં ટોચના કલાકારના કામમાં ભૂલ કાઢનારા ભાગ્યે જ મળે. જોકે પંકજના કેસમાં આવું નથી. અભિનેતા કહે છે, 'મારી પત્ની મારી સૌથી મોટી ક્રિટિક છે. તે તરત જ મારી ક્ષતિ પ્રત્યે આંગળી ચીંધે છે. અલબત્ત, હું પોતે પણ મારા કામનું મૂલ્યાંકન કરતો રહું છું. આનું એક કારણ એ પણ છે કે હું ક્યારેય ફિલ્મો નથી જોતો. જોકે મને હવે ફિલ્મો જોવાની ઇચ્છા થાય છે ખરી.'

પંકજ ત્રિપાઠીને નવું કામ હાથ ધરતી વખતે જરાય ગભરામણ નથી થતી. તેને ક્યારેય એમ નથી લાગતું કે હું આ પાત્ર શી રીતે ભજવીશ? અભિનેતા કહે છે, 'હું શૂટિંગના પ્રથમ બે દિવસ સુધી મારા પાત્રને આત્મસાત કરવાનો પ્રયાસ કરું છું. ત્યાર પછી હું એ કિરદારને જ શ્વસું છું. હા, મારું કામ પૂરું થઈ ગયા પછી મને એ પાત્રની અસરમાંથી બહાર આવતાં ઓછામાં ઓછા દસથી પંદર દિવસ લાગે છે.'

ઘણા કલાકારો અભિનય કારકિર્દી દરમિયાન દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવવાનું વિચારતાં હોય છે. જોકે પંકજને તેમાં ખાસ રસ નથી. અભિનેતા કહે છે, 'હમણાં તો હું કેમેરા સમે રહીને જ ખુશ છું. કેમેરા રોલ થવાનું બંધ થાય એટલે મને હોટેલમાં જઈને નિંદ્રાધીન થવાનું હોય છે. જ્યારે દિગ્દર્શકને બીજા દિવસની ફિકર પણ હોય છે. હાલના તબક્કે મને બીજા દિવસની ચિંતા કરવામાં રસ નથી. હા, ભવિષ્યમાં જોયું જશે.'  


Google NewsGoogle News