Get The App

પંકજ કપૂર : બોલીવૂડના આલા દરજ્જાના અદાકાર

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
પંકજ કપૂર : બોલીવૂડના આલા દરજ્જાના અદાકાર 1 - image


- મને નાનપણથી એવી  ફિલોસોફી  શીખવવામાં આવી છે કે માનવ જીવનમાં કે આ  દુનિયામાં કોઇ જ બાબત ફરજિયાત નથી. આમ તો થવું જ  જોઇએ.  ન થાય તો ભારે સંકટ આવે વગેરે વગેરે.  

હિન્દી ફિલ્મ જગત  આજકાલ પ્રયોગશીલ બની રહ્યું છે. નવા અને સર્જનશીલ વિચાર, મજબૂત   સામાજિક  સંદેશો, યુવાન,  શિક્ષિત,  પારદર્શક યુવાન પેઢીની વાચા વગેરે મુદ્દા મોટા પડદા પર રજૂ થઇ રહ્યા છે. 

બીજીબાજુ ઓવર ધ ટોપ (ઓટીટી) પર રજૂ થતી ફિલ્મો અને સિરિઝની કથા -પટકથા ખરેખર રસપ્રદ હોય  છે. વાર્તામાં આવતા  આરોહ -અવરોહ  અને ઘટનાઓના તાણાવાણા સાથે  દર્શકો જાણે કે રીતસર વણાઇ જાય  છે.  તો વળી, અમુક સિરિઝમાં કે ફિલ્મમાં સામાજિક પરિવર્તનનું  સાવ સાચુકલું દર્શન પણ થતું હોય છે.  

 હમણાં આવી જ   એક   મજેદાર ફિલ્મ   રજૂ થઇ છે. નામ છે  બીન્ની એન્ડ ફેમિલી.  પંકજ કપૂર,  અંજિની ધવન, હિમાની શિવપુરી, ગંધાર બાબ્રા , રાજેશ  કુમાર વગેરે કલાકારો સાથેની આ ફિલ્મમાં બે પેઢી વચ્ચેના વૈચારિક અને રહેણીકરણીનો  સંઘર્ષ છે.

દિગ્દર્શક  સંજય ત્રિપાઠીના દિગ્દર્શનમાં બનેલી બીન્ની એન્ડ ફેમિલી ફિલ્મમાં બે પેઢીનો આ  સંઘર્ષ દાદા અને પૌત્રી વચ્ચે ઘુમરાતો  રહે  છે. બોલીવુડના આલા દરજ્જાના અદાકાર  પંકજ કપૂરે દાદા (પાત્રનું નામ બાબા છે) નું જ્યારે અંજિની ધવને(અંજિની ધવન એટલે બોલીવુડના યુવાન સ્ટાર  વરુણ ધવનની  ભત્રીજી  છે)  બીન્નીનું પાત્ર  ભજવ્યું છે. 

ફિલ્મનાં તમામ કલાકારોમાં પંકજ કપૂર  સૌથી મોટી ઉંમરના અને સૌથી વધુ અનુભવી છે. આમ પણ પંકજ કપૂરે  કરમચંદ,  ઓફિસ ઓફિસ, જબાન સંભાલ કે જેવી ખરા અર્થમાં મજેદાર કહી શકાય તેવી  ટેલિવિઝન સિરિયલમાં અફલાતૂન પાત્રો ભજવ્યાં છે. ખાસ કરીને કરમચંદની જાસૂસની ભૂમિકામાં તો પંકજ કપૂરે ગાજર ખાવાનો પ્રયોગ કરીને આખી ટીવી  સિરિયલને બેહદ લોકપ્રિય બનાવી દીધી હતી. હા, પંકજ કપૂરનો અભિનય પણ એટલો જ સરસ હતો.

ઉપરાંત, પંકજ કપૂરે તો રોજા, જાને ભી દો યારો, મંડી, એક ડોક્ટર કી મૌત, રાખ, મકબૂલ, ખામોશ વગેરે જેવી  યાદગાર ફિલ્મોમાં  અભિનયના  વિવિધ  રંગ પાથર્યા  છે. એમ કહો કે આ બધી ફિલ્મોનાં પાત્રોને  પંકજ કપૂર જીવ્યા છે. પંકજ કપૂરના અભિનયનું ગગન વિશાળ હોવાથી જ તેને શ્રેષ્ઠ અભિનેતાના ત્રણ નેશનલ એવોર્ડ્ઝ અને ફિલ્મૅફેર  એવોર્ડનું ઉજળું સન્માન પણ મળ્યું છે.  

બીન્ની  એન્ડ ફેમિલી ફિલ્મની કથા એવી છે કે બાબા બિહારમાં રહે છે. બાબા એટલે કે દાદાની ઉંમર  મોટી છે અને  જૂના જમાનામાં  ઉછરેલા હોવાથી તેમના વિચારો અને  રહેણીકરણી પણ જૂનાં ,  રૂઢીચૂસ્ત છે.  જ્યારે બીન્ની તો લંડન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના, વૈભવી, આધુનિક, ફેશનેબલ, વિશાળ શહેરમાં રહે છે.  જરા કલ્પના કરો કે ભારતની એક વૃદ્ધ  વ્યક્તિ  બિહારમાં ઓછી  સુવિધા સાથે રહે છે. જ્યારે તેની જ પૌત્રી બ્રિટનના  લંડન જેવા  સમૃદ્ધ અને આધુનિક શહેરમાં રહેતી હોય ત્યારે બંને પેઢી વચ્ચે વિચારોની, રહેણીકરણીની, ગમા-અણગમાની સરખામણી તો જરૂર થવાની. આ જ સરખામણીમાંથી ફૂટે બંને પેઢી વચ્ચેનો સંઘર્ષ. 

જોકે આ સંઘર્ષ સાથે સંવેદના અને હાસ્યના પણ મજેદાર પ્રસંગો હોવાથી દર્શકોને  પડદા પર જાણે કે પોતાના વિશાળ પરિવારની જ વાત વહેતી હોય તેવો પોતીકો અનુભવ થશે. 

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(એન.એસ.ડી. --દિલ્હી)ના  તેજસ્વી વિદ્યાર્થી અને હિન્દી નાટકોના  અચ્છા  એક્ટર  પંકજ કપૂર કહે છે,  જુઓ, દાદા -પૌત્ર,  પતિ - પત્ની, પિતા -પુત્ર, પિતા -પુત્રી, ભાઇ -બહેન  વગેરે સંબંધોમાં  પ્રેમ ,વિશ્વાસ,  પારદર્શકતા હોવાં જોઇએ. હા, આપણી  ભારતીય  સભ્યતા અને  પરંપરાના ઉજળા  સંસ્કારો મુજબ  પરિવારનાં વડીલો   પ્રત્યે નમ્રતા, વિવેક,મર્યાદા હોવાં  જોઇએ.  સાથોસાથ મોટેરાંના   જીવનના બહોળા  અનુભવ  અને સમજદારીમાંથી ઘણી ઘણી  જીવન ઉપયોગી બાબતો પણ શીખવી જોઇએ. 

બોલીવુડના હેન્ડસમ અને અચ્છા એક્ટર શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર બહુ મહત્વનો મુદ્દો  રજૂ કરતાં કહે છે, હું મારી ઉંમરની અને હિન્દી ફિલ્મ જગતની સિનિયોરિટીનો ભાર લઇને  નથી  ફરતો કે નથી જીવતો. હું તો ફિલ્મના સેટ પર પણ સહુની સાથે હળીમળી જાઉં છું. મારાં મન -હૃદયમાં સહુ સમાન છે. કોઇ નથી મોટું --મહાન કે નથી નાનું. હું બહુ સ્પષ્ટપણે એમ  માનું છું કે હું સામી વ્યક્તિ  પાસેથી માન - સન્માન ઇચ્છતો હોઉં તો મારે બીજી વ્યક્તિને પણ એટલું જ માન - સન્માન આપવાં રહ્યાં. 

મને મારાં માતા પિતાએ બાળપણથી જ આવા ઉજળા સંસ્કારોનું ભાથું આપ્યું  છે. અને એટલે જ હું મારાથી નાની વયનાં કે ઓછો અનુભવ  ધરાવતાં  સહ કલાકારોને પણ સન્માન આપું છું. તેમની અભિનય પ્રત્યેના પ્રેમ અને નિષ્ઠાનો આદર  કરું છું. સેટ પર તેમની સાથે ગામ ગપાટાં મારું છું. તેમની પાસેથી નવા જમાનાની ટેકનોલોજી અને અન્ય પરિવર્તનની વાતો શીખું છું. હા, તેઓ અભિનય સહિત અન્ય કોઇ બાબતમાં સલાહ માગે તો જરૂર આપું છું. સામેથી નહીં. 

પંકજ કપૂર કહે છે, મને નાનપણથી  એવી  ફિલોસોફી  શીખવવામાં આવી છે કે માનવ જીવનમાં કે આ  દુનિયામાં કોઇ જ બાબત  ફરજિયાત નથી. આમ તો થવું જ  જોઇએ.  ન થાય તો ભારે સંકટ આવે વગેરે વગેરે. ખરેખર તો પરિવારના કોઇ વડીલે કે સમાજની કોઇ આગેવાન વ્યક્તિએ પોતાના વિચારો, માન્યતા, ગમો -અણગમો પોતાની સાથે  રહેતાં કે  બીજાં લોકો પર લાદી ન દેવાં જોઇએ. સહુને તેમની સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવવાં દેવાં  જોઇએ. તેમનાં જીવનના નિર્ણયો  લેવા સ્વતંત્ર હોવાં જોઇએ. 

મારા  કુટુંબમાં  આવો જ મુક્ત માહોલ છે. અમે સહુ (શાહિદ , સનાહ, રુહાન) ખરા અર્થમાં  સ્વતંત્ર છીએ અને છતાં પ્રેમ, સંપ,ઉમંગ, વિશ્વાસ, આનંદના મજબૂત તાંતણે બંધાયેલા પણ છીએ. 

આજે તો ફિલ્મ નિર્માણમાં નવા યુગની આધુનિક ટેકનોલોજીનો  ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. સાથોસાથ મનોરંજનનાં વિવિધ માધ્યમો પણ શરૂ થયાં છે. આ પરિવર્તનથી નવી, ઉગતિ,પ્રતિભાશાળી પેઢીનાં  કલાકારોને ભરપૂર પ્રોત્સાહન મળે છે. સાથોસાથ આજનાં કલાકારોને ખોબલા મોઢે ફિલ્મો મળે છે. પટારા ભરીને રૂપિયા પણ મળે છે.

 જોકે મેં અભિનય કારકિર્દી શરૂ કરી ત્યારે આખા વર્ષમાં માંડ એકાદ ફિલ્મની ઓફર થતી. વળતર પણ બહુ  ઓછું મળતું. મને તો  બોલીવુડમાં સહુ સિરિયસ એક્ટર કહેતાં અને ગણતાં પણ ખરાં. હકીકત  જોકે સાવ જ જુદી છે. એટલે કે મેં  હંમેશાં અભિનય કલાને પ્રાધાન્ય આપ્યું છે. 

છેવટે તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(એન.એસ.ડી.)નો વિદ્યાર્થી છું ને. આમ મારે ઘણો સંઘર્ષ કરવો પડયો. હા, મેં મારા પરિવારનાં સુખ -સલામતી માટે હલકીફૂલકી ફિલ્મોમાં પણ કામ કરીને ધન મેળવ્યું છે.  

બીજીબાજુ કોઇપણ કલાકારે પોતાનો અને પોતાના પરિવારનો શિસ્તબદ્ધ અને સાચો નિર્વાહ કરવા માટે પૂરતું ધન પણ પ્રાપ્ત કરવું જોઇએ. કલાકાર નિવૃત થાય ત્યારે તે અને તનાં કુટુંબીજનો નિરાંતનું અને સુખી જીવન જીવી શકે તેટલું ધન તો તેની પાસે જરૂર હોવું જોઇએ.  


Google NewsGoogle News