પલ્લવી જોશી : ભયના ઓથાર નીચે જીવતા શીખી લીધું છે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
પલ્લવી જોશી : ભયના ઓથાર નીચે જીવતા શીખી લીધું છે 1 - image


- 'એક દિગ્દર્શકને હું દીઠી નહોતી ગમતી. તેઓ મારા દરેક કામમાંથી ભૂલો કાઢતા. અભિનય બાબતે તો તેઓ મને કાંઈ ગણતા જ નહીં. તેઓ મને વારંવાર ઉતારી પાડતાં અને...'

'કશ્મીર ફાઇલ્સ'ને પગલે પેદા થયેલા વિવાદો અને પછીથી આ ફિલ્મને મળેલા પુરસ્કારોએ અભિનેત્રી પલ્લવી જોશીને લાઇમલાઇટમાં લાવી મૂકી હતી. અલબત્ત, આ પ્રસિધ્ધિનો ચળકાટ તાજેતરમાં રજૂ થયેલી (અને બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયેલી) 'ધ વેક્સીન વૉર'એ વધારી મૂક્યો છે. આ મૂવીમાં પલ્લવી જોશીએ પાંત્રીસેક વર્ષના લાંબા ગાળા પછી નાના પાટેકર સાથે કામ કર્યું છે.

છેક ૧૯૮૮ની સાલમાં તેણે નાના પાટેકર સાથે 'તૃષાગ્નિ' કરી હતી. આટલા લાંબા અંતરાલ બાદ આ દિગ્ગજ અભિનેતા સાથે કામ કરવરાના અનુભવ વિશે પલ્લવી કહે છે કે તેઓ આજે પણ એવા જ છે જેવા ૧૯૮૮માં હતાં. એક વ્યક્તિ તરીકે નાના પાટેકર બિલકુલ નથી બદલાયા. તેવી જ રીતે કલાકારની રૂએ તેઓ અગાઉ પણ કોઈની તોલે આવે તેમ નહોતા અને આજે પણ આવે તેમ નથી. તેમની સાથે કામ કરતી વખતે જ કેટલું બધું શીખવા મળે. તમને સમજાય નહીં કે તેઓ પોતાના પાત્રની ભાવનાઓ શી રીતે વ્યક્ત કરે છે, પરંતુ પડદા પર તેમનો જાદુ છવાઈ જાય છે એ વાતથી ઈનકાર ન થઈ શકે.

'ધ વેક્સીન વૉર'નો ડાયલોગ 'ઇન્ડિયા કાન્ટ ડુ ઈટ' (ભારત આ ન કરી શકે) લડાયક મિજાજની કોઈપણ વ્યક્તિને ખટકે. તેમાં. જો કોઈ ટેલેન્ટેડ કલાકારને એમ કહેવામાં આવે કે તું આ નહીં કરી શકે તો તેની માનસિક સ્થિતિ કેવી થાય તે કળવું અઘરું નથી. પલ્લવી સ્વયં આવા તબક્કામાંથી પસાર થઈ ચૂકી છે. તે દિલ દુભવતો એ સમય સંભારતા કહે છે કે આ વાત ઘણાં વર્ષ પહેલાની છે. તે વખતે એક દિગ્દર્શકને હું દીઠી નહોતી ગમતી. તેઓ મારા દરેક કામમાંથી ભૂલો કાઢતાં. તેમને ન તો મારો મેકઅપ ગમતો કે ન હેરસ્ટાઈલ. અને અભિનય બાબતે તો તેઓ મને કાંઈ ગણતા જ નહીં. તેઓ મને વારંવાર ઉતારી પાડતાં. શરૂઆતમાં મને એમ લાગ્યું કે તેઓ મજાક કરે છે. પણ પછી મને સમજાયું કે તેઓ મને સતત ઉતારી પાડી રહ્યાં છે. મેં ગમે તેમ કરીને એ ફિલ્મ પૂરી કરી. પરંતુ આ ફિલ્મ કર્યા પછીના ત્રણ વર્ષમાં જ મને 'વો છોકરી' (૧૯૯૪) માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

'કાશ્મીર ફાઈલ્સ'ની જેમ 'ધ વેક્સીન વૉર'ની રજૂઆત પહેલા પણ પલ્લવી જોશી અને તેના પતિ વિવેક અગ્નિહોત્રીની હેરાનગતિ શરૂ થઈ ગઈ હતી. પલ્લવી આ બાબતે કહે છે કે આ ફિલ્મ વિશે વિવાદ શરૂ કરવા ઉપરાંત અમને ઈ-મેલ આવવાનો આરંભ થઈ ગયો હતો. અમને આ ફિલ્મ રજૂ ન કરવાનું કહેવામાં આવતું. પરંતુ તેમની માનસિકતા સામે અમે શું કરી શકીએ? કેટલાંક લોકોને દેશનું નામ રોશન થાય તેમાંય તકલીફ થતી હોય છે. પરંતુ અમને ભારતીય હોવાનો ગર્વ છે. અમે આપણા દેશના વૈજ્ઞાાનિકોની સિધ્ધિઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માગતા હતા અને તે કરીને રહ્યાં.

'કશ્મીર ફાઈલ્સ' પછી પલ્લવીના પરિવારને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ઘણાં લોકોને તેની પણ અદેખાઈ આવે છે. તેમને એમ લાગે છે કે આ પરિવારનો રૂઆબ અને દરજ્જો કેટલાં વધી ગયાં છે. પરંતુ પલ્લવી આ બાબતે કહે છે કે અમે તેનો પ્રભાવ અમારા ઉપર પડવા નથી દીધો. અને ખરેખર તો રોજ રાત્રે હું ભગવાનને એવી પ્રાર્થના કરીને સુવા જાઉં છું કે મારા પતિના જીવનની રક્ષા કરજે. અમે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છીએ. પરંતુ અમારા જીવનની આ સચ્ચાઈને અમે સ્વીકારી લીધી છે.

જોકે ભયના ઓથાર હેઠળ જીવવા છતાં પલ્લવી હિમ્મત નથી હારી. તે કહે છે કે મારો ઉછેર એવી રીતે થયો છે કે હું ક્યારેય નબળી નથી પડી. મને હમેશાં પગભર રહેવાનું શીખવવામાં આવ્યું છે. આજે પણ હું મારા પરિવારની જવાબદારી ઉપાડી શકું તેમ છું.

અલબત્ત, પલ્લવી આજે જે મુકામ પર છે તેને માટે તેણે ઘણો ભોગ આપ્યો છે. અભિનેત્રી કહે છે કે હવે મારા બંને પુત્રો અને એક પુત્રી મોટા થઈ ગયા છે. તેની પુત્રી નિર્માણ ક્ષેત્રે અને પુત્ર દિગ્દર્શન ક્ષેત્રે કાર્યરત છે. પરંતુ આ બાળકો નાના હતાં ત્યારે પલ્લવી તેમને મૂકીને શૂટિંગ માટે જતી ત્યારે તેનું હૈયું વલોવાઈ જતું. તે એક પ્રકારની ગુનાઇત લાગણી અનુભવતી. આજદિન સુધી તેને આ કચવાટમાંથી મુક્તિ નથી મળી.


Google NewsGoogle News