આઉટ: સુસ્મિતા સેન, ઇન: પ્રિયંકા ચોપડા
સુ સ્મિતાએ તાજેતરમાં એક એવી વાત શેર કરી કે જેના વિશે જાણીને એના ચાહકો નવાઈ પામી ગયા. શું તમે જાણો છો કે અબ્બાસ-મસ્તાનની 'ઐતરાઝ' ફિલ્મ (૨૦૦૪) સુસ્મિતાએ અધવચ્ચે છોડી દીધી હતી? અક્ષયકુમાર અને કરીના કપૂરને ચમકાવતી આ ફિલ્મમાં સુસ્મિતાનો ત્રીજો પણ સંભવત: સૌથી માતબર રોલ હતો. આ એક એવી સ્ત્રી છે જે અતિ સ્વકેન્દ્રી, નાર્સિસિસ્ટિક, મહત્ત્વાકાંક્ષી અને કામુક છે અને જે કોઈ પણ ભોગે અક્ષયકુમારને પામવા મથે છે. સુસ્મિતા સેન આ રોલ માટે પરફેક્ટ હતી. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું હતું, પણ અચાનક સુસ્મિતાની પહેલી દત્તક દીકરી રેને માંદી પડી. ખૂબ કપરી કાનૂની લડત આપીને સુસ્મિતાએ ૨૪ વર્ષની ઉંમરે રેનેને દત્તક લીધી હતી. 'ઐતરાઝ'નું શૂટિંગ વિદેશી લોકેશન પર ચાલી રહ્યું હતું. જેવી રેનેની બીમારીની જાણ થઈ કે સુસ્મિતાએ પહેલું પ્લેન પકડીને મુંબઈ આવી ગઈ. અહીં આવ્યા પછી એને ખબર પડી કે દીકરી જલદી સાજી થાય તેમ નથી. તેની ટ્રીટમેન્ટ લાંબી ચાલશે.
સુસ્મિતા ધારત તો પોતાની મમ્મી અને સ્ટાફના સહારે રેનેને મૂકીને શૂટિંગ પુન: શરુ કરી શકત. પણ એણે એમ ન કર્યું. એણે અબ્બાસ-મસ્તાનને ફોન કર્યો: સર, મારે મારી દીકરીની પડખે રહેવું પડશે. હું તમારી ફિલ્મ નહીં કરી શકું.
અબ્બાસ-મસ્તાન પરિસ્થિતિ સમજ્યા. સુસ્મિતાએ સાઇનિંગ અમાઉન્ટ પાછી આપી દીધી. આ રોલ પછી કોને મળ્યો? જી, બિલકુલ. પ્રિયંકા ચોપડાને. 'ઐતરાઝ' ફિલ્મ સફળ રહી અને તેમાં પ્રિયંકાની પોઝિશન મજબૂત બની.આ એક કલ્પનાનો વિષય છે: ધારો કે 'ઐતરાઝ'ની ખલનાયિકાનો રોલ સુસ્મિતા સેને જ કર્યો હોત તો ફિલ્મને કેવું સ્વરુપ મળ્યું હોત? સુસ્મિતાએ આ રોલમાં પ્રિયંકા કરતાંય વધારે પ્રભાવ છોડયો હોત એ તો નક્કી.
વચ્ચે આઈપીએલમાં કરોડોનું કૌભાંડ કરીને લંડન ભાગી ગયેલા વિવાદાસ્પદ બિઝનેસમેન લલિત મોદી સાથેના સુસ્મિતાના સંબંધે ચર્ચા જમાવી હતી. તાજેતરમાં સુસ્મિતાને મીડિયાના એક પ્રતિનિધિએ પૂછી લીધું કે મેડમ, તમે લલિત મોદી સાથે મેરેજ કરવાના હતા એનું શું થયું? ધુંધવાઈ જવાને બદલે સુસ્મિતાએ સ્વીટ સ્માઈલ સાથે કહ્યું, 'મારે કોઈ સાથે લગ્ન કરવાનાં હોત તો ક્યારના કરી લીધા હોત!'
લેટેસ્ટ ખબર મુજબ, એક્સ-લવર મોડલ રોહમન શૉલ માટે સુસ્મિતાના દિલમાં નવેસરથી પ્રેમના અંકુરો ફૂટયાં છે. જોઈઅ, લવસ્ટોરીની આ સેકન્ડ સિઝનમાં કેવા ચડાવઉતાર આવે છે...