મંજરી ફડનીસ : બનવું હતું સિંગર, બની ગઇ એક્ટ્રેસ
- ફિલ્મોમાં કામ કરીએ ત્યારે ઘણાં બધાં ફેકટર્સ વિચારવા પડે, લેકિન ઓટીટી પર એકટ્રર્સ કો ખુલકર ખેલને કા મૌકા મિલતા હૈ.
બો લિવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં સફળ થવા માટે ટેલેન્ટ ને નસીબનો સાથ મળવો જરૂરી છે. બંનેમાંથી તમારી પાસે એક જ હોય તો તમારું ગાડું આગળ ન ચાલે. નાના-મોટા ઘણા કલાકાર-કસબીઓ આ કારણસર ઈન્ડસ્ટ્રીમાંથી ફેંકાઈ ગયા હોવાના દાખલા છે. જોકે કોરોનાકાળ દરમિયાન અને એ પછી પણ ઓટીટી એમના માટે આશીર્વાદ બનીને આવ્યું છે. ઓટીટીની મદદથી ઘણાં એક્ટરોને નવો પુશ મળ્યો છે અને તેઓ પાછા લાઈમલાઈટમાં આવી ગયા છે. મંજરી ફડનીસ એનું ઉત્તમ ઉદાહરણ છે. ૨૦૦૮માં આમિર ખાનના ભાણેજ ઈમરાન સાથે ફિલ્મ 'જાને તુ યા જાને ના'માં ડેબ્યુ કરીને મંજરીએ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરી. કમનસીબે, ત્યાર બાદ એના ભાગે કોઈ હિટ ફિલ્મ આવી નહિ. એ 'આવારા પગલા દીવાના' અને 'કિસ કિસ કો પ્યાર કરું' જેવી કૉમેડી ફિલ્મોમાં હીરોઈનોના ટોળા વચ્ચે ખોવાઈ ગઈ.
પછી તો મંજરી ફડનીસનો કરિયર ગ્રાફ ઝડપથી નીચે ઉતરવા માંડયો. લાઈફના એ લો ફ્રેઝને યાદ કરતા એકટ્રેસ કહે છે, 'એક દિવસ મેં પાપાને ફોન કરીને કહ્યું કે હવે પછીના છ મહિનામાં મને કોઈ કામ નહિ મળે તો હું આર્થિક રીતે ભાંગી જઈશ. એ વખતે બહુ દુ:ખી હતી. પાપાએ કહ્યું કે 'કંઈ વાંધો નહિ, તું ઘરે પાછી આવીને ભણીને સાઇકોલોજિસ્ટ બની જા. તેઓ નહોતા ઇચ્છતા કે હું એક્ટર બનું એટલે મુંબઈ છોડીને ક્યારે પાછી ફરું એની તેઓ રાહ જોતા હતા. જો કે એમણે મને સપોર્ટ કરવામાં ક્યારેય કોઈ કચાશ નહોતી રાખી. મારા ભાગ્યમાં એક્ટિંગ જ લખાઈ હતી એટલે ૨૦૧૯માં મને અમિત સાદ સાથે 'બારોટ હાઉસ' નામની સાઈકાલોજિક થ્રિલર ફિલ્મ મળી. હકીકતમાં હું ફિલ્મોમાં શોભાની પૂતળી બનીને બોર થઈ ગઈ હતી એટલે બે વરસ સુધી કેમેરાથી મોઢું ફેરવી લીધું હતું. 'બારોટ હાઉસ'માં મને ડિરેક્ટર બગ્સ ભાર્ગવે ઇન્ટેન્સ રોલ આપ્યો, જેમાં મેં મારું સર્વસ્વ રેડી દીધું. ફિલ્મ ઓટીટી પર રિલિઝ થઈ અને મારા કરિયરનું એક નવું ચેપ્ટર શરૂ થયું. ભાર્ગવજીએ ઓડિશન પણ લીધા વિના મને એ કેરેક્ટર માટે પસંદ કરી- એ બદલ એમની ઋણી છું. એમની સાથે હવે બીજી બે ફિલ્મો કરી રહી છું.'
બહુ ઓછા લોકો જાણે છે કે ૩૫ વરસની મંજરી એક આર્મી મેનની દીકરી છે. એ સંઘર્ષ કરવામાં પાછીપાની નથી કરતી. આજકાલ એ ઓટીટી ફિલ્મ 'ધ યુપી ફાઈલ્સ'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં પોતાના પરફોર્મન્સ વિશે વાત કરતા મિસ ફડનીસ કહે છે, 'પહેલીવાર આ ફિલ્મમાં મેં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો છે. દર્શકોએ મને પહેલી વાર ફિમેલ કોપના રૂપમાં જોઈ છે. દરેક સારા એક્ટરને મનમાં સશક્ત પાત્રો ભજવવાની લાલચ રહેતી હોય છે એટલા માટે કે આવા પાત્રોમાં કંઈક અલગ કરવા મળે છે. 'યુપી ફાઈલ્સ'માં મને આવો જ સ્ટ્રોંગ રોલ મળ્યો છે. ફિલ્મમાં હું ફિમેલ એન્ડ ચાઈલ્ડ સિક્યોરિટી વિંગની હેડ બની છું. ફિલ્મમાં મારો ચીફ મિનિસ્ટર સાથે એક મોનોલોગ છે. એ ઈમોશનલી બહુ જ સ્ટ્રોંગ સીન છે. વરસો પહેલા ગેંગ રેપની એક જઘન્ય ઘટના વિશે અખબારમાં વાંગ્યા પછી મેં વડાપ્રધાનને પત્ર લખી આરોપીઓને સખતમાં સખત સજા કરવાની ડિમાંડ કરી હતી. એ વખતે મારા મનમાં જે આક્રોશ હતો એ બધો મારા મોનોલોગમાં ઠાલવી દીધો. એથી દર્શકોને એ સીન બહુ ટચ કરી ગયો.'
ઓટીટીને કારણે ફિલ્મોની થિયેટ્રિકલ રિલિઝ પર અસર થઈ છે. અમુક માટીપગા મેકર્સ તો ફિલ્મ બની ગયા બધા બૉક્સ-ઑફિસ પર એનું ટાંય-ટાંય ફિશ થઈ જવાની બીકે ફિલ્મની સિનેમાઘરોમાં રિલિઝ કરવાનું ટાળી સીધી ઓટીટી પ્લેટફોર્મને સ્ટ્રીમિંગ માટે સોંપી દે છે. સામા પક્ષે અમુક લોકો એવું માને છે કે ઓટીટી થિયેટરોના બિગ સ્ક્રીનનો વિકલ્પ ન બની શકે. મોબાઈલ કે ટીવી પર એક્શન અને થ્રિલર ફિલ્મો જોઈને ધારી ઈફેક્ટ માણી ન શકાય. જો કે મંજરી ઓટીટીને સંપૂર્ણપણે ફિલ્મોના સબળ હરીફ તરીકે જુએ છે. એનું કારણ આપતા એક્ટર કહે છે, 'ફિલ્મોમાં કામ કરીએ ત્યારે ઘણાં બધા ફેકટર્સ વિચારવા પડે. ઘણી વાતોનો વિચાર કરવો પડે લેકિન ઓટીટી પર એકટ્રર્સ કો ખુલકર ખેલને કા મૌકા મિલતા હૈ.'
નવાઈની વાત એ છે કે ફડનીસની લાઈફમાં પહેલા સિંગિગ આવ્યું અને પછી એક્ટિંગની એન્ટ્રી થઈ. એ વિશે વાત કરતા મંજરી પોતાના બાળપણમાં પાછી ફરી જાય છે, 'બચપન સે મુઝે સબ સિંગર ઔર ડાન્સર કે રૂપ મેં જાનતે થે. ગાયકી મારા લોહીમાં છે એમ કહી શકાય. મારા નાની કલાસિકલ મ્યુઝિકના ટીચર હતા, મમ્મી પણ આર્મીના ફંક્શનમાં અચુક ગાતી. મારા માસી મધ્યપ્રદેશના રેડિયો પર ગાતા અને મામા સારા તબલાવાદક હતા. હું ચાર વરસની હતી ત્યારથી મને આર્મીની પાર્ટીમાં આર્મીના બેન્ડ સાથે ગાવા ઊભી કરી દેવાતી. તબ સે મ્યુઝિક કે સાથ મેરા નાતા હૈ. પછી હું ૧૪ વરસની થઈ ત્યારે સ્કૂલના એક ડ્રામામાં કામ કર્યું અને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મળ્યો. મને સ્ટેજ પર પરફોર્મ કરવું બહુ ગમી ગયું. મનમાં થયું કે આ કામ તો હું જિંદગીભર કરી શકું છું. એમાં મજા પણ આવે છે ત્યારથી દિમાગમાં એક જ સવાલ ધોળાયા કરે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવું કઈ રીતે? ત્યાં તો મારી કોઈ ઓળખાણ નથી. એવો પણ વિચાર આવ્યો કે સિંગર બની જઈએ તો કેમ? એક કોન્ટેસ્ટમાં ભાગ લીધો પણ ફાઈનલ સુધી ન પહોંચી. નિરાશ થઈ, પણ ઉપરવાળાએ કંઈક જુદુ જ વિચારી રાખ્યું હતું. એના છ મહિના બાદ જ મને મારી પહેલી ફિલ્મ મળી ગઈ.'