મોટા પડદા જેવું મેજિક ઓટીટી પાસે નથી: માધુરી દીક્ષિત
- 'મેં સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી મોટા પડદાના અનુભવને મનભરીને ચાહ્યો છે અને માણ્યો છે. મારી નવી ફિલ્મ રિલીઝ થાય ત્યારે બુરખો પહેરીને થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચી જતી. દર્શકો વચ્ચે બેસીને ફિલ્મ જોવાથી અમને એક્ટરોને જુદા જ પ્રકારની ઊર્જા મળે છે. '
બો લિવુડમાં નામ અને દામ કમાયા પછી બહુ ઓછા એક્ટરો પોતાના મૂળને યાદ કરે છે. તેઓ પોતાના વતનને અને માતૃભાષાને લગભગ ભૂલાવી દે છે. એમને પોતાની માતૃભાષામાં ફિલ્મો બનાવવાનું પણ સુઝતું નથી. અથવા તો એમ કહો કે પ્રાદેશિક ફિલ્મોમાં ઝાઝા પૈસા ન હોવાથી તેઓ ઈરાદાપૂર્વક એની ઉપેક્ષા કરે છે. મરાઠી મુલગી માધુરી દીક્ષિત નેનેએ બધામાં જુદી પડે છે. એ જ્યારે પણ ઓફબીટ સબ્જેક્ટ ધરાવતી સારી સ્ક્રિપ્ટ મળે ત્યારે બહુ પ્રેમથી પ્રોડયુસર તરીકે મરાઠી ફિલ્મ બનાવે છે. અલબત્ત, અત્રે એ પણ નોંધવું જોઈએ કે 'બકેટ લિસ્ટ' (૨૦૧૮) પછી દીક્ષિત-નેનેએ કોઈ મરાઠી ફિલ્મ સાથે અભિનેત્રી તરીકે જોડાઈ નથી. હમણા એને એક ઈવેન્ટમાં મીડિયા તરફથી આ સંબંધમાં જ એવો સવાલ કરાયો કે તમે નજીકના ભવિષ્યમાં કોઈ મરાઠી પ્રોજેક્ટમાં કામ કરવાના છો, ખરા? માધુરી મેડમનો જવાબ એકદમ પ્રેક્ટિકલ છે, 'મારી પાસે કોઈ સરસ સ્ક્રિપ્ટ આવશે તો હું ચોક્કસપણે મરાઠી ફિલ્મ કરીશ. શા માટે ના પાડું? એનું કોઈ કારણ નથી. મારો ઉદ્દેશ મરાઠી ફિલ્મોના દર્શકોને સારી સ્ટોરીઝથી એન્ટરટેઇન કરવા ઉપરાંત ઝાઝો ઉપદેશ આપ્યા વિના એમના સુધી કોઈ મહત્ત્વનો મેસેજ પહોંચાડવાનો છે. અમારા પ્રોડક્શનની નેકસ્ટ ફિલ્મ 'પંચક'માં અમારો આ જ હેતુ કેન્દ્રસ્થાને છે. કોંકણમાં આકાર લેતી એ એક રમુજી સ્ટોરી છે.'
માધુરી ભલે મુંબઈમાં ઉછરી હોય, પણ એનું મૂળ વતન કોંકણ છે એટલે કોંકણના કલ્ચર, એની પરંપરા અને કોંકણી ભાષા પ્રત્યે એને ખાસ લગાવ છે. એની નવી ફિલ્મ 'પંચક'માં પણ કોંકણનું જ બેકગ્રાઉન્ડ છે. પંચકમાં કોઈનું મૃત્યુ થાય તો મરનારના પરિવાર કે સગાસંબંધીઓમાં બીજા કોઈનું અવસાન ન થાય એ માટે ખાસ વિધિ કરાવવાનું જ્યોતિષશાસ્ત્રમાં વિધાન છે. આવી માન્યતામાંથી એક કોંકણી કુટુંબમાં ઊભા થતા રમૂજી પ્રસંગો ફિલ્મની કથામાં વણી લેવાયા છે.
માધુરી અને એમના પતિ શ્રીરામ નેનેના પ્રોડક્શન હાઉસ 'આર એન્ડ એમ મૂવિંગ પિકચર્સ' દ્વારા નિર્મિત આ ફિલ્મના ક્રિયેટીવ પાસાં અને એના કાસ્ટિંગમાં એકટ્રસે ઊંડો રસ લીધો હતો. 'પંદરા ઓગસ્ટ' પછી એમની આ બીજી મોટી મરાઠી ફિલ્મ છે. પ્રોડયુસર બન્યા પછી બોલીવૂડની ધક ધક ગર્લ ડિરેક્શન ઉપર પણ હાથ અજમાવવાનું વિચારે છે ખરી? 'ઘણા લોકો મને આવું પૂછે છે. સાચું કહું તો મેં હજુ એ વિશે બહુ વિચાર્યું નથી, પણ કાલ કોણે જોઈ છે? એટલે આવી શક્યતાને હું નકારી ન શકું. આમેય મરાઠી આર્ટ અને કલ્ચર સાથે મારો ગાઢ સંબંધ રહ્યો છે એટલે કોઈ પણ શક્ય સ્વરૂપમાં હું એ ફિલ્મડમાં કંઈક સારું કરવાનું વિચારતી રહું છું.'
ઇવેન્ટમાં મિસેસ નેનેએ મીડિયા સમક્ષ પોતાના જૂના સંસ્મરણો પણ વાગોળ્યાં હતાં. આજકાલ સર્વત્ર ઓટીટીની બોલબાલા છે ત્યારે માધુરી એના કરતા થિયેટરના મોટા પડદાને વધુ માર્ક્સ આપે છે. એના મતે બિગ સ્ક્રિનના મેજિકને કોઈ પહોંચી ન શકે. સદાબહાર એકટ્રેસ કહે છે, 'મેં સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી મોટા પડદાના અનુભવને મનભરીને ચાહ્યો છે અને માણ્યો છે. મારી નવી ફિલ્મ રિલીઝ થાય ત્યારે બુરખો પહેરીને થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચી જતી. દર્શકો વચ્ચે બેસીને ફિલ્મ જોવાથી અમને એક્ટરોને જુદા જ પ્રકારની ઊર્જા મળે છે. થિયેટર જેવું મેજિક તમે ઘરે બેસીને ટીવીમાં કોઈ ફિલ્મ જોઈને માણી ન શકો. એ શક્ય જ નથી. સિનેમાઘરોમાં પ્રેક્ષકોનો પ્રતિસાદ એકદમ પ્યોર હોય છે.'
વાત તો બિલકુલ સાચી.