ઓહ, અર્જુન.. .
.
-'મને નફરત છે એ હકીકતથી કે હવે હું ક્યારેય મા કે મોમ જેવો શબ્દ બોલી નહીં શકું. મને નફરત છે એ વાતથી કે મારા મોબાઈલની સ્ક્રીન પર હવે 'મોમ' શબ્દ ક્યારેય ફ્લેશ થતો નથી...'
અ ર્જુન કપૂર સમાચારોમાં રહેતો હોય છે. મોટે ભાગે ખોટા કારણોસર. પોતાની ફિલ્મો કે ટેલેન્ટને બદલે બાર વર્ષ મોટી મલાઇકા અરોરા સાથેના પ્રેમસંબંધને કારણે તે વધારે ચર્ચામાં રહે છે.
જોકે આ વખતે વાત જુદી છે. તાજેતરમાં એણે સોશિયલ મીડિયા પર એવી હૃદયસ્પર્શી પોસ્ટ મૂકી કે ભલભલા લોકોનાં હૃદય દ્રવી ઉઠયાં. પચ્ચીસ માર્ચે એની સદગત માતા મોના શોરીની બારમી પુણ્યતિથિ હતી. અર્જુને બહુ કાચી વયે માને ગુમાવી દીધી હતી, મોનાએ કેન્સરની બીમારીમાં ૨૫ માર્ચ, ૨૦૧૨ના રોજ હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા ત્યારે અર્જુન માંડ ૨૬ વર્ષનો હતો. માની દરેક પુણ્યતિથિએ અર્જુન એક પોસ્ટ મૂકીને નાની વયે જનેતા ગુમાવવાનો વસવસો અચૂક વ્યક્ત કરે છે. આ વખતે એણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુઃ
'લોકો કહે છે કે સમય બધું ભૂલાવી દે છે. ખોટી વાત છે આ. આજે ૧૨ વરસ થઈ ગયાં, પણ હજુ મને ૨૫ માર્ચના દિવસ પ્રત્યે ભારોભાર નફરત છે. મને નફરત છે એ હકીકતથી કે હવે હું ક્યારેય મા કે મોમ જેવો શબ્દ બોલી નહીં શકું. મને નફરત છે એ વાતથી કે મારા મોબાઈલની સ્ક્રીન પર હવે 'મોમ' શબ્દ ક્યારેય ફ્લેશ થતો નથી. મને નફરત છે એ વાતથી કે તને અમારી પાસેથી આટલી વહેલી છીનવી લેવામાં આવી. મારી પાસે ખુશ હોવાનો ઢોંગ કરવા, આગળ વધવા અને જિંદગી જીવવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી... પરંતુ મોમ, તારા વિના હું કાયમ અંદરથી ભાંગેલો અને અધૂરો રહીશ. હું તને બહુ મિસ કરું છું અને વિચારું છું કે કાશ! તું અમને છોડીને ચાલી ન નીકળી હોત તો હું સચ્ચાઈથી હસતો હોત અને સહજતાથી સ્માઈલ કરતો હોત. બધું બહુ અલગ હોત. તે એટલા માટે મા, કે તું મારી આસપાસ નથી હોતી એટલે મારા માટે હસતા રહેવાનું અને જીવવાનું બહુ મુશ્કેલ બની જાય છે.'
ઓહ, ડિયર. તારી મોમ જ્યાં પણ અત્યારે હશે ત્યાંથી તને જોઈ રહી હશે ને ખુશ થઈ રહી હશે... આવો દિલાસો પણ અર્થહીન બની જતો હોય છે.