નુસરત ભરુચા : ઓછી પણ સારી ફિલ્મોમાં દેખાતી કવિતાપ્રેમી અભિનેત્રી
- 'એક અભિનેત્રી તરીકે મારા અભિનયથી કે મહેનતથી મને ક્યારેય સંતોષ થશે કે કેમ તેનો મને ખ્યાલ નથી. હું તો એટલું જ જાણું છું કે મારે વિવિધ પ્રકારનાં પાત્રો ભજવવાં છે.'
- ઇઝરાયલની મદદ મેળવીને આભારી બનેલી નુસરતે પછી પેલેસ્ટાઇનને સપોર્ટ કરીને ગરબડ કરી નાખી!
હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો એવાં છે જેઓ ઓછી પણ અર્થપૂર્ણ ફિલ્મોમાં કામ કરે છે. પોતાનાં અંતરમનને સંતોષ થાય તેવી ફિલ્મોમાં મજેદાર પાત્રો ભજવે છે. પોતાની અભિનયકલાનું સન્માન જાળવે છે.
નુસરત ભરુચા બોલીવુડની આવી પ્રતિભાશાળી અભિનેત્રી છે. ૨૦૨૩માં નુસરત ભરુચાની અકેલી, છત્રપતિ,તુ જુઠી,મેૈ મક્કાર, સેલ્ફી એમ ચાર ફિલ્મો રજૂ થઇ છે. હવે ૨૦૨૪માં નુસરત ભરુચાની છોરી -૨ ફિલ્મ પણ રજૂ થવાની છે. છોરી -૨ ખરેખર તો છોરી ફિલ્મની સિક્વલ છે.
મુંબઇમાં દાઉદી વહોરા પરિવારમાં જન્મેલી નુસરત ભરુચા કહે છે, મને શાળા -કોલેજના અભ્યાસ દરમિયાન જ સાહિત્ય વાંચનનો અને લેખનનો શોખ રહ્યો છે. ખાસ કરીને મને કાવ્ય સર્જન બહુ ગમે છે. કવિતાઓ લખું છું. હિન્દી સાહિત્યના આલા દરજ્જાનાં કવિઓ -લેખકોની સુંદર અને લોકપ્રિય કૃતિઓ વાંચતી રહું છું. આવા ભરપૂર સર્જનશક્તિ ધરાવતાં સાહિત્યકારોની અમર કૃતિઓ જ મને મારા કાવ્ય સર્જન માટે પ્રેરણારૂપ બની રહે છે.
નુશ(નુસરત ભરુચાએ પોતાનું ટૂકું નામ નુશ રાખ્યું છે) કહે છે, હા, મને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવો બહુ બહુ ગમે છે. અનંત, અફાટ, આશ્ચર્યજનક અંતરિક્ષ, લીલાંછમ -ઘટાટોપ વૃક્ષો, રૂપકડાં,રંગબેરંગી, કર્ણપ્રિય કલરવ કરતાં પક્ષીઓ, ખળખળ વહેતાં ઝરણાં, આકાશ સાથે વાતો કરતા વિશાળ બરફીલા પહાડો, રમતિયાળ પ્રાણીઓ વગેરેને નજરોનજર જોઇને હું ખરેખર રાજીના રેડ થઇ જાઉં છું. હું નિસર્ગ સાથે આત્મસાત થઇ જાઉં છું.
મુંબઇની જયહિન્દ કોલેજમાંથી ફાઇન આર્ટસ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલી નુસરત કહે છે, મારા નિસર્ગ પ્રેમનું પ્રતિબિંબ મારી ફિલ્મોની કથા-પટકથામાં પણ પડે છે. મેં અત્યારસુધીની મોટાભાગની ફિલ્મોની કથા નારી પ્રધાન રહી છે. સાથોસાથ તેમાં ઉત્તમ -ઉમદા સામાજિક સંદેશો પણ હોય છે. જોકે હું આવી નારી પ્રધાન ફિલ્મોની પસંદગી કોઇ ચોક્કસ આયોજન સાથે નથી કરતી. સહજતાથી જ મળે છે. મને આવી અર્થસભર ફિલ્મોમાં અભિનવ કરવો ગમે છે.
કોલેજના અભ્યાસ બાદ કીટી પાર્ટી, સેવન એવી અમુક ટેલિવિઝન સિરિયલોમાં કામ કરીને અભિનયનો અનુભવ મેળવીને જય સંતોષી માતા(૨૦૦૬) ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કરનારી નુસરત ભરુચા પોતાની કારકિીર્દી વિશે કહે છે, મને હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાની તીવ્ર ઇચ્છા હતી. હું કોલેજના અભ્યાસ દરમિયાન મારી બહેનપણીઓ સાથે ફિલ્મો જોવા જતી.અમે તે ફિલ્મની કથા,પ્રસંગો, અભિનય,સંદેશો વગેરે પાસાં વિશે ચર્ચા પણ કરતાં. આજે મારી આ ઇચ્છા પૂરી થઇ હોવાનો ભરપૂર આનંદ અને સંતોષ છે.
તેલુગુ ફિલ્મ તાજમહલ સહિત લવ,સેક્સ ઔર ધોકા, પ્યાર કા પંચનામા --૧ -૨, સોનુ કી ટીકુ કી સ્વિટી, ડ્રીમગર્લ, છોરી, છલાંગ, રામસેતુ,સેલ્ફી,તુ જૂઠી મેૈ મક્કાર વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારી નુસરત ભરુચા બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મારી મોટાભાગની ફિલ્મોના દિગ્દર્શકો નવા છે. મેં નવા પણ પ્રતિભાશાળી, સર્જનાત્મક .પ્રયોગશીલ દિગ્દર્શકો સાથે કામ કરવાનો આગ્રહ રાખ્યો છે.મેં બોલીવુડના મોટાં બેનર્સની ફિલ્મોમાં અને સ્ટાર્સ સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો હોત તો મારી કારકિીર્દીનું ચિત્ર જ જુદું હોત. પણ ના, મેં આવો કોઇ જ પ્રયાસ નથી કર્યો.
મને સતત નવા વિચાર ગમે છે. એમ કહો કે મને સાહિત્ય વાંચન --લેખનનો ભરપૂર શોખ રહ્યો હોવાથી હું ફિલ્મના કથાવસ્તુને અને તેના સામાજિક સંદેશાને બહુ સરળ અને સરસ રીતે સમજી શકું છું. એટલે જ તો હું મારી ફિલ્મની ટીમને મદદરૂપ બનું છું. હું ભારપૂર્વક એમ માનું છું કે હિન્દી ફિલ્મ જગતમાં એકબીજાંને સહાયરૂપ થવું જોઇએ. જોકે બોલીવુડમાં આવું બહુ ઓછું બને છે. મારી વાત કરું તો હું મારા અંગત વર્તુળમાંથી મજેદાર, વિચારશીલ,અર્થપૂર્ણ કથા કે વાર્તા લાવું છું.મારાં મિત્ર વર્તુળમાં રજૂ કરું છંમ અને હા, તેઓ તે વાર્તાના આધારે સરસમજાની ફિલ્મ પણ બનાવે છે. ખરું કહું તો હું આવું બધું કાંઇ સમજી -વિચારીને નથી કરતી. આવું હોત તો હું બોલીવુડનાં મોટાં અને જાણીતાં બેનર્સ સાથે કામ કરતી હોત. પણ ના.
હિન્દી ફિલ્મ જગતનાં કલાકારોના અમીરી શોખ અને વૈભવી જીવન વિશે તો ઘણું ઘણું લખાયું- છપાયું છે. ભવ્ય બંગલો, આધુનિક ટેકનોલોજીની સુવિધાજનક મોટર, આકર્ષક વસ્ત્રો, કિંમતી ઘડિયાળ વગેરે વગેરે.
જોકે ખુદ નુશને ફૂટવેરનો જબરો શોખ છે. તેના કલેક્શનમાં જાતજાતનાં ફૂટવેર્સ છે. ફોડ પાડીને કહીએ તો નુશને જાતજાતનાં ચપ્પલ,સેન્ડલ્સ,બૂટ્સ,હીલ્સ, ક્રોક્સ(મહિલાઓનાં બૂટ્સ,ચપ્પલ્સને ક્રોક્સ કહેવાય છે) પહેરવાનો શોખ છે. હજી થોડા સમય પહેલાં જ નુસરતે તેના ઘરની અલમારી સાફ કરી ત્યાર તેને તેનાં ચપ્પલ્સ, બૂટ્સ,સેન્ડલ્સ વગેરેનું મોટું કલેક્શન મળ્યું છે.આટલાં બધાં ચપ્પલ્સ,બૂટ્સ જોઇને ખુદ નુસરતને આશ્ચર્ય થયું હતું. એ તો જેવા જેના શોખ, ખરું?