નુસરત ભરુચા : કલાકારો કરતાં કોન્ટેન્ટનું સ્થાન ઊંચું
- જો તમારી ફિલ્મની પટકથા ઉત્તમ હશે તો દર્શકો આપોઆપ સિનેમાઘરો સુધી દોડી આવશે. તેને માટે ફિલ્મ સર્જકોને ઝાઝી મહેનત કરવાની જરૂર નહીં પડે.
'પ્યા ર કા પંચનામા', 'સોનુ કે ટિટૂ કી સ્વીટી', 'ડ્રીમ ગર્લ', 'જનહિત મેં જારી' જેવી ફિલ્મો આપનાર અભિનેત્રી નુસરત ભરુચાની વધુ એક મૂવી 'છત્રપતિ' થોડા સમય પહેલા રજૂ થઈ. દર્શકો-વિશ્લેષકોએ નુસરતને આ સિનેમામાં પણ પસંદ કરી. સ્વાભાવિક રીતે જ નુસરત બહુ ખુશ છે. તે કહે છે કે દર્શકોને સારી પટકથા આપો તો તેઓ આપમેળે સિનેમાઘર સુધી દોડી આવે. પછી તે રીમેક હોય કે ઓરિજિનલ.
રીમેકની વાત ચાલી રહી છે ત્યારે આ ટ્રેન્ડ બાબતે નુસરત કહે છે કે બૉલીવૂડમાં રીમેક બનાવવાની પ્રથા નવી નથી. 'ડૉન' આ પરંપરાની ગવાહી પૂરે છે. શાહરુખ ખાને અમિતાભ બચ્ચને ફૉલો કર્યો અને હવે 'ડૉન-૩' પણ બનવાની છે. તેવી જ રીતે દક્ષિણ ભારતની સંખ્યાબંધ ફિલ્મોને નવેસરથી હિન્દીમાં બનાવવાનો રિવાજ પણ દશકો પુરાણો છે. મારા મતે આપણા ફિલ્મ સર્જકોને એવું લાગે છે કે રીમેક્સ સાથે દર્શકો જલદી જોડાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતની ફિલ્મોની રીમેક હિન્દી ફિલ્મોના દર્શકો વધુ પસંદ કરે છે. તેમની આ માન્યતામાં તથ્ય હોવા છતાં આજની તારીખમાં આ ધારણા કામ નથી કરી રહી. વાસ્તવમાં હિન્દી ફિલ્મો જોતો મોટો દર્શકવર્ગ દક્ષિણ ભારતમાં વસે છે. તેઓ સાઉથની મૂવીઝ પણ જૂએ છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ ફિલ્મ સર્જક સાઉથની નવી ફિલ્મને નવેસરથી હિન્દીમાં બનાવે ત્યારે તેમને તે જોવામાં રસ નથી પડતો, પરંતુ જો ફિલ્મ સર્જકો દક્ષિણ ભારતની પુરાણી મૂવીની રીમેક બનાવે તો દર્શકોને તે જોવાની ઇચ્છા થાય. તે 'છત્રપતિ'નું ઉદાહરણ આપતાં કહે છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગે આ મૂવી ૧૮ વર્ષ પહેલા બનાવી હતી. આટલા લાંબા વર્ષો પછી દર્શકોને તે જોવાની મઝા આવી. તેમને તેનું કન્ટેન્ટ જ નવું લાગ્યું. અદાકારા વધુમાં કહે છે કે કોરોના કાળ પછી પણ દર્શકોનો હિન્દી ફિલ્મો પ્રત્યેનો અભિગમ બદલાયો છે. કોરોના કાળમાં લૉકડાઉન દરમિયાન તેમણે દુનિયાભરની ફિલ્મો સબટાઈટલ સાથે જોઈ લીધી હતી. આવી સ્થિતિમાં તેઓ કોઈપણ હિન્દી ફિલ્મની તુલના અન્ય ફિલ્મો સાથે કરે ત્યારે તેમાં રહેલી ત્રૂટિઓ તુરંત ઝડપી લે. આ પરિસ્થિતિ ટાળવાનો એકમાત્ર ઈલાજ છે શ્રેષ્ઠ કન્ટેટ. જો તમારી ફિલ્મની પટકથા ઉત્તમ હશે તો દર્શકો આપોઆપ સિનેમાઘરો સુધી દોડી આવશે. તેને માટે ફિલ્મ સર્જકોને ઝાઝી મહેનત કરવાની જરૂર નહીં પડે.
આ બાબતે નુસરત પોતાની જ મૂવી 'પ્યાર કા પંચનામા'નું ઉદાહરણ આપતાં કહે છે કે આ ફિલ્મ આવી ત્યારે અમને કોઈ નહોતું ઓળખતું. આમ છતાં આ મૂવી ખૂબ પસંદ કરવામાં આવી. આ બાબત જ પુરવાર કરે છે કે ફિલ્મમાં સ્ટાર કલાકારો ન હોય, પણ તેની કહાણી સારી હોય તો દર્શકો તેને બહોળો પ્રતિસાદ આપે છે. મને એમ લાગે છે કે જો દર્શકો સારી ફિલ્મોને ઝાઝો પ્રતિસાદ ન આપે તો ફિલ્મ સર્જકો છાપેલા કાટલા જેવી ફિલ્મો જ બનાવશે. હા, ઢંગધડા વિનાની મૂવીઝ દર્શકોએ નકારી દેવી જોઈએ જેથી ફિલ્મ સર્જકો ફરીથી એવા સિનેમા બનાવે જ નહીં.
એમ કહેવાય છે કે અભિનેત્રીએ તેના દક્ષિણ ભારતીય સહકલાકારને હિન્દીમાં સંવાદો બોલતા શીખવ્યું હતું. જો કે નુસરત આનો યશ લેવા નથી માગતી. તે કહે છે કે શ્રીનિવાસ બહુ મહેનતુ છે. તે પોતે જ સંવાદો સારી રીતે ગોખી આવતો. હા, તેના સંવાદોમાં દક્ષિણ ભારતીય છાંટ ચોક્કસ વરતાતી. જો કે શ્રીનિવાસ મહિલાઓ સાથે બહુ ઓછી વાતો કરે છે. સેટ પર અમે મજાકમસ્તી કરતાં ત્યારે હું તેને તેના વિશે સમજાવતી. આમ છતાં તે સ્ત્રીઓ સાથે ભાગ્યે જ વાત કરતો. ફિલ્મમાં પણ તેનો રોલ આવો જ છે. જ્યારે હું મુંબઈમાં જન્મીને અહીં જ ઉછરી છું. આમ છતાં હું ઉત્તર ભારતીયો જેવું હિન્દી બોલી શકું છું.