અબ કોઇ ગુલશન ન ઊજડે... અબ વતન આઝાદ હૈ
- સાહિર, સુનીલ દત્ત અને જયદેવ ચર્ચા કરતા હતા ત્યારે સાહિરે અન્ય ગીતોની સાથે 'અબ કોઈ ગુલશન...' ગીત સંભળાવેલું. સુનીલ દત્ત વિચારમાં પડી ગયાઃ કથામાં આ ગીત મૂકવું ક્યાં?
દે શ આઝાદ થયાના પહેલા દાયકામાં એક સરસ સામાજિક આંદોલન શરૂ થયેલું. રાજરજવાડા કે માથાભારે જમીનદારોના અત્યાચારથી આખા સમાજ સામે બહારવટે ચડેલા ડાકુઓને સમજાવીને આત્મસમર્પણ કરાવવાનું એ આંદોલન હતું. લોકનાયક જયપ્રકાશે એ શરૂ કરાવ્યું હતું. આ આંદોલન વિશે કેટલીક હિન્દી ફિલ્મો પણ બની હતી. એમાંય ત્રણેક ફિલ્મો તો ધરખમ હતી. રાજ કપૂરની 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ', દિલીપ કુમારની 'ગંગા જમના' અને સુનીલ દત્તની 'મુઝે જીને દો'... 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'માં જયપ્રકાશજીનું નામ લીધા વિના ડાકુઓને સમજાવતા સામાજિક કાર્યકરનો રોલ રાજ કપૂરે પોતે કરેલો. 'મુઝે જીને દો'માં પત્નીના પ્રેમ અને સંતાનના ભાવિને નજર સામે રાખીને ડાકુ પોતે સમર્પણ કરે છે એવો રોલ સુનીલ દત્તે કરેલો. એની ફિલ્મ 'મધર ઇન્ડિયા'નો ડાકુ બની જતા બિરજુનો રોલ હજુ તાજો હતો. રાજ કપૂર સાથે એની જાદુઇ ટીમ જેવા શંકર-જયકિસન હતા, દિલીપકુમાર સાથે નૌશાદ હતા. સુનીલ દત્તે જયદેવને પસંદ કર્યા હતા. જયદેવે ફિલ્મને અનુરૂપ સંગીત પીરસ્યું એમ કહીએ તો જયદેવને હળાહળ અન્યાય થશે. આ લેખમાં અત્યારે ફિલ્મનાં માત્ર ચાર ગીતોની વાત ખાસ કરવી છે. ધ્યાન આપજો, ફિલ્મોમાં રહસ્ય બે ત્રણ રીતે રજૂ થઇ શકે. ફોટોગ્રાફી અને લાઇટિંગ દ્વારા, કથામાં વળાંક દ્વારા જેમ કે ખરો ખૂની કોણ હશે? અને ત્રીજું, સંગીત દ્વારા જેમ કે 'કહીં દીપ જલે કહીં દિલ' (ફિલ્મ 'બીસ સાલ બાદ', સંગીત હેમંત કુમાર). આ ફિલ્મમાં કેમેરા અને લાઇટિંગ ઉપરાંત જયદેવે સંગીત દ્વારા જે રહસ્ય સર્જ્યુ છે એ કાબિલ-એ-દાદ છે.
એક લગ્ન પ્રસંગે મુજરો ગાવા આવેલી તવાયફ ચમેલી લતાજીના કંઠે છેડે છે- 'રાત ભી હૈ કુછ ભીગી ભીગી, ચાંદ ભી કુછ મદ્ધમ મદ્ધમ...' ગીતની તર્જ રાગ ધાનીમાં બાંધી છે અને રહસ્યને ઘેરું કરવા માટે છ માત્રાનો દાદરો પસંદ કર્યો છે. આ તાલ પાછો કોરસના 'છમ છમાછમ છમ છમાછમ'માં દુગુન એટલે કે બેવડી ગતિનો થઇ જાય છે. રાગ ધાની પણ અદભુત રહસ્ય સર્જી શકે એ જયદેવે પુરવાર કર્યું. અગાઉ આપણને સંગીતકાર સ્નેહલ ભાટકરે એક ચિરંજીવ ગીત આ રાગમાં આપ્યું છે- 'કભી તનહાઇયોં મેં ભી હમારી યાદ આયેગી...' જયદેવ પોતે આ રાગમાં એક સરસ ભક્તિગીત અગાઉ ફિલ્મ 'કાલા બાઝાર'માં આપી ચૂક્યા છે એ તમને યાદ હશે - 'પ્રભુ તેરો નામ, જો ધ્યાવે ફલ પાવે સુખ લાવે તેરો નામ...'
જયદેવે ચંબલની કોતરોની આસપાસનાં ગામડાંઓમાં લગ્ન પ્રસંગે સાંભળવા મળે એવાં વાદ્યો આ ગીતમાં પસંદ કર્યાં છે. ક્લેરીનેટ, સારંગી, બેકગ્રાઉન્ડમાં શરણાઇ વગેરે. મુજરો છે એટલે ઘુંઘરું તો હોય જ. ગીતના શબ્દોમાં એવો જ રહસ્યનો અણસાર સાહિરે આપ્યો છે. 'કિસ કો બતાયેં, કૈસે બતાયેં આજ ગજબ હૈ દિલ કા આલમ, ચૈન ભી હૈ કુછ હલકા હલકા, દર્દ ભી હૈ કુછ મદ્ધમ મદ્ધમ...' આ ગીત ક્યારેક વદ પક્ષની અંધારી રાત્રે એકાગ્રતાથી સાંભળજો, તમને રહસ્યનો અહેસાસ થયા વિના નહીં રહે.
અન્ય જે ગીત આ લેખકને ખૂબ ગમે છે એ ખરેખર તો ટાઇટલ ગીત છે. સાહિર, સુનીલ દત્ત અને જયદેવ જ્યારે સંગીતની બેઠક યોજીને ચર્ચા કરતા હતા ત્યારે સાહિરે અન્ય ગીતો સાથે આ ગીત સંભળાવેલું. થોડીવાર માટે સુનીલ દત્ત વિચારમાં પડી ગયેલા કે કથામાં આ ગીત મૂકવું ક્યાં? ગીતના શબ્દો દેશની આઝાદીને બિરદાવતા હતા. એમાં બંને મુખ્ય કોમ હિન્દુ અને મુસ્લિમના ભાઇચારાને પણ બિરદાવાયો હતો. તમે થોડા શબ્દો વાંચશો એટલે ખ્યાલ આવશે. 'અબ કોઇ ગુલશન ન ઊજડે અબ વતન આઝાદ હૈ, રૂહ ગંગા કી હિમાલા કા બદન આઝાદ હૈ...' પછીના એક અંતરામાં લખ્યું, 'મંદિરોં મેં ઘંટ બાજે, મસ્જિદોં મેં હો અઝાં, શેખ કા ધર્મ ઔર દીન-એ-બરહમન આઝાદ હૈ...'
એક મ્યુઝિક એરેંજરના કહેવા મુજબ આ ગીતને ટાઇટલ તરીકે વાપરવાનું સૂચન જયદેવજીએ કરેલું. સાહિર અને સુનીલ દત્ત બંનેને એ સૂચન ગળે ઊતર્યું એટલે આપણને આ યાદગાર ગીત મળ્યું.
પછી બની તર્જ. સાંભળતાંવેંત જુસ્સો પ્રગટે, રોમાંચ થાય, રૃંવાડાં ખડાં થઇ જાય એવી તર્જ જયદેવે તૈયાર કરી. પ્રદીપજીના 'અય મેરે વતન કે લોગોં'ના ઉપાડમાં જે રીતે શરૂમાં કોઇ તાલ વિના લતાજી મુખડું ઉપાડે છે એમ અહીં મુહમ્મદ રફી ગીતનો ઉપાડ તાલ વિના કરે છે. થોડુંક કી બોર્ડ કે હાર્મોનિયમ વગાડી શકતા હો તો કલ્પના કરો- મધ્ય સપ્તકના સા (ષડ્જ)થી 'અબ કોઇ' શબ્દો ઉપડે છે અને સડસડાટ તીર વેગે 'ઊજડે' શબ્દ તાર સપ્તકના ગંધાર સુધી પહોંચી જાય છે. એ પછી ગાયક ટચૂકડો વિરામ લે છે અને બ્યૂગલ, ટ્રમ્પેટ વગેરે જુસ્સાપ્રેરક વાદ્યો જાણે જંગમાં જવાની પ્રેરણા આપતાં હોય એવી સૂરાવલી છેડે છે... ધીમે ધીમે એ સૂરાવલિ અવરોહમાં ઊતરે છે અને ફરી મધ્ય સપ્તકના 'સા' પર આવીને અટકે છે. પછી મુહમ્મદ રફી તાલ સાથે ગીત છેડે છે. આ ગીત સાંભળીને નરગિસની આંખો ભીની થઇ હતી એમ સાંભળેલું.
ડાકુઓના આત્મસમર્પણની આ ત્રણે ફિલ્મો સરસ ચાલી હતી. ધીકતો ધંધો કર્યો હતો. જિસ દેશ મેં ગંગા બહતી હૈ અને ગંગા જમના રંગીન ફિલ્મ હતી જ્યારે મુઝે જીને દો શ્વેતશ્યામ હતી છતાં સુપરહિટ નીવડી હતી. એ એની વિશેષતા હતી. બાકીનાં બે ગીતોની વાત આવતા શુક્રવારે....