હવે હું પણ સિંઘમ!: કાજોલ .

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
હવે હું પણ સિંઘમ!: કાજોલ                               . 1 - image


- 'દો પત્તી' નામની એક આગામી ફિલ્મમાં કાજોલ લેડી પોલીસ ઓફિસર બની છે. ત્રણ દાયકાની કરીઅરમાં કાજોલે અગાઉ ક્યારેય ખાખી વર્દી પહેરી નથી!

એ ક જમાનાની ટોમબોય અને પછી પાકી ગૃહિણી-કમ-પ્રોફેશનલ એક્ટ્રેસ બની ગયેલી કાજોલ બીજા બધા મામલામાં પતિ અજય દેવગણનાં પગલે ચાલે છે કે નહીં તે આપણે જાણતા નથી, પણ એક બાબતમાં એ ચોક્કસપણે પતિદેવને અનુસરી છે. એ છે, અજય દેવગણે જેમ  બાજીરાવ સિંઘમ નામના જાંબાઝ પોલીસ ઓફિસરની ભૂમિકા એકાધિક વાર ભજવી છે, તેમ કાજોલે પણ એક આગામી ફિલ્મમાં લેડી પોલીસ ઓફિસરનો રોલ સ્વીકાર્યો છે. ફિલ્મનું ટાઇટલ છે, 'દો પત્તી'. આ ફિલ્મમાં કાજોલની સાથે શાહીર શેખ અને કૃતિ સેનન પણ છે. 

ફિલ્મ રાઇટર કનિકા ધિલ્લોનની નિર્માત્રી તરીકેની આ પહેલી ફિલ્મ છે. 'દો પત્તી'માં કૃતિ એક ગુનેગાર બની છે, જેને ઝડપવા માટે પોલીસ ઓફિસર તરીકે કાજોલ હિમાચલ પ્રદેશ અને મુંબઇમાં તેેનો પીછો કરે છે. શશાંક ચતુર્વેદી ફિલ્મના ડિરેક્ટર છે. કનિકા ધિલ્લોન મજબૂત મહિલા પાત્રોનું આલેખન કરવામાં હથોટી ધરાવે છે. ૨૦૧૮માં આવેલી 'મનમર્જિયાં'માં તેમણે રૂમી અને ૨૦૨૧માં આવેલી 'હસીન દિલરૂબા'માં રાનીનું પાત્ર સજ્યું હતું. આ બંને સ્ત્રીપાત્રો કડક મિજાજનાં અને પોતાનું ધાર્યું કરનારાં હતાં. કાજોલ વર્દી ધારણ કરીને શું શું નહીં કરે એ જ સવાલ છે! 

કાજોલને તેની ત્રણ દાયકાની કારકિર્દીમાં ક્યારેય પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવવાની તક મળી નથી. પતિ અજય દેવગણને બાજીરાવ સિંઘમ તરીકે પોલીસ અધિકારીની ભૂમિકા એવી ફળી છે કે ઇફ્તેખાર અને જગદીશ રાજ બાદ મુંબઇના ફિલ્મી પોલીસ ઓફિસર તરીકે લોકોને સૌથી પહેલું સિંઘમનું નામ જ યાદ આવે છે. લોકોે અજય દેવગણને પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા ટેવાઇ ગયા છે. હવે દર્શકોને શ્રીમતી દેવગણ પણ પોલીસ યુનિફોર્મમાં જોવા મળશે. અજય આગામી 'સિંઘમ અગેઇન'માં, દેખીતી રીતે જ, પોતાનું ફેવરિટ કેરેક્ટર બાજીરાવ સિંઘમ ફરી એક વાર ભજવશે. 

'દો પત્તી' ફિલ્મનું શૂટિંગ ત્રણ તબકકામાં થવાનું છે. પ્રથમ શેડયુલ મુંબઈમાં થયું. તે પછી ઉત્તરાખંડમાં આ ફિલ્મના બીજા શેડયુલનું શૂટિંગ થયું. ત્રીજું શેડયુલ હાલ મુંબઈમાં ચાલી રહ્યું છે. આ નેટફ્લિક્સની ફિલ્મ છે. આનો અર્થ એ થયો કે નેટફ્લિક્સ સાથે કાજોલનો આ ત્રીજો પ્રોજેક્ટ છે. પ્રથમ ૨૦૨૧માં 'ત્રિભંગ' અને એ પછી આ વરસે જુલાઇમાં કાજોલે 'લસ્ટ સ્ટોરીઝ - ટુ' કરી હતી. જ્યારથી 'દો પત્તી'ની ઘોષણા થઈ છે ત્યારથી કાજોલના ચાહકો એને વર્દીમાં જોવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. 

ફિલ્મ ઉદ્યોગમાં ત્રણ દાયકા વીત્યા છતાં પોતાનું સ્ટાર સ્ટેટસ જાળવી રાખનારી કાજોલ 'લસ્ટ સ્ટોરીઝ-ટુ'ના અનુભવ બાબતે  કહે છે, 'એક જમાનામાં સેક્સ એ આપણી સંસ્કૃતિનો સહજ હિસ્સો હતો. એ આપણા જીવનનો કુદરતી હિસ્સો છે જ. પછી એક સમય એવો આવ્યો કે આપણે સેક્સ વિશે વાત કરવાનું સદંતર બંધ કરી દીધું. એ જાણે કે પ્રતિબંધિત વિષય બની ગયો... પણ જો તમે આજની પેઢીને પૂછશો તે તેઓ તરત કહેશે: સેક્સ તો નેચરલ વસ્તુ છે, એની ચર્ચા કરવામાં શરમ શાની? સેક્સ એ જીવનનો હિસ્સો છે, પણ જીવન એ માત્ર સેક્સ નથી. ફિલ્મો હંમેશા સમકાલીન સમાજનું પ્રતિબિંબ પાડે છે. ઓટીટી પર 'લસ્ટ સ્ટોરીઝ' જોવાય છે તેનું કારણ એ છે કે તેના માટે આજે ઓડિયન્સ છે. લોકોને આ પ્રકારની વાર્તાઓ જોવા-સાંભળવામાં રસ છે.'

એ બધું બરાબર છે, પણ ઓડિયન્સને કાજોલનું નવું રૂપ જોવામાં બહુ મોજ પડવાની છે એ તો નક્કી. જો બધું સમુસૂતરું પાર પડે તો રોહિત શેટ્ટી જે 'પોલીસ યુનિવર્સ' બનાવી રહ્યા છે, તેમાં દીપિકા પદુકોણ પણ મહિલા પોલીસ અધિકારી તરીકે જોડાશે. નેટફ્લિક્સની ફિલ્મને બદલે કાજોલ રોહિત શેટ્ટીની દુનિયાનો જ ભાગ બની હોત તો વાત વધારે જામત, નહીં? 


Google NewsGoogle News