નોરા ફતેહી : પાપારાઝી સેલિબ્રિટીના અંગો પર શા માટે ફોકસ કરે છે?
- પ્લાસ્ટિક સર્જરી વિશેની અફવાઓએ નોરા ફતેહીને પરેશાન કરી નાખી હતી. અનેક પત્રકારોએ એવી અટકળ કરી હતી કે નોરાએ પોતાનો દેખાવ સુધારવા કોસ્મેટિક સર્જરી કરાવી છે.
સતત ચકાસણી વચ્ચે અને કેમેરાની લેન્સ હેઠળ જાહેર જનતાની નજરોમાં જિંદગી વિતાવવાને કારણે સેલિબ્રિટીઓ સામે અનેક પડકારો ઊભા થતા હોય છે. સતત આસપા છવાયેલું રહેતું પાપારાઝી કલ્ચર સેલિબ્રિટીઓના આ સંઘર્ષને વધુ વિકટ બનાવે છે. જાહેર જીવન જીવતા આ સ્ટાર તેમની ગોપનીયતાનું રક્ષણ પણ નથી કરી શકતા. આ બાબત ખાસ કરીને મહિલા સેલિબ્રિટીઓને વધુ લાગુ પડે છે. તાજેતરમાં બોલિવુડના સિતારાઓની તમામ ગતિવિધિને પાપારાઝી કવર કરતા હોય છે. ક્યારેક આવા પત્રકરારો તેમની અંગત તસવીરો અને વીડિયો મેળવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા હોય છે.
બોલિવુડમાં મહત્વના સ્થાને પોતાની આવડત અને પરિશ્રમથી પહોંચેલી નોરા ફતેહી પાપારાઝીના લક્ષ્ય અને ઓનલાઈન ટ્રોલિંગનો ઘણીવાર ભોગ બની છે. તાજેતરમાં જ તેણે મીડિયા અને પાપારાઝી દ્વારા મહિલા સેલિબ્રિટીઓના શરીર પર બિનજરૂરી ફોકસ કરનારા પત્રકારો સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા. પોતાના અને અન્ય મહિલા કલાકારોના અંગત જીવનમાં દખલ કરનારા અને અભદ્ર ચિત્રણ કરનારા વર્તન બાબતે અસ્વસ્થતા વ્યક્ત કરી હતી. નોરા ફતેહીના અનુભવો વ્યાપક સામાજિક વલણને ઉજાગર કરે છે જેમાં મહિલા સેલિબ્રિટીઓના શરીરના અંગો પર મીડિયા દ્વારા વધુ પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ ગંભીર મુદ્દાને નિખાલસતાથી ઉપસ્થિત કરીને નોરા ફતેહીએ એવા બનાવો ટાંક્યા હતા જ્યારે મીડિયા કવરેજ દરમ્યાન તેના શરીર, ખાસ કરીને નિતંબ પર ફોકસ કરવામાં આવ્યું હતું. નોહાએ આ વ્યવહારમાં ભેદભાવ થતો હોવાનું જણાવીને બિનજરૂરી રીતે શારીરિક અંગો પર કેમેરા સ્થિત કરવાના ઉદ્દેશ્ય સામે સવાલ ઊભા કર્યા હતા.
દિલબર, કુસુ-કુસુ, કમરિયા, ઓ સાકી-સાકી અને જેડા નશા જેવા ગીતોમાં પોતાના ધમાકેદાર નૃત્ય પ્રદર્શનથી લોકપ્રિય થયેલી નોરા પોતાની ગ્લેમરસ છબિ માટે જાણીતી બની છે. નોરા સ્વતંત્ર મિજાજ ધરાવતી આત્મવિશ્વાસથી ભરપૂર અભિનેત્રી છે. તે પોતાની મરજી મુજબ જ ચાલે છે.
પાપારાઝી કલ્ચરના વ્યાપક મુદ્દાને સંબોધતા નોરા ફતેહીએ સેલિબ્રિટીની ગોપનીયતાનો અનાદર કરીને સનસનાટીભર્યા ફોટા ઝડપવાની પત્રકારોની દખલગીરી કરનારા પ્રવૃત્તિની ઝાટકણી કાઢી હતી. નોરાએ આવા કૃત્યો પાછળના હેતુ સામે જ સવાલ ઉઠાવ્યા હતા, જો કે તેણે કબૂલ કર્યું કે દખલગીરીના આવા તમામ બનાવોનો સામનો કરવો અશક્ય છે. આમ છતાં નોરા ફતેહી પોતાનો આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા જાળવી રાખવા પ્રતિબદ્ધ છે અને બાહ્ય ચુકાદા દ્વારા વિચલીત થવા નથી માગતી.
નોરા ફતેહીનો અભિગમ મૃણાલ ઠાકુર અને પાલક તિવારી જેવી અન્ય સેલિબ્રિટીઓના મંતવ્યોનો પડઘો પાડે છે જેમણે પણ પાપારાઝી દ્વારા મહિલા કલાકારોના શરીરના અંગો પ્રત્યે બિનજરૂરી ધ્યાન કેન્દ્રિત કરવાના વલણને ધિક્કાર્યું હતું. તેમનો આ સંયુક્ત અવાજ મનોરંજન ઉદ્યોગમાં પ્રવર્તી રહેલા આ મુદ્દાના તાત્કાલિક સમાધાનની જરૂર પ્રત્યે આંગળી ચીંધે છે.
હાલમાં જ એક એવોર્ડ દરમ્યાન કેટલાક મીડિયાકર્મીઓએ મૃણાલ ઠાકુરનો પાછળથી ફોટો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મનાઈ કરી દીધી હતી. ઉપરાંત પલક તિવારી સહિત અન્ય અભિનેત્રીઓએ પણ પાપારાઝી પત્રકારોની દ્વારા તેમના શરીર પર બિનજરૂરી ફોકસ કરવા બદલ ઝાટકણી કાઢી હતી.
હાલમાં જ તેના માટે ફેલાયેલી પ્લાસ્ટિક સર્જરી વિશેની અફવાઓએ પણ નોરા ફતેહીને પરેશાન કરી હતી. અનેક પત્રકારોએ એવી અટકળ કરી હતી કે નોરા ફતેહીએ પોતાનો દેખાવ સુધારવા કોસ્મેટિક પ્રક્રિયા કરાવી હતી. જો કે નોરાએ સ્પષ્ટપણે આ દાવા નકારી દીધા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને પોતાના કુદરતી દેખાવ પર ગર્વ છે. પોતાના શારીરિક દેખાવ બાબતે સતત ટિપ્પણીઓ થતી હોવા છતાં નોરા ફતેહીએ પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો અને બાહ્ય મંતવ્યોને પોતાનું અવમૂલ્યન કરવા ન દીધા.
શારીરિક અંગો પર બિનજરૂરી ફોકસ કરવાના મુદ્દા ઉપરાંત નોરા ફતેહીએ તેની ગ્લેમરસ ઈમેજને કારણે માત્ર શોભાના પૂતળા સમાન રોલ ઓફર કરાતા હોવા બાબતે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આવી પૂર્વધારણાનો સામનો કરતા પણ નોરા પોતાની પ્રતિભા, કાર્ય નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની સફર આગળ ધપાવવા માગે છે.