ના, હું 'કર્મા કૉલિંગ'ના પાત્ર જેવી જરાય નથી : રવીના ટંડન
- 'ઇન્દ્રાણીનો રોલ કરતી વખતે મારી સારી બાજુ ક્યાંય દેખાઈ ન જાય એ માટે મારે સતત સાવધ રહેવું પડયું હતું. વરસોથી હું વર્સેટાઈલ રોલ્સ કરતી આવી છું, પણ આવું કરેક્ટર પાત્ર મેં કદી ભજવ્યું નથી.'
પચાસની વય વટાવ્યા પછી પણ આજે અભિનેત્રીઓ ડિમાન્ડમાં છે. ડિરેક્ટરો એમને સ્ટ્રોંગ લીડ રોલ આપતા અચકાતા નથી. સુસ્મિતા સેન અને રવીના ટંડન એના ઉત્તમ ઉદાહરણ છે. સુસ્મિતાના શાનદાર અભિનયને કારણે જ વેબ શો 'આર્યા'ની ત્રણ સિઝન હિટ થઈ અને હવે ચોથી સિઝનની તૈયારી ચાલી રહી છે, જ્યારે રવીનાનો રહસ્ય, થ્રિલ અને ડ્રામાનો ભરપૂર ડોઝ ધરાવતી વેબ સિરીઝ 'કર્મા કૉલિંગ' પ્રજાસત્તાક દિનથી ઓટીટી પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. 'કર્મા કૉલિંગ' મૂળ યુએસની સિરીઝ 'રિવેન્જ' પર આધારિત છે, જેનું પ્રસારણ ૨૦૧૧-૨૦૧૫ દરમિયાન થયું હતું.
'કર્મા કૉલિંગ'ના મેકર્સે મુંબઈમાં વેબ શૉનું ટ્રેલર લોન્ચિંગ રાખ્યું હતું, જેમાં સિરીઝની ડિરેક્ટર રુચિ નારાયણ ઉપરાંત આખી કાસ્ટ હાજર હતી. શોમાં નમ્રતા શેઠ, વરુણ સૂદ, ગૌરવ શર્મા, વાલુસ્ચા ડિ'સોઝા, વિરાફ પટેલ, અમી ઓલા અને પીયૂષ ખાટી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ટ્રેલરમાં રવીના સાવ જુદા જ અવતારમાં દેખાય છે. રવીના અલીબાગ પર રાજ કરતી ક્વીન ઇન્દ્રાણી કોઠારીના રોલમાં છે, જેની ટક્કર કર્મા તલવાર (નમ્રતા શેઠ) સાથે થાય છે. અલીબાગની ભદ્ર સોસાયટીમાં કર્માની એન્ટ્રી થયા બાદ ઘણા બ૦૦ાં અણધાર્યાં સત્યો બહાર આવે છે.
ટ્રેલર લોંચિંગ દરમિયાન ૩૩ વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી રવીનાએ પહેલા જ ધડાકે મીડિયા સમક્ષ એવો ખુલાસો કરી દીધો કે શમાં ઇન્દ્રાણીનું મારું પાત્ર હું રિયલ લાઇફમાં જેવી છું એનાથી સાવ અલગ છે. 'ઇટ વૉઝ રિયલી ડિફિકલ્ટ ટુ પ્લે. કેમેરા સામે ઇન્દ્રાણીનો રોલ કરતી વખતે મારી સારી બાજુ ક્યાંય દેખાઈ ન જાય એ માટે મારે સતત સાવધ રહેવું પડયું હતું. વરસોથી હું વર્સેટાઈલ રોલ્સ કરતી આવી છું, પણ આવું કરેક્ટર પાત્ર મેં કદી ભજવ્યું નથી. તમે નહીં માનો પણ હું દરેક શોટ આપ્યા બાદ ડિરેક્ટર રુચિ સામે જોઈ લેતી. મારો ઉદ્દેશ સંપૂર્ણપણે એના વિઝનને અનુસરવાનો હતો. દરેક એપિસોડમાં મારા પાત્ર વિશેની ઘણીબધી વાતો બહાર આવશે. દર્શકો એ જોઈને વિચારમાં પડી જશે કે ઇન્દ્રાણી એક સારી સ્ત્રી છે કે ખરાબ? એટલે એ બેલેન્સ જાળવવું ખરેખર ટફ હતું,' એવી કેફિયત અનુભવતી ઍક્ટર આપે છે.
'કર્મા કૉલિંગ'માં વરુણ સુદ ઇન્દ્રાણીના પુત્રના રોલમાં છે. 'હું આ પાત્ર ભજવવા બહુ ઉત્સાહિત હતો કારણ કે મારા કેરેક્ટર અહાન અને મારી વચ્ચે ઘણું સામ્ય છે. મારા સદ્નસીબે રુચિ મેડમને પણ એ સમાનતા નજરે પડી અને મને આવી સરસ સિરીઝનો ભાગ બનવાની તક મળી,' એમ વરુણ કહે છે. જ્યારે નમ્રતા શેઠ એનાથી જુદી જ વાત કરતાં જણાવે છે, 'તમે શો જોશો પછી જ સમજાશે કે એમાં મારા કેરેક્ટર કર્માનું કેટલું મહત્ત્વ છે. હું લાંબા સમયથી જે રોલ કરવા ઝંખતી હતી એ મને આ શોમાં કરવા મળ્યો છે. રવીના મેડમ સાથે કામ કરવું મારું એક ડ્રીમ રહ્યું છે અને એ માટે આથી વધુ સારી તક બીજી કઈ હોઈ શકે!'
ડિરેક્ટર રુચિ નારાયણે મીડિયા સાથેના સંવાદનું સમાપન કરતા કહ્યું, 'આ શોને સાકાર કરતા મને ૧૦ વરસ લાગી ગયાં. ઈટ હેઝ બીન અ લોન્ગ જર્ની, પરંતુ દરેક વાતનો એક નિશ્ચિત સમય હોય છે. પહેલેથી મેં રવીના સાથે જ આ શો બનાવવાનુ વિચાર્યું હતું અને હવે એમાં વન્ડરફુલ કાસ્ટ ઉમેરાઈ છે એટલે શોને લઈને હું ખૂબ એકસાઇટેડ છું.'