નિમ્રત કૌર: રાતોરાત મળતી ખ્યાતિ પચાવતાં આવડવી જોઈએ
અભિનેત્રી નિમ્રત કૌરે પોતાની કારકિર્દીનો આરંભ ઇંગ્લિશ ફિલ્મ 'વન નાઇટ વિથ ધ કિંગ'થી કર્યો, પરંતુ તેને ખરી ઓળખ ઇરફાન ખાન સાથેની 'ધ લંચ બોક્સ'થી મળી. અને હવે તે પોતાની ફિલ્મ 'સજની શિંદે કા વાયરલ વિડિયો'ને પગલે ચર્ચામાં છે. વાસ્તવમાં આ મૂવીનો એક ડાયલોગ 'ઔરત કો હર બાર અપને હક કો ક્યોં જસ્ટિફાય કરના પડતા હૈ?' ખાસ્સું લોકપ્રિય બન્યું છે.
જોકે નિમ્રતને મહિલા હોવાના નાતે ક્યારેય કોઈ ખુલાસા નથી કરવા પડયા. તે કહે છે કે હવે સમય બદલાયો છે. એ સમય વિતી ગયો જ્યારે છોકરીઓ સાથે ડગલેને પગલે ભેદભાવ થતો અને તેમને દરેક બાબતે સ્પષ્ટતા કરવી પડતી. હા, આવું હવે બિલકુલ નથી બનતું એમ ન કહી શકાય. પરંતુ મારો ઉછેર કોઈપણ પ્રકારના ભેદભાવ સાથે નથી થયો. મને બચપણથી એ સઘળું કરવાની છૂટ મળી છે જે હું કરવા માગું. અભિનેત્રી વધુમાં કહે છે કે મારી મમ્મીએ વિવાહ પછી સ્ત્રી-પુરૂષ વચ્ચેનો ભેદભાવ જોયો હતો. મારાં માતાપિતાનાં લગ્ન થયા પછી મારા પપ્પાને દૂધ પીવા મળતું, પણ મમ્મીને નહીં. એ સમયમાં છોકરીઓને દૂધ સુધ્ધાં આપવામાં નહોતું આવતું. આવા વખતમાં મારી મમ્મીએ સ્ત્રી-પુરૂષ વચ્ચે થતાં ભેદભાવ બાબતે પ્રશ્નો ખડા કર્યાં હતાં. સ્વાભાવિક રીતે જ મારા ઉછેરમાં આવો કોઈ તફાવત રાખવામાં નહોતો આવ્યો.
જોકે નિમ્રતને આ ફિલ્મનો અન્ય એક ડાયલોગ પણ પ્રિય છે. તે તેના વિશે કહે છે કે 'ઔરત આધાર કાર્ડ નહીં હૈ, જો આપ કહીં ભી ઈસ્તમાલ કરેં' આ વાત પણ કેટલી સાચી છે. માત્ર મહિલા હોવાના નાતે કોઈ પોતાની સુવિધા અનુસાર તમારો ઉપયોગ ન કરી શકે. અને જો કોઈ તમને પોતાની સગવડ મુજબ ઈસ્તમાલ કરે તો તેની સામે અવાજ ઉપાડો. તમારી કિંમત તમારા કામ પરથી થવી જ જોઈએ. તમે છોકરી તરીકે જન્મ્યા હો એટલે બધી વાતે તમારો ભોગ લેવાય એ શી રીતે ચાલે?
જો નિમ્રત એમ માનતી હોય કે સ્ત્રી-પુરૂષ વચ્ચે તફાવત ન હોવો જોઈએ તો બોલિવુડમાં થતાં આવા ભેદભાવ સામે શું તેણે અવાજ ઉઠાવ્યો છે? આના જવાબમાં અદાકારા કહે છે કે ફિલ્મો બનાવવી એ એક બિઝનેસ છે. તેનો મુખ્ય કલાકાર કેટલા દર્શકો ખેંચી લાવી શકે છે એ મહત્વનું છે. જે લોકો ફિલ્મોમાં જંગી રોકાણ કરે છે તે પોતાના નાણાંનું વળતર ઇચ્છે અને સ્વાભાવિક છે. તેથી આવા બિઝનેસમાં જે કલાકાર વધુ કમાણી કરી આપે તેને જ પ્રાથમિકતા મળે એ સહજ છે. આમ છતાં આપણે ત્યાં ઘણી સ્ત્રીપ્રધાન ફિલ્મો બને છે અને તે ખાસ્સી કમાણી પણ કરે છે. ભલે તે મર્યાદિત બજેટમાં કેમ ન બનાવાઈ હોય. અદાકારાની 'સજની શિંદે કા....' ફિલ્મમાં વાયરલ વિડીયોની વાત આવે છે જે આજની તારીખની સચ્ચાઈ છે. સોશિયલ મીડિયા પર જેનો વિડિયો વાયરલ થઈ જાય તે રાતોરાત પ્રખ્યાત બની જાય છે. નિમ્રત આ ટ્રેન્ડને જોખમી માને છે. તે કહે છે કે રાતોરાત ખ્યાતિ મેળવવામાં કાંઈ ખોટું નથી. પરંતુ તમને એ કીર્તિ પચાવતાં આવડવું જોઈએ, કારણ કે એ ખ્યાતિનું આયખું એકદમ ટૂંકુ હોય છે. જો એ લોકપ્રિયતાની રાઈ તમારા મગજમાં ભરાઈ જાય તો તમારો વિકાસ ત્યાં જ રુંધાઈ જાય. બહેતર છે કે એ કીર્તિનો અલ્પ આનંદ માણીને તે ભૂલી જાઓ. અથવા વધુ ખ્યાતિ મેળવવા વધારે મહેનત કરીને આગળ વધો.
મોટાભાગની ખ્યાતનામ હસ્તીઓને સોશિયલ મિડીયા પર ટ્રોલરોનો સામનો કરવો પડે છે. જો તેઓ સંવેદનશીલ હોય તો ટ્રોલરો તેમને આસાનીથી ડિપ્રેશનમાં ધકેલી દે છે. પરંતુ નિમ્રત આ બાબત અત્યંત સાવચેત રહે છે. તે કહે છે કે હું નેટિઝનોની ભદ્રી કમેન્ટ્સ તુરંત ડિલિટ કરી નાખું છું. હું તેમને બિલકુલ દાદ નથી આપતી. વળી મારી મમ્મી પણ ઇન્સ્ટાગ્રામ પર હોવાથી તે મારા વિશે લખાયેલી નકારાત્મક ટીકા વાંચીને દુ:ખી ન થાય તેની કાળજી પણ મને લેવાની હોય છે. આનો સૌથી સારો વિકલ્પ એ જ છે કે હું ટ્રોલરોની કમેન્ટ્સ ડિલિટ કરી નાખું. ન રહે બાંસ ઔર ન બજે બાંસુરી.
મહત્વની વાત એ છે કે નિમ્રત માટે સાશિયલ મિડીયા પર વારંવાર લખાતું રહે છે કે તે લૉસ એંજલસમાં રહે છે. આ બાબતે અભિનેત્રી કહે છે કે આ વાત સાવ ખોટી છે. હું ત્યાં નથી રહેતી. અને મને ત્યાં રહેવાની અબળખા પણ નથી. મને જીવનભર મુંબઈમાં જ રહેવું છે.