નિકિતિન ધીર : રામાયણનો વધુ એક રાવણ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
નિકિતિન ધીર : રામાયણનો વધુ એક રાવણ 1 - image


- 'લોકો ધારી લે છે કે આજની યુવા પેઢીને આપણી પૌરાણિક-સાંસ્કૃતિક કથાઓમાં રસ પડતો નથી, પરંતુ આ માન્યતા પાયાવિહોણી છે. આજના યંગસ્ટર્સ ભારતના ઇતિહાસ પ્રત્યે ભરપૂર રસરૂચિ ધરાવે છે.'  

મ નોરંજન જગતમાં નિકિતિન ધીર નવું નામ નથી. તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ પળભરમાં સામી વ્યક્તિનું ધ્યાન ખેંચતું રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ ટૉલ-હેન્ડસમ કલાકાર વાતચીત કરવામાં અત્યંત નમ્ર છે. દક્ષિણ ભારતીય ફિલ્મો તેમ જ બોલિવુડમાં કામ કરનાર નિકિતિન ધીરે ટચૂકડા પડદાની સીરિયલોમાં પણ પોતાના અભિનયનો પ્રભાવ પાડયો છે. હાલના તબક્કે તે 'શ્રીમદ્ રામાયણ'માં રાવણની ભૂમિકા અદા કરી રહ્યો છે.

જોકે એવો પ્રશ્ન થવો સહજ છે કે ટીવી પર અત્યાર સુધી રામાયણને લગતી ઘણી સીરિયલો રજૂ થઈ ચૂકી છે. આમ છતાં આવી વધુ એક ધારાવાહિકમાં કામ કરવા નિકિતિન ધીર શા માટે તૈયાર થયો હશે? આના જવાબમાં અભિનેતા કહે છે કે જ્યારે મને આ રોલ ઑફર થયો ત્યારે મેં પણ શોના નિર્માતા સિધ્ધાર્થ કુમાર તિવારીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે અત્યાર સુધી ટીવી, ફિલ્મો અને ઓટીટી પર મળીને રામાયણને લગતાં પચીસ જેટલા સંસ્કરણ રજૂ થઈ ચૂક્યાં છે. અને તેમાં પચીસ કલાકારોએ રાવણની ભૂમિકા અદા કરી છે. તો પછી વધુ એક વખત કેમ? ત્યારે તેમણે મને કહ્યું હતું કે આમ છતાં લોકો છેક ૧૯૮૦માં આવેલી રામાનંદ સાગરની 'રામાયણ' ધારાવાહિક સંભારે છે. પરંતુ હું આ શો દ્વારા 'રામાયણ' આગળ લઈ જવા માગું છું જેથી આજની યુવા પેઢી પણ તેની સાથે જોડાય.

આમ છતાં એ પ્રશ્ન તો અકબંધ જ રહે છે કે નિકિતિનનું લંકેશનું પાત્ર શી રીતે જુદું હશે? આનો ઉત્તર આપતાં અભિનેતા કહે છે કે અત્યાર સુધી 'રામાયણ'ના જેટલા સંસ્કરણ રજૂ થયાં છે તેમાં રાવણને બહુ ભલો અથવા એકદમ નરસો રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે આ શોમાં તેના વ્યક્તિત્ત્વના બધાં પાસાં રજૂ કરવામાં આવશે.

નિકિતિનને ઘણા લોકો એવો પ્રશ્ન પણ કરે છે કે શું આપણી નવી પેઢીને આ પૌરાણિક કથામાં રસ પડશે ખરો? આના જવાબમાં તે કહે છે કે અનેક લોકો એમ ધારી લે છે આજની યુવા પેઢીને આપણા પૌરાણિક-સાંસ્કૃતિક ગ્રંથોમાં, તેની કથાઓમાં રસ નથી પડતો, પરંતુ આ માન્યતા પાયાવિહોણી છે. આજના યુવાનો અને યુવતીઓ ભારતના ઇતિહાસ પ્રત્યે ભરપૂર રસરૂચિ ધરાવે છે. એટલું જ નહીં, તેઓ તેનાથી સુપેરે વાકેફ પણ છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન ભજવાતી રામલીલા જોવા યુવાનો અને યુવતીઓ સહિત કરોડો લોકો ઉમટી પડે છે. એ જ આ વાતનો પુરાવો છે. વળી નવી ટેકનોલોજીની મદદથી આપણે ટચૂકડા પડદે આ કથા ભવ્ય-દિવ્ય રીતે રજૂ કરી શકીએ છીએ. મારા મતે 'રામાયણ' તત્કાલીન સમયમાં જેટલી પ્રસ્તૂત હતી એટલી જ આજે પણ છે.જોકે નિકિતિન સામે લંકેશનું કિરદાર અગાઉના કલાકારો કરતાં જુદી રીતે ભજવવાનો પડકાર છે જ. પરંતુ તેની તેને જરાય ચિંતા નથી. અભિનેતા કહે છે કે હું હમેશાંથી આવું કોઈક પાત્ર ભજવવા માગતો હતો. હું મહાદેવનો ભક્ત છું.

 હું ૧૫ વર્ષથી શિવજીનું ટેટૂ ત્રોફાવવા ઇચ્છતો હતો. અને યોગાનુયોગે મેં આ ટેટૂ ત્રોફાવ્યું તેના ૧૫ દિવસમાં જ મને આ શો ઑફર થયો. હું તેને મહાદેવના આશીર્વાદ માનું છું. મેં શંકર ભગવાન વિશે ઘણું વાંચ્યુ છે અને હું આ શોના લેખક તેમ જ સેટ પર હાજર અન્ય વિદ્વાનોને અનુસરું છું. આ રીતે હું મારું આ પાત્ર અન્ય કલાકારોની તુલનામાં અલગ રીતે ભજવી રહ્યો છું.  


Google NewsGoogle News