નિયા શર્માઃ દેખાવની બાબતમાં એકદમ સહજ રહેવું જોઈએ
- 'કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં મર્યાદા હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાની જાતને પ્રેમ ન કરતી હોય તો એને ગમે એટલા ફિલર્સ પછી પણ પોતાના દેખાવથી સંતોષ નહીં જ થાય.'
સાઉથમાં રજનીકાંતથી મોટો કોઈ સુપરસ્ટાર નથી. એમના નામ પર બૉક્સ ઑફિસમાં ટંકશાળ પડે છે. દર્શકો રજનીસરની સ્ટાઈલના દીવાના છે, પરંતુ રિયલ લાઇફમાં તેઓ એકદમ સીધાસાદા અને ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. વધતી ઉંમરમાં રજની સરને મોટી ટાલ પડી ગઈ છે. તેઓ ફિલ્મોમાં પોતાના રોલને ન્યાય આપવા સરસ મજાની વિગ પહેરે છે, પણ અંગત જીવનમાં કદી વિગ પહેરતા નથી. ગમે એટલી મોટી ઇવેન્ટમાં તેઓ પોતે જેવા છે એવા જ જાય છે. એમને પોતાની ટાલ વિશે લગીરે ક્ષોભ નથી થતો. હમણાં હોલિવુડની બે નામાંકિત એક્ટર ડયુ બેરીમોર અને કેમેરુન ડિયાઝે પોતાના ફોટા સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી. ફોટામાં બંનેના ચહેરા પર ઘણી બધી કરચલીઓ દેખાતી હતી અને એ બદલ તેઓ ગર્વ અનુભવી હોય એવા ભાવ એમના ચહેરા પર હતા. ટીવી અને ફિલ્મ એક્ટર નિયા શર્માએ બંનેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ફરી શેર કર્યા. એની સાથે પોતાની પોસ્ટમાં નિયા લખે છે, 'ઉંમર વધવી સહજ છે અને એ દરમિયાન તમારા દેખાવમાં કોઈ ખામી આવે તો એ તમારી બ્યુટીનો જ એક ભાગ છે. ઘણી મોટી સેલિબ્રિટીઝને મેં પોતાના લુક બાબતમાં એકદમ સહજ જોઈ છે. એમાંથી શીખવા જેવું છે.'
એના વિરોધાભાસમાં ઘણી યુવતીઓ ગાંડાઘેલા જેવા બ્યુટી સ્ટાન્ડડ્ર્સથી દોરવાઈને પોતાનો લુક બદલવા જાતજાતની સર્જરીઓ કરાવે છે. એમને ઉદ્દેશીને ૩૩ વરસની નિયા શર્મા પોસ્ટમાં લખે છે, 'હું એમ નથી કહેતી કે તમને જે ન ગમતું હોય એમાં તમે સુધારો ન કરો, પણ એમાં એક લિમિટ હોવી જોઈએ. અન્યથા તમે સર્જરીઓ કરાવીને એટલા બદલાઈ જશો કે કોઈ તમને ઓળખશે નહીં.'
જુવાન છોકરીઓ ફિલર્સ કરાવે છે ત્યારે બહુ વિચિત્ર લાગે છે. એમને પોતાનો નેચરલ લુક ગમતો નથી અને એમને વધુને વધુ સુંદર દેખાવું છે. એ લાહ્યમાં તેઓ ફિલર્સ કરાવી અંતે કદરૂપી બની જાય છે.
નિયા પોતાની વાત કરતા કહે છે, 'મારો એક દાંત બહાર દેખાતો હતો, જેને મેં ટ્રિટમેન્ટથી સરખો કરાવી લીધો. મારું એવું માનવું છે કે કોઈ વ્યક્તિ જો પોતાની જાતને પ્રેમ નહીં કરતી હોય તો એને ગમે એટલા ફિલર્સ પછી પણ પોતાના દેખાવથી સંતોષ નહીં જ થાય.'
કોસ્મેટિક સર્જરીઓ કરાવતી હીરોઈનોને ગ્લેમર વર્લ્ડમાં વધુ કામ મળે છે એવી માન્યતાને બોગસ ગણાવતાં નિયા ઉમેરે છે, 'કોઈ તમને વિશ્વની સૌથી સુંદર સ્ત્રી જેવી દેખાવાનું નથી કહેતું. ટેલેન્ટેડ એક્ટર સાવ સામાન્ય ચહેરા સાથે પણ પડદા પર ચમત્કાર સર્જી શકે છે એટલે મને વધુ પડતા ફિલ્ટર્સનો હાલનો ટ્રેન્ડ વિચલિત કરી દે છે.'
પોતાનો અનુભવ શેર કરતા મિસ શર્મા કહે છે, 'મને પણ આંખના કાળા કુંડાળા છુપાવવા ફિલ્ટર્સ કરાવવાની સલાહ અપાઈ હતી, પરંતુ એનાથી મારી આંખ આસપાસની કાળાશ દૂર થવાની નથી. લોકો કહે છે કે હું ગોરી નથી, ઘઉંવર્ણી છું, પરંતુ મારી સ્કિનના આ કલરને કારણે જ મને વધુ રોલ મળ્યા છે.'