Get The App

તેજીલા તોખાર : બોલિવુડમાં ચમકતા નવા સિતારા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
તેજીલા તોખાર : બોલિવુડમાં ચમકતા નવા સિતારા 1 - image


- 2024નું વર્ષ ફિલ્મોદ્યોગ માટે પ્રમાણમાં સારું રહ્યું. આ વર્ષે કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો આવી, સાથે સાથે બોલિવુડે કેટલાક નવોદિતોને પણ આવકાર્યા. આ કલાકારો તેમની સૌપ્રથમ ફિલ્મો દ્વારા દર્શકોનું ધ્યાન ઠીક ઠીક આકર્ષિત કરી શક્યા છે. આવો, આ તેજસ્વી ડેબ્યુટન્ટ એક્ટરોને મળીએ... 

* જિબ્રાન ખાનઃ

 પશ્મિના રોશન સાથેની ફિલ્મ 'ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ' દ્વારા જિબ્રાન ખાને હિન્દી ફિલ્માં કામ કરવાનો શુભારંભ કર્યો અને કારકિર્દીમાં પ્રારંભિક તબક્કામાં જ તેણે ફિલ્મ સર્જકો, વિશ્લેષકો અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં. હવે તેના પ્રશંસકો જિબ્રાનને વહેલી તકે અન્ય ફિલ્મોમાં જોવા માગે છે.

* લક્ષ્ય લાલવાણીઃ 

અભિનેતા લક્ષ્ય લાલવાણીએ 'કિલ' ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું અને ફિલ્મના નામને સાર્થક કરતો હોય તેમ તેનો અભિનય જોઈને દર્શકોએ કહ્યું હતું, 'માર ડાલા' આ થ્રિલરમાં અભિનેતાએ દર્શકોના રુંવાડા ખડાં કરી દીધાં હતાં. પહેલી જ ફિલ્મમાં પોતાની બહુમુખી પ્રતિભાનો પરચો બતાવીને લક્ષ્યે સંકેત આપી દીધો હતો કે તે લાંબી રેસનો ઘોડો પુરવાર થશે. આ ફિલ્મ પછી તેના પ્રશંસકોની સંખ્યામાં ધરખમ વૃધ્ધિ થઈ હતી અને સમીક્ષકોએ પણ તેને બેમોઢે વખાણ્યો હતો.

* અંજિની ધવનઃ

 અંજિની ધવને પોતાની સૌપ્રથમ ફિલ્મ 'બિન્ની એન્ડ ફેમિલી'માં પોતાના હુન્નરનો પરચો બતાવવા સાથે પુરવાર કરી બતાવ્યું હતું કે હવે બોલીવૂડ જ તેનું ફેમિલી છે. તેણે સૌપ્રથમ મૂવીમાં જ કોમેડી અને ડ્રામા વચ્ચે જે રીતે સંતુલન સાધ્યું હતું તે જોતાં એવું લાગતું હતું. જાણે તે કોઈ અનુભવી અદાકારા છે. તેની પ્રતિભાને પગલે અંજિનીને સલમાન ખાન સાથેની 'સિકંદર' પણ મળી ગઈ.

* પ્રતિભા રાંટાઃ

 અભિનેત્રી પ્રતિભા રાંટાને 'લાપત્તા લેડિઝ' જેવી ફિલ્મથી શક્તિશાળી શુભારંભ કરવાની તક મળી અને અદાકારાએ આ મોકાનો બખૂબી ઉપયોગ કર્યો. તેણે આ કોમેડી ડ્રામામાં 'જયા'ના પાત્રને હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યું. આ ફિલ્મ દ્વારા તેણે બતાવી આપ્યું કે તે ભારતીય સિનેમાનો નવો- ઉભરતો ચહેરો છે.

* અભય વર્મા :

 આ અભિનેતાએ 'મુંજ્યા'ના માધ્યમથી હિન્દી ફિલ્મોમાં પહેલું જ પગલું પાડયું હતું. પરંતુ તેનો સહજ- સ્વાભાવિક અભિનય, તેની જટિલ પાત્રને રજૂ કરવાની આવડતે દર્શકો- સમીક્ષકોને વિચારતા કરી દીધાં હતાં કે આ ખરેખર કોઈ નવોદિત કલાકાર જ છે કે કેમ. આ ફિલ્મે તેના ચાહકોમાં જ વૃધ્ધિ નથી કરી, બલ્કે ફિલ્મ સર્જકોને  પણ ખાતરી કરાવી છે કે અભયમાં ટેલેન્ટનો ખજાનો ધરબાયેલો પડયો છે. બસ, તેને બહાર લાવવાની જરૂર છે.

* જુનૈદ ખાનઃ 

'મહારાજા' બનીને હિન્દી ફિલ્મોદ્યોગમાં પ્રવેશનાર જુનૈદ ખાને 'મહારાજા' મૂવીના ટાઈટયુલર રોલને ઊંડાણપૂર્વક ભજવીને સ્પષ્ટ કરી દીધું છે કે હિન્દી ફિલ્મોના ભાવિ મહારાજા બનવાને લાયક છે. આ ઐતિહાસિક ફિલ્મે દર્શકોના મન પર ઘેરી છાપ છોડી છે.

* પશ્મિના રોશનઃ

 પશ્મિના રોશને 'ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ'માંના પોતાના પાત્રમાં નિર્દોષતા અને આત્મવિશ્વાસ જેવા ગુણોના અદ્ભૂત સમન્વય સાધ્યો છે. તેના પાત્રની અનાયાસ રજૂઆત જોતાં માનવું મુશ્કેલ થઈ પડે કે પશ્મિનાની આ સૌપ્રથમ ફિલ્મ છે. તેની હાજરીએ પડદા પર જાણે કે નવી ઊર્જાનો સંચાર કરી દીધો હતો. મહત્ત્વની વાત એ છે કે દર્શકો પણ અભિનેત્રીને જોઈને અતિઉત્સાહમાં આવી ગયા હતાં.


Google NewsGoogle News