નીલમ કોઠારીનો રાજીપો : અભિનેત્રી તરીકે જાણે કે મારો પુનર્જન્મ થયો છે
- દિલ બહલતા હૈ મેરા... ઓટીટી કે આને સે!
મનોરંજનના નવા પ્રવાહો સાથે નિવૃત્ત થયેલાં કે લગભગ ભૂલાઇ ગયેલાં કલાકારોને જાણે કે નવજીવન મળ્યું હોય તેમ તેઓ સિનેમા. ટીવી કે ઓટીટીના પડદા પર ફરીથી ઝળકી રહ્યા છે.
દાખલા તરીકે, 'ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવુડ વાઇવ્ઝ' નામના એક રિયાલિટી ટીવી શોમાં એંશીના દાયકાની અભિનેત્રી નીલમ કોઠારીનું પુનરાગમન થયું છે. લેટેસ્ટ સિઝનનું ટાઇટલ સહેજ બદલીને 'ફેબ્યુલસ લાઇવ્ઝ વર્સસ બોલિવુડ વાઇવ્ઝ' કરવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગને દર્શકોનો બહોળો આવકાર મળ્યો છે. આ ટીવી શો માં નીલમ કોઠારી સહિત મહીપ કપૂર(અભિનેતા સંજય કપૂરની પત્ની), ભાવના પાંડ ે(અભિનેતા ચંકી પાંડેની પત્ની), સીમા સજદેહ (અભિનેતા સોહલ ખાનની ભૂતપૂર્વ પત્ની) છે.
હોંગકોંગમાં ગુજરાતી જૈન પરિવારમાં જન્મેલી અને હાંગકોંગની આઇલેન્ડ સ્કૂલમાં ભણેલી નીલમ કોઠારી કહે છે, 'જુઓ, મને ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવુડ વાઇવ્ઝ રિયાલિટી ટીવી શોમાં આમંત્રણ મળ્યું તેનો બેહદ આનંદ છે. હાલ તો આ શો ની ત્રીજી સિઝન ચાલે છે. હું આ રિયાલિટી શો માં મારી ત્રણેય ખાસ બહેનપણીઓ મહીપ કપૂર, ભાવના પાંડે, સીમા સજદેહ સાથે રહીને ભરપૂર આનંદ કરીએ છીએ. એમ કહો કે અમે ત્રણેય બહેનપણીઓ એકબીજાંને વધુ સારી અને વધુ સાચી રીતે ઓળખી રહ્યા છીએ.
હા, મારી અભિનય કારકિર્દી લગભગ ૨૩ વર્ષ બાદ ફરીથી શરૂ થઇ રહી હોવાથી મને શરૂઆતના તબક્કે થોડી તકલીફ જરૂર થઇ હતી. નવા વાતાવરણ અને નવા પ્રયોગ સાથે તાલમેલ મેળવવામાં થોડો સમય થયો હતો. આમ છતાં સમય જતાં બધું અનુકુળ થતું ગયું. વળી, આ ટીવી શો ને દર્શકોનો ઉમળકાભેરે આવકાર મળ્યો હોવાથી મને અંગત રીતે ઘણું પ્રોત્સાહન અને પ્રેરણા બંને મળ્યાં. સાથોસાથ, અમારી ચારેય બહેનપણીઓ વચ્ચે પણ પ્રેમ અને હૂંફની જબરી જુગલબંદી જામી હોવાથી સમગ્ર માહોલ સાનુકૂળ અને ગમતીલો બની ગયો છે.'
'જવાની' ફિલ્મ(૧૯૮૪)થી હિન્દી ફિલ્મ જગતની સભ્ય બનેલી નીલમ કોઠારી મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, 'આ રિયાલિટી શો નું મહત્વનું પાસું એ છે કે અમે અમારા બાળપણથી લઇને અંગત જિંદગી, જીવનનાં વિવિધ પાસાં, લગ્ન જીવન,પરિવાર, આરોહ-અવરોહ, કડવા-મીઠા અનુભવો, શોખ વગેરે પાસાં વિશે એકબીજા સાથે વાતો કરીએ છીએ. એમ કહો કે અમે અમારા અંગત જીવનની કિતાબનાં પાનાં એકબીજાં સમક્ષ વાંચીએ છીએ.
સામાન્ય રીતે કોઇ વ્યક્તિ તેના અંગત જીવન વિશે વાત કરવાનું પસંદ ન કરે. ખાસ કરીને પ્રસિદ્ધ વ્યક્તિ તો નહીં જ. હા, સામાન્ય જનતાને ફિલ્મ અભિનેતાઓના અને અભિનેત્રીઓના અંગત જીવન, તેમનાં શોખ, ઘરમાંની આધુનિક સુવિધાઓ વગેરે વિશે જાણવાની જબરી ઉત્સુકતા હોય છે.
આ જ બાબત આ રિયાલિટી શો ને પણ બરાબર લાગુ પડે છે. એટલે કે દર્શકોને મારા સહિત મહીપ કપૂર, ભાવના પાંડે, સીમા સજદેહ એમ ચારેય પ્રસિદ્ધ મહિલાઓના ખાનગી જીવન, તેમના શોખ, લગ્નજીવન, સંતાનો, બંગલો કે મોટા ફ્લેટમાંનું આકર્ષક ફર્નિચર વગેરે બાબતો વિશે રસપ્રદ માહિતી જાણવા મળે છે.
આશ્ચર્યની બાબત તો એ છે કે ફિલ્મ કે ટીવી સિરિયલની કથા -પટકથા, સંવાદો બધું હોય છે. જુદાં જુદાં પાત્રો અને તેમનો અભિનય હોય છે. જોકે આ રિયાલિટી શો માં નથી કથા -પટકથા કે નથી સંવાદ. સમગ્ર વાતાવરણ ખુલ્લું, સ્વતંત્ર હોય છે. ઉદાહરણરૂપે હું મારાં માતા પિતા,ભાઇ-બહેન, ઘર, બાળપણ અને નાનપણનાં મીઠાં મધુરાં સ્મરણો વિશે વાત કરતી હોઉં તો દર્શકો અને મારાં સહ- કલાકાર આ બધી વાતો એક પ્રવાહમાં સાંભળતાં હોય.
કહેવાનો અર્થ એ છે કે ફેબ્યુલસ લાઇવ્ઝ વર્સસ બોલિવુડ વાઇવ્ઝ રિયાલિટી ટીવીનો સમગ્ર માહોલ બહુ જ વિશિષ્ટ અને મોકળો છે. હા, આવા ખુલ્લા વાતાવરણમાં અરસપરસ સંવાદ જરૂર થાય. ગમે તે કહો, આ ટીવી શો ને દર્શકોએ ઉમળકાભેર બહોળો પ્રતિસાદ આપ્યો છે એટલું ચોક્કસ. વળી, દર્શકોના આ જ ઉમંગભેર આવકારથી આ ટીવી શો ની ત્રીજી સિઝન પણ શરૂ થઇ અને સફળ પણ થઇ રહી છે.
હું મારી પોતાનો અભિપ્રાય કહું તો મારા માટે તો આ ટીવી શો મારી અભિનય કારકિર્દી માટે ખરેખર પુનર્જન્મ સમાન બની રહ્યો છે. મારી બે દાયકાની નિવૃત્તિ બાદ પણ મને મારાં ચાહકો કે આજની નવી પેઢીનાં દર્શકો આવો પ્રેમસભર આવકાર આપશે તેવી કલ્પના પણ નહોતી.'
લવ ૮૬, ઇલ્ઝામ, ફર્ઝ કી જંગ, આગ હી આગ, હત્યા, ખુદગર્ઝ, કુછ કુછ હોતા હૈ, હમ સાથ સાથ હૈ વગેરે સફળ ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારી નીલમ કોઠારી કહે છે, 'મેં એંશીના દાયકામાં ફિલ્મ કારકિર્દી શરૂ કરી ત્યારે તો આજની જેમ ફિલ્મનું પ્રમોશન કરવું અને કલાકારોના ઇન્ટરવ્યુ કરવા વગેરે જેવી વ્યવસ્થા જ નહોતી. દર્શકો ફક્ત ફિલ્મના કલાકારોને ઓળખતાં. દર્શકોને કલાકારોના અંગત જીવન વિશે જરા સરખી માહિતી નહોતી. હા, અમુક ચાહક તેના ગમતીલા અભિનેતાને કે તેની પ્રિય અભિનેત્રીને પત્ર લખીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં. વધુ કાંઇ જ નહીં.
આ શોના માધ્યમથી દર્શકો પહેલી જ વખત નીલમ કોઠારીને આવા સ્વરૂપમાં જુએ છે. મારી અંગત જિંદગી,મારો પરિવાર, લગ્ન જીવન,મારો શોખ વગેરે પાસાં વિશે રસપ્રદ માહિતી મેળવે છે. વળી, મેં તો હિન્દી ફિલ્મોમાં જુદાં જુદાં પાત્રો ભજવ્યાં હોવાથી દર્શકો ખુશ છે.'