Get The App

નીલમ : 80-90ના દશકની અને હમણાંની ફિલ્મોમાં છે આભ-જમીનનું છેટું

Updated: Aug 26th, 2021


Google NewsGoogle News
નીલમ : 80-90ના દશકની અને હમણાંની ફિલ્મોમાં છે આભ-જમીનનું છેટું 1 - image


- મને જે પ્રકારના કિરદાર ઓફર થઈ રહ્યાં હતાં તે મને રસપ્રદ નહોતા લાગતા. તેથી મને લાગ્યું કે મારે હમણાં જ ગૌરવભેર આ કાર્યક્ષેત્ર છોડી દેવું જોઈએ. વળી હું ફિલ્મોમાં કામ કરતી વખતે પણ અમારો પારિવારિક વ્યવસાય શીખી જ રહી હતી.

૮૦ અને ૯૦ના દશકમાં નીલમ કોઠારી સોનીની ફિલ્મો જોનારા યુવાન દર્શકોને આજે પણ તેનો સાવ નિર્દોષ, સુંદર ચહેરો સારી રીતે યાદ હશે. તે વખતે નીલમે 'જવાની', 'ઈલ્ઝામ', 'ખુદગર્ઝ' જેવી સંખ્યાબંધ ફિલ્મોમાંના પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અભિનયથી લાખો દર્શકોના દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. તે સમયમાં તેની ગોવિંદા સાથેના પડદા પરની કેમેસ્ટ્રી વિશે પુષ્કળ ચર્ચાઓ થતી. ખાસ કરીને તેમની નૃત્ય શૈલી દર્શકોમાં સર્વાધિક પ્રિય બની હતી.

જોકે નીલમે કારકિર્દીના ઉજ્જવળ સમયમાં જ ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લઈ લીધો. આજે જ્વેલરી ડિઝાઈનર તરીકે નામના મેળવનાર નીલમ કોઈક વખત રીઆલિટી શોમાં ખાસ મહેમાન તરીકે દેખાય છે. પણ કારકિર્દીના જે તબક્કે કોઈપણ અદાકારા અભિનય ક્ષેત્ર છોડવાનો વિચાર સુધ્ધાં ન કરે એવા વખતે જ આવો આકરો નિર્ણય લેવા વિશે નીલમ કહે છે કે મને જે પ્રકારના કિરદાર ઓફર થઈ રહ્યાં હતાં તે મને રસપ્રદ નહોતા લાગતા. તેથી મને લાગ્યું કે મારે હમણાં જ ગૌરવભેર આ કાર્યક્ષેત્ર છોડી દેવું જોઈએ. વળી હું ફિલ્મોમાં કામ કરતી વખતે પણ અમારો પારિવારિક વ્યવસાય શીખી જ રહી હતી. વાસ્તવમાં હું હમેશાંથી અમારા જ્વેલરીના કૌટુંબિક વ્યવસાય પ્રત્યે પ્રતિબધ્ધ હતી.

અદાકારા પોતાની છેલ્લે આવેલી બે ફિલ્મો વિશે કહે છે કે મેં અભિનય ક્ષેત્ર છોડી દીધું પછી મને 'કુછ કુછ હોતા હોતા હૈ' (કેકેએચએચ) અને 'હમ સાથ સાથ હૈં' (એચએસએસએચ) ફિલ્મો મળી. કરણ જોહરે એક મિત્રના નાતે મને કહ્યું હતું કે 'તારે તને પોતાને જ ભજવવાની છે.' આ કેમીઓ કરવાની તને ખરેખર મઝા આવશે. અને મેં તેમાં કામ કરવાનું સ્વીકારી લીધું. તે વખતે મને કલ્પના પણ નહોતી કે કેકેએચએચનો 'નીલમ શો' મને આટલી બધી ખ્યાતિ અપાવશે.

વાસ્તવમાં યુવા પેઢી મને આ ફિલ્મથી જ ઓળખતી થઈ હતી. જ્યારે સૂરજ બડજાત્યા ખરા હૃદયથી ઈચ્છતા હતા કે હું એચએસએસએચમાં કામ કરું. જોકે મેં તેમને કહ્યું હતું કે હવે હું ફિલ્મોમાં કામ નથી કરતી. પણ તેમણે મને તેમાં કામ કરવા મનાવી જ લીધી. મેં મારી કારકિર્દીમાં ભલે ૪૦ ફિલ્મો કરી છે, પણ મને ખરી ઓળખ તો છેલ્લી બે ફિલ્મોમાં જ મળી. હું અમારો ઝવેરાતનો વ્યવસાય સંભાળતી હતી અને હજી પણ સંભાળું છું.

નીલમ ૯૦ના દશકને સંભારતા કહે છે કે મેં જ્યારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે હું ઘણી નાની હતી અને ક્યારે સ્ટીરિયોટાઈપ થઈ ગઈ તેની મને પોતાને પણ સમજ ન પડી. વળી તે વખતે ફિલ્મોમાં હીરોને જ વધુ મહત્વ અપાતું. તે વખતની  અને હમણાંની મૂવીઝમાં આભ-જમીનનું છેટું છે. હવે મહિલાપ્રધાન ફિલ્મો બની રહી છે. તે વધુમાં કહે છે કે હવે ફિલ્મોમાં પુષ્કળ વિષય વૈવિધ્ય પણ આવ્યું છે તેથી મને પણ ફરીથી અભિનય કરવાની ઇચ્છા જાગી છે. અને મેં એક પ્રોજેક્ટ માટે થોડુંઘણું શૂટિંગ કરી પણ લીધું છે. જોકે હાલના તબક્કે હું તેના વિશે વધારે કાંઈ કહી શકું તેમ નથી.

અદાકારા ઉમેરે છે કે મને અન્ય એક પ્રોજેક્ટ પણ ઓફર થયો હતો. પરંતુ તેને માટે મને ૪૫ દિવસ સુધી વિદેમાં રહેવું પડે તેમ હતું. અને હું મારા પતિ-પુત્રીને કોરોના કાલમાં આટલા બધા દિવસ સુધી છોડીને જવા નહોતી માગતી તેથી મેં તેમાં કામ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ ભવિષ્યમાં કોઈ સારી ઓફર મળશે તો હું તે ચોક્કસ સ્વીકારીશ.


Google NewsGoogle News