નયનતારાના શબ્દબાણ છૂટયા અને ધનુષની કમાન છટકી
- નેટફલિક્સ પર નયનતારાની ડોક્યુમેન્ટરી રિલીઝ થઇ એ સમયે જ વિવાદ ઊભો થયો એનું અસલી કારણ શું છે?
'જો નયનતારા તેનાં લગ્નના વીડિયો પરથી ડોક્યુમેન્ટરી બનાવી નેટફ્લિકસને વેચી શકતી હોય તો ધનુષને પણ તેની ફિલ્મના બિહાઇન્ડ-ધ-સીન ક્લિપ વાપરવા દેવાની કિંમત મળવી મળવો જોઇએ.'
કો ઇપણ સ્ક્રીન પર દેખાતી તમામ ચીજો જેમ સાચી હોતી નથી તેમ સોશિયલ મીડિયા પર થતાં તમામ વિવાદ પણ સાચા હોતા નથી. તાજેતરમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગની લેડી સુપરસ્ટાર નયનતારાની ડોક્યુમેન્ટરી નેટફલિકસ પર સ્ટ્રીમ થઇ એના થોડા દિવસ પૂર્વે જ આ ડોક્યુમેન્ટરી માટે જરૂરી નયનતારાની હિટ ફિલ્મ 'નાનુમ રોઉડી ધામ-એનઆરડી'ના બિહાઇન્ડ ધ સીન ફૂટેજ વાપરવાનો વિવાદ ફૂટી નીકળ્યો હતો. ૨૦૧૫માં રિલીઝ થયેલી આ હિટ ફિલ્મના નિર્માતા ધનુષ પાસે નયનતારાએ પોતાની ડોક્યુમેન્ટરી માટે ફક્ત ત્રણ સેકન્ડની એક ક્લિપ વાપરવાની પરવાનગી માગી હતી, પણ ધનુષે બે વર્ષ સુધી એને હા ન પાડી. તેથી નયનતારાએ ધનુષને ઓપન લેટર લખી તે કેવો દુષ્ટ માણસ છે તેનું ચાર પાનાં ભરીને વર્ણન કરી નાખ્યું. પેલી ક્લિપનો ઉપયોગ તો ડોક્યુમેન્ટરીમાં થયો જ. પોતાની પરવાનગી વગર આમ કરવા બદલ ધનુષે દસ કરોડ રૂપિયાની માગણી કરીને નયનતારા પર લીગલ નોટિસ ફટકારી ને મામલો ઔર બીચક્યો.
ફિલ્મ ઉદ્યોગમાં દર્શક નામની મરઘીને તમામ રીતે નીચોવી લેવાનો ચાલ શરૂ થયો છે તેનું આ એક ઓર ઉદાહરણ છે. ફિલ્મના શૂટિંગથી માંડીને રિલીઝ સુધીમાં તેની કોઇ વાત લીક ન થાય તેની બરાબર ચોંંપ રાખવામાં આવે છે. ફિલ્મ રિલીઝ થાય પછી તેના વિશેની વાતો પ્રચાર સામગ્રી તરીકે ધીમે ધીમે જાહેર કરવામાં આવે છે. આવું જ વલણ ફિલ્મસ્ટાર્સ તેમના અંગત જીવનમાં પણ દાખવતા થયા છે. ફિલ્મસ્ટાર્સ તેમનાં લગ્ન હોય કે અફેર્સ, બધાંમાંથી કમાણી કરતાં શીખી ગયા છે. મોટા સુપરસ્ટાર્સનાં લગ્ન વિદેશોમાં ખાસ આમંત્રિતોની હાજરીમાં થાય છે અને તેના ખાસ ફોટા ખાસ મગેઝિનોમાં કરોડો રૂપિયા વસૂલ કર્યા બાદ જાહેર કરવામાં આવે છે. એક તરફ સોશિયલ મીડિયા પર સામાન્ય માણસ પોતે શાનો નાસ્તો કરે છે ત્યાંથી માંડીને પોતાની તમામ અંગત-જાહેર બાબતો ચર્ચી નાંખે છે, જ્યારે ફિલ્મસ્ટાર્સ તેનાથી ઊલટું વલણ અપનાવે છે. તેઓ એમના જીવનની દરેક પળને અંગત ગણાવી દર્શકોને લલચાવવા પૂરતાં જ સોશિયલ મીડિયા પર હાજર થાય છે. આ મામલે શંકા કરવાનું કારણ એટલા માટે છે કે આ વિવાદ જો સાચો હોત તો ત્રણ સેકન્ડની ક્લિપ માટે દસ કરોડ રૂપિયા માંગનારો ધનુષ આ ડોક્યુમેન્ટરીને રિલીઝ થતી અટકાવવા કોર્ટમાં ગયો જ હોત. પણ એવું કશું બન્યું નથી. ઊલટું કેટલાક ઉસ્તાદોએ તો આ ડોક્યુમેન્ટરીના રીવ્યુમાં લખ્યું પણ છે કે આ ડોક્યુમેન્ટરી કરતાં તો નયનતારા-ધનુષનો ઓપન લેટર વિવાદ વધારે મસાલેદાર છે!
ધનુષે ડોક્યુમેન્ટરી નેટફલિક્સ પર રિલિઝ થયા બાદ કોઇ પ્રતિભાવ સોશિયલ મીડિયા પર આપ્યો નથી, કે નથી તેના ચાહકો દ્વારા ચલાવાતા હેન્ડલ પર કોઇ માહિતી અપાઇ. કાળજીપૂર્વક મુદ્દો પસંદ કરી તેના વિશે બેફામ જાહેર નિવેદનો થાય એટલે મીડિયા તેના વિશે ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓના મંતવ્યો લે અને સાચી-ખોટી એક હવા ઊભી થાય. આ વિવાદમાં પણ ઘણાએ તેમનું જ્ઞાાન પણ ડહોળ્યું હતું કે બિહાઇન્ડ-ધ-સીન એ ફિલ્મ નિર્માતાની પ્રોપર્ટી ગણાય અને તેનો ઉપયોગ કરવા માટે નિર્માતા ફી વસૂલી શકે છે. જોકે વધારે સાચી વાત એક જણે એવી કરી હતી કે જો નયનતારા તેનાં લગ્નના વીડિયો પરથી ડોક્યુમેન્ટરી બનાવી નેટફ્લિકસને વેચતી હોય તો ધનુષને પણ તેની ફિલ્મના બિહાઇન્ડ-ધ-સીન ક્લિપ વાપરવા દેવાનો હિસ્સો મળવો જોઇએ.
વેલ, આખા વિવાદમાં સત્ય એટલું જ છે કે 'એનઆરડી' નામની ફિલ્મ બની રહી હતી એ સમયે ૨૦૧૫માં જ નયનતારા અને વિજ્ઞોશ શિવાન પ્રેમમાં પડયાં હતાં. એ પછી નવ જૂન ૨૦૨૨ના રોજ બંનેએ ચેન્નાઇમાં લગ્ન કર્યા. ત્યાર બાદ ૨૦૨૨માં તેમને સરોગસી દ્વારા બે પુત્રો થયા. જોકે, 'નયનતારા: બિયોન્ડ ધ ફેરી ટેલ'માં નયનતારાના એક જૂના સંબંધની વાત અનાયાસે થઇ છે જેના માટે તેણે બે વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. એક્ટર-ફિલ્મમેકર સિલરામા ટીઆર સાથે પ્રેમમાં પડેલી નયનતારાએ આ સંબંધને પરિણામે ૨૦૧૧માં ફિલ્મ ઉદ્યોગને બે વર્ષ માટે છોડી દેવાનો નિર્ણય લીધો હતો. આ બાબતે ડોક્યુમેન્ટરીમાં નયનતારા જણાવે છે, 'મને એ માણસે ઇન્ડસ્ટ્રી છોડી દેવા કહ્યું એટલે મેં છોડી દીધી. મારી પાસે ફિલ્મલાઇન ન છોડવાની ચોઈસ જ નહોતી.'
જોકે એક કલાક બાવીસ મિનિટની આ ડોક્યુમેન્ટરીમાં પહેલો સીન જોતાં જ તમને શંકા પડે કે આ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે કે ફિક્શન? નયનતારા સેટ પરથી બહાર આવીને દૂર એક બેન્ચ પર બેસી જાય છે. અડધેથી નિર્દેશક અને હવે નયનતારાનો પતિ વિક્કી વિજ્ઞોશ આવીને તેને સધિયારો આપે છે. દેખીતું છે કે આ ભજવાયેલો સીન છે, પણ તેને કારણે ડોક્યુમેન્ટરીની સહજતા અને ઓથેન્ટિસિટીનું બાષ્પીભવન થઇ જાય છે. આમ, વાત એ છે કે હવે ડોક્યુમેન્ટરીઓ પણ સુપરસ્ટાર નામની મિથને ચગાવવા માટે બનવા માંડી છે.