નવાઝુદ્દીન સિદ્દીકી: લોકો 'ગેંગ્સ ઓફ વાસ્સેપુર'નો ત્રીજો ભાગ જોવા આતુર છે
- 'જેનામાં અભિનયપ્રતિભા હશે તે જ અહીં ટકી શકે છે. તમારામાં પ્રતિભા, મહેનત, ઇમાનદારી જેવા ગુણ હશે તો જ કોઇ પણ ક્ષેત્રમાં સફળ થઇ શકાય છે.'
ન વાઝુદ્દીન સિદ્દિકી. હિન્દી ફિલ્મ જગતનો અચ્છો અદાકાર. નવાઝુદ્દીન સિદ્દિકી જેટલો આલા દરજ્જાનો અભિનેતા છે એટલે જ તે સ્પષ્ટવક્તા ઇન્સાન પણ છે. એટલે કે નવાઝ તેનો અભિપ્રાય બહુ સાફ શબ્દોમાં અને છતાં નમ્રતાથી વ્યક્ત કરે છે. ભલે પછી મુદ્દો સંવેદનશીલ હોય કે સામાન્ય, નવાઝુદ્દીન સિદ્દિકી તેના વિચારમાં અને વ્યવહારમાં બહુ સાફ અને સ્પષ્ટ હોય છે.
હમણાં નવાઝુદ્દીન સિદ્દિકીની રૌતુ કા રાજ નામની ફિલ્મ ઓવર ધ ટોપ(ઓટીટી) પર રજૂ થઇ છે.આનંદ સુરપુરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મની કથા ઉત્તરાખંડના ખોબલા જેવડા રૌતુ ગામની રહસ્યમય ઘટના સાથે જોડાયેલી છે. નવાઝુદ્દીન સિદ્દિકીએ આ ફિલ્મમાં પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યું છે.
બીએસ.સી.ની ડિગ્રી મેળવ્યા બાદ થોડો સમય ગુજરાતના વડોદરા શહેરની એક દવા કંપનીમાં કેમિસ્ટ તરીકે નાકરી કરવાનો અનુભવ મેળવી ચૂકેલો નવાઝુદ્દીન કહે છે, 'આપણા દેશમાં સામાન્ય નાગરિકોનાં મનમાં પોલીસ તંત્રનો જબરો ભય હોય છે. પોલીસને જુએ કે તરત જ મનમાં ફફડાટ શરૂ થાય. પોલીસ સાથે વાત કરતાં જીભ થોથવાઇ જાય. એમ કહો કે શરીરે પરસેવો વળી જાય. હું મારી પોતાની વાત કરું તો મને પણ મુંબઇમાં પોલીસ સાથે સીધો સામનો થયો હતો. બન્યું હતું એવું કે એક રાતે હું મારા મિત્રો સાથે મુંબઇના રસ્તા પર ફરતા હતા. અચાનક જ અમારી પાસે કેટલાક પોલીસ ઓફિસર આવીને ઉભા રહી ગયા. પોલીસે અમને લાઇનમાં ઉભા રાખીને કડક અવાજમાં પૂછ્યું, તમે લોકો કોણ છો ? અને મોડી રાતે રસ્તા પર ફરીને શું કરો છો ? ક્યાં જાવ છો ? વગેરે વગેરે. અમે જોકે એવું કોઇ ખોટું કે ખરાબ કાર્ય નહોતું કર્યું એટલે બહુ ગભરાટ નહોતો. અમે પોલીસને પૂરી નમ્રતાથી કહ્યું કે સાહેબ, અમે બોલિવુડના કલાકાર છીએ. અમે એક ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાથી તેના આનંદમાં બસ, એમ જ થોડીક મજા -મસ્તી કરી રહ્યા છીએ. વધુ કાંઇ જ નહીં. અમારા અવાજમાં સચ્ચાઇનો રણકો હતો. પોલીસને પણ સમજાયું. અમને કહ્યું, ઓકે. ઓકે. મોજ કરો.'
નવાઝુદ્દીન એક ફિલોસોફરની અદાથી કહે છે, 'જુઓ, માનવીના જીવનમાં અને તેની કારકીર્દીમાં ચડાવ -ઉતરાવ આવતા રહે છે. અમુક વ્યક્તિ બહુ સંવેદનશીલ હોવાથી તેને પીડાદાયક ઘટનાની અસર બહુ ઘેરી થતી હોય છે, જ્યારે વ્યક્તિ વિચારશીલ, પાકટ હોવાથી તે દુ:ખદ ઘટનાની અસરમાંથી ધીમે ધીમે બહાર નીકળી જાય છે. હું આજથી ૨૫ વર્ષ પહેલાં મુંબઇ આવ્યો ત્યારથી આજ સુધીમાં મેં હિન્દી ફિલ્મ જગતમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ભૂખ, તરસ, માન -અપમાન, નાણાભીડ એમ લગભગ તમામ પ્રકારના અનુભવમાંથી પસાર થયો છું. ફિલ્મોમાં સાવ જ નાની કહી શકાય તેવી ભૂમિકાઓ પણ કરી છે.મિત્રોના ઘરમાં રહીને તેમનાં કામ કર્યાં છે. આમ છતાં મેં ક્યારેય મારા વતન બુધના જતા રહેવાનો વિચાર પણ નહોતો કર્યો. ખરું કહું તો મેં મારા આ બધા કડવા -મીઠા અનુભવોમાંથી મોટો અને જીવન ઉપયોગી બોધપાઠ લીધો છે. હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે તમે આ દુનિયાને કે સમાજને જે આપશો તે ગમે ત્યારે અને ગમે તે સ્વરૂપમાં તમને જરૂર પાછું મળશે.'
૧૯૯૯માં 'સરફરોશ' ફિલ્મમાં નાનકડી ભૂમિકા દ્વારા પા પા પગલી ભરનારા નવાઝુદ્દીન સિદ્દિકી કહે છે, 'મને 'ગેંગ્ઝ ઓફ વાસ્સેપુર'થી મોટી અને મહત્વની સફળતા મળી. મારા નામની ચર્ચા શરૂ થઇ. ફિલ્મ પણ સુપરહીટ થઇ. હવે 'ગેંગ્ઝ ઓફ વાસ્સેપુર-૩' વિશે જબરી ચર્ચા થઇ રહી છે. ઘણા લોકો ઇચ્છે છે કે આ મજેદાર ફિલ્મનો ત્રીજો હિસ્સો પણ રજૂ થવો જોઇએ. જોકે ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપે તો હજી આ મુદ્દે એક શબ્દ પર નથી કહ્યો. આમ પણ અનુરાગ કશ્યપને આવું પુનરાવર્તન પસંદ નથી. અનુરાગ કશ્પયને તો સતત કંઇક નવું, વિશિષ્ટ,વિચારશીલ કરવાની ઇચ્છા હોય છે.'
બોલિવુડમાં નેપોટીઝમ (સગાંવાદ) વિશે ઘણીબધી વાતો અને આક્ષેપો પણ થતા રહે છે. નવાઝ કહે છે, 'જેનામાં અભિનય પ્રતિભા હશે તે જ અહીં ટકી શકશે. નહીં તો નહીં. કેટલાય સ્ટાર કિડ્સ સદાય માટે અદ્રશ્ય થઇ ગયાં છે. ફિલ્મ જ નહીં, કોઇપણ ક્ષેત્રમાં સફળ થવું હશે તો તમારામાં પ્રતિભા, મહેનત, ઇમાનદારી વગેરે જેવા સદગુણ હશે તો જ સફળ થઇ શકશો.'