નવાઝુદ્દિન સિદ્દિકી : ઇન્ડિપેન્ડન્ટ સિનેમા જ વિશ્વભરમાં આપણું નામ રોશન કરશે
- સ્વતંત્ર ફિલ્મો જ દુનિયાભરમાં આપણા સિનેજગતનું નામ રોશન કરશે, બલ્કે એમ કહેવું વધુ યોગ્ય ગણાશે કે કરી રહી છે. આવી મધ્યમ બજેટમાં બનતી ઇન્ડિપેન્ડન્ટ મૂવીઝ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે ખરી ઓળખ આપી રહી છે.
નવાઝુદ્દિન સિદ્દિકી તેના લગભગ દરેક પાત્ર બખૂબી ભજવી જાય છે. તે જાણે કે પોતાના કિરદારમાં જાન રેડી દે છે. અને તેનું કારણ છે તેનો 'પાત્રપ્રેમ'. વાસ્તવમાં નવાઝુદ્દિનને પોતાના પાત્રો પ્રત્યે ઊંડો પ્રેમ છે.
નવાઝુદ્દિન પોતાની આ વાત સમજાવવા એક ઉદાહરણ આપતાં કહે છે કે થોડા સમય પહેલા મેં જાપાન-જર્મનના સહિયારા નિર્માણમાં બનેલી એક ફિલ્મ જોઈ હતી 'પરફેક્ટ ડેઝ' (૨૦૨૩). આ ફિલ્મની પટકથામાં કશુંય નહોતું. સમગ્ર ફિલ્મનું કેન્દ્ર એક પાત્ર હતું જે હમેશાં નિજાનંદમાં રહેતું હતું. તેનું કામ જાહેર શૌચાલયો સાફ કરવાનું હતું. તે સાવ એકલો હતો, પણ દુ:ખી નહોતો. એક દર્શક તરીકે હું આ કિરદારના પ્રેમમાં પડી ગયો હતો.
અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે ત્યાં આવી ફિલ્મો બનશે ખરી? આના જવાબમાં નવાઝુદ્દિન કહે છે કે આપણે ત્યાં મુખ્ય ધારાની ફિલ્મોમાં આજે પણ સ્ટોરીને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જોકે મને ફિલ્મ સર્જકોના નવા ફાલ પાસેથી એવી અપેક્ષા છે કે તેઓ આ પ્રકારની મૂવીઝ બનાવશે. જો મને આવી ફિલ્મો કરવાની તક મળે તો હું પૈસા કમાવવાની પરવા ન કરું. નાણાં રળવા માટે તો મુખ્ય ધારાની ફિલ્મો છે જ. હું ત્યાંથી પૈસા કમાવીને અહીં ગુમાવવા તૈયાર છું.
નવાઝુદ્દિન ખાતરીપૂર્વક કહે છે કે સ્વતંત્ર ફિલ્મો જ દુનિયાભરમાં આપણા સિનેજગતનું નામ રોશન કરશે, બલ્કે એમ કહેવું વધુ યોગ્ય ગણાશે કે કરી રહી છે. આવી મધ્યમ બજેટમાં બનતી ઇન્ડિપેન્ડન્ટ મૂવીઝ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે ખરી ઓળખ આપી રહી છે. અભિનેતા તેનું ઉદાહરણ આપતાં કહે છે કે 'ગેંગ્સ ઑફ વાસેપુર' સૌથી પહેલા કાન્સ ફિલ્મોત્સવમાં રજૂ થઈ હતી. ત્યાર પછી તે આપણા દેશમાં પણ ખૂબ વખણાઈ. તેવી જ રીતે રિતેશ બત્રાની મૂવી 'લંચબૉક્સ' પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનો ભાગ બની હતી. અને દુનિયાના અન્ય દેશોમાં પુષ્કળ પ્રશંસા પામી હતી.