નવાઝુદ્દીનેે બોલિવુડના નવાબજાદાઓની ધૂળ કાઢી નાખી
આમિર ખાન અને સોનાલી બેન્દ્રેની ફિલ્મ 'સરફરોશ'થી બોલિવુડમાં ડેબ્યુ કરનાર નવાઝુદ્દીન સિદ્દીકીએ તાજેતરમાં ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વરસ પૂરા કર્યાં. 'સરફરોશ' ૧૯૯૯માં રિલીઝ થયેલી સુપર હિટ ફિલ્મ હતી. પોતાની લાંબી ફિલ્મ યાત્રાનો ઉલ્લેખ થતાં નવાઝુદ્દીન ગળગળો થઈને કહે છે, 'જો મૈંને સોચા થા ઉસસે ભી ઉપરવાલેને મુઝે જ્યાદા દિયા હૈ. ખાસ તો હું મારા ડિરેકટર્સનો આભારી છું જેમણે મને દરેક પ્રકારના રોલ આપ્યા.'
નવાઝ આજે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રોંગ પોઝિશનમાં છે અને ખોટું થતું હોય તો એની ટીકા કરી શકે છે. એક તરફ, બૉક્સ ઑફિસ પર એક પછી એક ફિલ્મો પછડાટ ખાઈ રહી છે અને બોલિવુડમાં અઘોષિત મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. બીજી બાજુ, ફિલ્મોની વધતી જતી પ્રોડક્શન કોસ્ટ અને ટોચના એક્ટરો સાથે શુટિંગમાં આવતા મોટા કાફલા પાછળ થતાં ખોટા ખર્ચ વિશે ગરમાગરમ ડિબેટ ચાલે છે. એમાં વગર કહે ઝંપલાવતા સિદ્દીકી કહે છે, 'યે બહોત પહેલે સે હોતા આ રહા હૈ. મેં સાંભળ્યું છે કે ઘણા સેલિબ્રિટી સ્ટાર્સ સેટ પર ચિત્રવિચિત્ર નખરા કરે છે. એકટર્સ ઘણી ફાલતું ડિમાન્ડ્સ કરે છે. એમને બધું મોંઘુ અને ભપકાદાર જોઈએ છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે કેટલાંક એક્ટર્સ પાંચ-પાંચ વેનિટી વેન્સ રાખે છે - એક વર્કઆઉટ કરવા, બીજી કુકિંગ માટે, ત્રીજી જમવા અને નહાવા માટે, ચોથી ડાયલોગ્સ યાદ કરવા અને પાંચમી સુઈ જવા માટે. યે પાગલપન હૈ, યાર!'
૫૦ વરસનો વર્સેટાઇલ એક્ટર પોતાની અંગત વાત કરતા કહે છે, 'મારી એક માત્ર ઇચ્છા સારું પરફોર્મન્સ આપવાની હોય છે, બસ બીજું કંઈ ન જોઈએ. મેરી તો ઐસી કોઈ ડિમાંડ નહીં હોતી. પ્રોડક્શન ટાઈમ સે પહેલે મૈં શૂટ કે લિયે ખડા હોતા હૂં. મને તો એ સમજાતું નથી કે એક્ટરોએ ફિલ્મની પ્રોડક્શન કોસ્ટ શા માટે વધારવી જોઈએ? એ પૈસા તમે ફિલ્મમાં લગાવો. જો ઇન નવાબોં કે શૌક હૈં વો તો કિસી ફિલ્મ મેં નવાબોં કે ભી નહીં હોગેં.'
સ્થાપિત હિતો પર આકરા પ્રહાર કરવાની સાથોસાથ નવાઝ ઇન્ડસ્ટ્રીની ચકાચૌંધથી અંજાઈ ન જવા બદલ યુવાન અને સ્વતંત્ર ફિલ્મમેકર્સની પ્રશંસા કરવાનું પણ નથી ચુકતો, 'આ લોકો પોતાની શરતે ફિલ્મની કન્ટેન્ટ બનાવે છે. મને એવી આશા છે કે આ પ્રકારનું સિનેમા વિકસતું જશે. મૈં ચેલેન્જ કે સાથ કહેતા હું, હંમેશા છોટી અને ડીપ ફિલ્મેં હી દેશ કી પહેચાન બનતી હૈં. જો વર્લ્ડ ઓવર પોપ્યુલર ભી હોતી હૈ. સિનેમા એવા ફિલ્મમેકર્સ માટે હોવું જોઈએ, જેમના માટે કોન્ટેન્ટ જ સર્વસ્વ છે. તેઓ ફિલ્મને ભપકાદાર બનાવવાની કોઈ ચિંતા નથી કરતા,' એમ કહી સિદ્દીકી પોતાની વાત પૂરી કરે છે.