નવ્યા નવેલી : બધી સુંદર યુવતીઓ કંઈ હિરોઈન બનવા સર્જાઈ નથી
- 'મારા નાનાજી (અમિતાભ બચ્ચન)ની શિસ્તબદ્ધ જીવનશૈલી, ઈમાનદારી અને લગનથી કામ કરવાની રીતથી હું પ્રભાવિત થઈ છું. તેઓ આ ઉંમરે પણ જબરદસ્ત મહેનત કરે છે.'
મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી ભલે બોલિવુડમાં નથી આવી, પરંતુ તે તેની સુંદરતા, તેની પ્રતિભા અને નોખા તરી આવતા વિચારો-કાર્યોને કારણે જાણીતી બની છે. મઝાની વાત એ છે કે નવ્યાની ખૂબસૂરતી જોતાં મોટાભાગના લોકો એમ માનતા હતાં કે તે હિન્દી ફિલ્મોની નાયિકા બનશે, પણ નવ્યાને ફિલ્મોમાં ખાસ રસ પડતો નથી. તેણે એન્ત્રપ્રિન્યોર બનવાનું પસંદ કર્યું.
આ બાબતે નવ્યા કહે છે, 'મારા મોસાળ પક્ષમાં ભલે બધા અભિનય ક્ષેત્રે સંકળાયેલા છે, પરંતુ મારા પિતા, દાદા, પરદાદા હમેશાં બિઝનેસ કરતાં આવ્યા છે. અમારો પોતાનો કૌટુંબિક વ્યવસાય પણ છે જ. મને પહેલેથી બિઝનેસમાં જ રસ પડયો છે. મોટાભાગના લોકો એમ માનતા હતા કે હું સુંદર છું એટલે ફિલ્મોમાં કામ કરીશ. પરંતુ મારા મતે બધી સુંદર યુવતીઓ હીરોઈન બનવા માટે નથી સર્જાઈ હોતી. અલબત્ત, મને મારી મમ્મી શ્વેતા નંદા અને નાની જયા બચ્ચનના નામનો ઘણો લાભ મળ્યો છે. ખાસ કરીને મારા પૉડકાસ્ટ 'વૉટ ધ હેલ નવ્યા' માટે.'
નવ્યા નવેલીનું પૉડકાસ્ટ 'વૉટ ધ હેલ નવ્યા' ઠીક ઠીક જોવાય છે. હાલના તબક્કે તેની બીજી સીઝન ચાલી રહી છે. તે પોતાના પૉડકાસ્ટ પર મહિલાઓને લગતા મુદ્દાઓ પર વધુ જોર આપે છે. નવ્યા આ બાબતે કહે છે, 'અમારું ફાઉન્ડેશન શિક્ષણ, સ્વાસ્થ્ય, એન્ત્રપ્રિન્યોરશીપ તેમ જ કાનૂની જાગૃતિ જેવા ચાર મુદ્દાઓ પર કામ કરે છે. અમને લાગે છે કે આ સઘળા મુદ્દે હજી ઘણું વધુ કામ કરવાની જરૂર છે. આજે ભલે મહિલાઓ અનેક ક્ષેત્રે ઘણી આગળ વધી છે. ચાહે તે ખેલકૂદ હોય કે મનોરંજન અથવા બિઝનેસ. જોકે મને એ વાત હમેશાં ખટકે છે કે લોકો આજે પણ મહિલાઓના ફિગર પર ટીકા-ટિપ્પણીઓ કરે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર. મને ઑનલાઇન ટ્રોલિંગ હેરાનપરેશાન કરી નાખે છે.'
નવ્યા પોતાના પૉડકાસ્ટ વિશે કહે છે, 'પહેલી સીઝનને લોકોએ પસંદ કરી હતી, પરંતુ એ સીઝન લોકો સુધી ઑડિયોના માધ્યમથી પહોંચી હતી. જ્યારે આ સીઝનમાં વીડિયો પણ છે. પહેલી સીઝનમાં અમે જે મુદ્દાઓ પર વાત કરી હતી તેના પર હવે અમે વિસ્તારપૂર્વક વાત કરવા માગીએ છીએ. આ વખતે અમે આધુનિક પેઢીને જોડનારા વિષયો પર વાત કરી છે. તેમાં મારી મમ્મી અને નાનીએ જે કહ્યું તેનાથી આજની યુવા પેઢીને નવા દ્રષ્ટિકોણ મળશે એમ મારું માનવું છે.'
નવ્યા વધુમાં કહે છે કે, 'હાલ હું પચીસ વર્ષની છું અને મારા મનમગજમાં અનેક સવાલો છે. મારી જિજ્ઞાાસા આ બંને સ્ત્રીઓ સંતોષે છે. તેમને જીવનનો, પોતાના ક્ષેત્રનો બહોળો અનુભવ છે. આમેય આપણા જીવન પર આપણા પરિવારની મહિલાઓનો મોટો પ્રભાવ હોય છે.'
જોકે નવ્યા પોતાના નાના અમિતાભ બચ્ચનની પ્રશંસા કરવાનું પણ નથી ચૂકતી. તે કહે છે, 'નાનાજીની શિસ્તબધ્ધ જીવનશૈલી, ઈમાનદારી અને લગનથી કામ કરવાની રીતથી હું હમેશાં પ્રભાવિત થઈ છું. તેઓ આ ઉંમરે પણ કેટલી જબરદસ્ત મહેનત કરે છે.'
નવ્યાની આ વાત સાથે તો આખી દુનિયા સહમત છે!