Get The App

નાની : આ તેલુગુ સ્ટાર પણ આખા દેશમાં ધમાલ મચાવી શકશે?

Updated: Apr 13th, 2023


Google News
Google News
નાની : આ તેલુગુ સ્ટાર પણ આખા દેશમાં ધમાલ મચાવી શકશે? 1 - image


- 'બધું દર્શકોના મૂડ પર આધાર રાખે છે. મેં સુપર હિટ હિન્દી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'ની તેલુગુ રિમેક 'આહા કલ્યાણમ્' વાણી કપૂર સાથે કરી હતી. એ બોક્સ-ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી.'

ફિ લ્મ 'દસરા'ની રિલીઝ સાથે સાઉથના એક વધુ સુપરસ્ટારનું આગમન થઈ ચુક્યું છે. આમ તો એનું ખરું નામ ઘાંટા નવીન બાબુ છે, પણ એ 'નાની'ના નામથી જ જાણીતો છે. ૨૦૦૮માં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે કરિયર શરૂ કરનાર નાની આન્ધ્ર પ્રદેશમાં ચિરંજીની જેવી લોકપ્રિયતા ધરાવે છે. ૨૦૧૨માં અંજના સાથે સંસાર માંડનાર એક્ટરને અર્જુન નામનો એક પુત્ર છે. આપણા સલમાન ખાનની જેમ એ તેલુગુમાં રિયાલિટી શૉ બિગ બોસનો હોસ્ટ રહી ચુક્યો છે. 'બાહુબલી' પ્રભાસ અને 'પુષ્પા' અલ્લુ અર્જુનની જેમ નાનીની બિગ બજેટ ફિલ્મ 'દસરા'ની પણ આતુરતાથી વાટ જોવાતી હતી. શ્રીકાંત ચોડેલાએ આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે.

'દસરા'માં નાની કોલસાની ખાણના એક લડાયક મજુરની ભૂમિકામાં છે. તેલુગુ સુપરસ્ટારે ફિલ્મની રિલિઝ પહેલા મુંબઈના પસંદગીના મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જેમાં એણે ફિલ્મમેકર રાજામૌલીથી લઈ સોશિયલ મીડિયા સુધીના વિષયો પર વાતચીત કરી હતી. મીડિયાએ સૌપ્રથમ નાનીને એની પાન ઇન્ડિયા દસરામાં એના રોલ વિશે પૂછ્યું. એ વિશે બ્રીફિંગ આપતા એક્ટર કહે છે, 'દસરાની સ્ટોરી તેલંગણાના ગામોમાં આવેલી કોલસાની ખાણોના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. ફિલ્મમાં હું એક ખાણિયાના રોલમાં છું. આ એક અલગ દુનિયા છે, જેના વિશે લોકો જાણતા નથી. પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે આ દુનિયામાં રહેવું બહુ દુષ્કર છે એટલે અહીંના લોકો પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા શરાબનો સહારો લે છે. નશાખોરી એમને મૂઢ અને જડ બનાવી દે છે. એની આસપાસ કથાનક આકાર લે છે અને એમાં ઘણો બધો ડ્રામા છે.'

ઓસ્કર એવોર્ડને કારણે છેલ્લા ઘણાં વખતથી એસ. એસ. રાજામૌલી અને એમની મેગા બજેટ ફિલ્મ 'આરઆરઆર' ન્યુઝમાં છે. એટલે એને કેન્દ્રમાં રાખી નાનીને એવો અણિયાળો સવાલ કરાયો કે રાજા મૌલીએ યુએસમાં 'આરઆરઆર'ને એક ભારતીય નહીં, પણ તેલુગુ ફિલ્મ ગણાવી હતી. એ જોતા શું તને લાગે છે કે હિન્દી અને સાઉથની ફિલ્મો વચ્ચેના ભાગલા હજુ જેમના તેમ છે? આન્ધ્રનો અન્ના જરાય સંકોચ રાખ્યા વિના ચોખ્ખુને ચટ કહે છે, 'એમાં એમણે ખોટું શું કહ્યું હતું? 'આરઆરઆર' તેલુગુ ભાષામાં જ ઉતરી છે. એટલે કોઈ એમ તો ન કહી શકે કે એ હિન્દી અથવા આખા ભારતની ફિલ્મ છે. કમનસીબે આપણે એવી દુનિયામાં રહીએ જ્યાં તમે ગમે તે બોલો એનું ખોટું અર્થઘટન કરો તો પણ એને ખોટી રીતે રજૂ કરાય છે.'

નાનીને એવો પુરક પ્રશ્ન થવો સ્વાભાવિક હતો કે આ આખા વિવાદ માટે તમે સોશિયલ મીડિયાને દોષી ગણો છો? 'હાસ્તો વળી! આ એક ખોટા અર્થઘટનો કરતું અને ખોટી માહિતી આપતું મીડિયમ છે. યુટયુબ ચેનલો પર ખોટી હેડલાઈનો મુકાય છે. સાચી વાત આપણએ બધા જાણીએ છીએ. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા કરતા મોટા સ્ટાર્સ છે અને તેઓ આવા બધાં જુઠાણાં સહન કરી ચુક્યા છે,' એવું કહેતા ૩૮ વરસનો અભિનેતા અચકાતો નથી.

મીડિયા દ્વારા પૂછાયેલો પછીનો પ્રશ્ન એકદમ પોઝિટીવ છે, 'શું તમે એવું માનો છો કે 'આરઆરઆર'એ સમગ્ર સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્લોબલ માન્યતા અપાવી છે?' નાની પ્રસન્ન વદને અને ગર્વ સાથે ઉત્તર આપે છે, 'એક બેન્ચમાર્ક આપવા ઉપરાંત રાજામૌલી સરે અમારી આંખો ખોલી નાખી છે. પહેલા અમે એવું વિચારતા કે તેલુગુ ફિલ્મ સાઉથના બીજા રાજ્યોમાં રિલિઝ કરીશું તો એ નહિ ચાલે, પણ એમણે એ વાતને ખોટી પુરવાર કરી બતાવી. અમે એવું પણ માનતા કે અમારી ફિલ્મો આખા દેશમાં કોણ જોવા આવશે, પરંતુ રાજામૌલીએ સાબિત કર્યું કે 'બાહુબલી' જેવી મજબુત ફિલ્મ હોય તો એ દેશના ખૂણેખૂણે જોવાય અને વખણાય અને હવે 'આરઆરઆર'ને ઓસ્કરની નવાજેશ થઈ છે. રાજામૌલીએ અમને મોટા સપના જોતા કરી દીધા.'

નાનીને બોલવામાં ખીલતો અને ખુલતો જોઈને પત્રકારોને વધુ પૃચ્છા કરવાની ચાનક ચડે છે. એને એવો એક ગંભીર સવાલ કરાય છે કે આજે ભારતની જુદી જુદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એકબીજાની સાથે પ્રોજેક્ટ કરતી થઈ છે. આ નવા બદલાવને તમે કઈ રીતે જુઓ છો? તેલુગુ હીરો કહે છે, 'નેચરલી આય એમ વેરી હેપ્પી અબાઉટ ઇટ. અગાઉ, તમિળ સિનેમા, મલયાલમ સિનેમા એવા નોખા ચોકા હતા, પરંતુ હવે આખા દેશના લોકો અમારી (સાઉથ)ની ફિલ્મો જોતા થયા છે. હવે આપણએ બધા ઇકવલ (સમાન) છીએ અને બધા ઇક્વલ હોય ત્યારે બધાનું ફોકસ સારી કન્ટેન્ટ તરફ શિફ્ટ થાય છે. સ્પર્ધા થાય છે, પણ હરીફાઈ આપણને એવી દિશામાં લઈ જાય છે જ્યાં બધા સારી કોન્ટેન્ટ આપવા ઉત્સુક હોય.'

અને છેલ્લે એક અંગત પ્રશ્ન, 'શાહિદ કપૂર સ્ટારર 'જર્સી' તમારી તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક હતી. એ ન ચાલી એટલે તમે થોડા નારાજ તો થયા જ હશો, ખરું કે નહીં?' બોલિવુડમાં પણ પગદંડો જમાવવા ઇચ્છતો તેલુગુ સુપરસ્ટાર જવાબમાં કહે છે, 'જર્સી' તેલુગુ અને હિન્દી બંને ભાષામાં સરસ રીતે બનાવાઈ હતી. મને લાગે છે કે હિન્દી રિમેકની રિલિઝનો ટાઇમિંગ ખોટો હતો. ખોટો ટાઇમિંગ કોઈ પણ ફિલ્મને નડી શકે છે. બધું દર્શકોના મૂડ પર આધાર રાખે છે. મેં સુપર હિટ હિન્દી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'ની તેલુગુ રિમેક 'આહા કલ્યાણમ' વાણી કપૂર સાથે કરી હતી. એ બોક્સ-ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી.'  

Tags :