નંદિશ સંધુના રંગ બદલતી ઇન્ડસ્ટ્રીના કડવા અનુભવો
એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વ્યક્તિનો વર્તમાન જોઈને એની સાથે વ્યવહાર રખાય છે. અહીં એક્ટર સફળ હોય તો લોકો એને લળીલળીને સલામ કરે અને નિષ્ફળ કલાકારનો કોઈ ફોન પણ ન લે એવું બને. ટીવી સિરિયલોનો અનુભવી અને વર્સેટાઈલ એક્ટર નંદિશ સંધુ આ બધુ જોઈ અને અનુભવી ચુક્યો છે. હમણાં એક અંગ્રેજી દૈનિક સાથેના લાંબા વાર્તાલાપ દરમિયાન નંદિશે રંગ બદલતી રહેતી એન્ટરટેઈનમેન્ટની દુનિયાના પોતાના અનુભવો શેર કરી પ્રસિદ્ધિ, વિનમ્રતા અને ગ્રાઉન્ડેડ રહેવાના મહત્ત્વ વિશે ખુલીને પોતાના મત મુક્યા. 'ઉત્તરન', 'ફિર સુબહ હોગી' અને 'બેઈન્તેહા' જેવી પોપ્યુલર સિરિયલોમાં દમદાર પાત્રો ભજવી એક સમયે જાણીતો ચહેરો બની ગયેલા નંદિશને પહેલા જ પ્રશ્નમાં પૂછાયું કે શું તમે ફેમ મેળવ્યા બાદ ક્યારેય છકી ગયા છો? સકસેસને કારણે તમારા મગજમાં રાઈ ભરાઈ ગઈ છે ખરી? એનો વિગતવાર ખુલાસો કરતા ૪૪ વરસનો સંધુ કહે છે, 'મને એવું નથી લાગતું. હું મોટાભાગે ગ્રાઉન્ડેડ રહ્યો છું અને એ મારા સ્કૂલિંગને આભારી છે. મારામાં ઘણી ડિસિપ્લીન છે અને મનને નથી લાગતું કે પ્રસિદ્ધિ મારા માથા પર ચડી ગઈ હોય, પરંતુ હું એવો દાવોય નહિ કરું કે મારા પગ હંમેશા જમીીન પર રહ્યા છે. આખરે તો હુંય માણસ છું. એક્ટરની લાઈફમાં ક્યારેક એવો ટાઈમ આવે છે જ્યારે એને લાગે છે કે આખી દુનિયા મારી આસપાસ ફરે છે. તમને થાય કે ઓહ માય ગોડ! બધા મને ઓળખે છે. હું કોઈ રૂમમાં, મોલમાં કે મૂવી થિયેટરમાં એન્ટર થાઉં એટલે બધા મને એકટીશે જોયા કરતા એટલે તમને એવો ભ્રમ થઈ જાય કે હું તો બહુ મહત્ત્વનો માણસ છું. એ વખતે તમે ભૂલી જાવ કે આ બધુ ટેમ્પરરી છે. એ તબક્કામાં મેં કશું ખોટું નહોતું કર્યું, પણ હું હવામાં ઉડતો હતો એ વાત ચોક્કસ છે એટલા માટે કે હું કોઈ પણ પબ્લિક પ્લેસમાં જતો ત્યારે સેન્ટર ઓફ એટ્રેક્શન બની જતો. મારી શિસ્તે મને બહુ છકી જતા રોક્યો. એક્ટરની કરિયરમાં અમુક વાર એવો સમય આવે છે જ્યારે એની હાજરીની નોંધ લેવાતી નથી ત્યારે એને પોતે અહીં ભૂલો પડી ગયો હોય એવું લાગે છે. મારી સાથે પણ આવું બન્યું હતું ત્યારે વિચાર આવતો કે લોકો કેમ મારી સામે જોતા નથી? બીજાને શા માટે મારા કરતા વધુ ભાવ મળે છે? એ વખતે મારું સ્કૂલનું ઘડતર અને પરિવારમાં જે રીતે મારો ઉછેર થયો છે એ મને કામ આવ્યું.'
નંદિશ સંધુએ હૃતિક રોશન સ્ટારર 'સુપર ૩૦'થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું, પણ ફિલ્મોમાં એ ઉચકાયો નહિ. ટીવી શોઝનો શુપરસ્ટાર રહી ચુકેલો એક્ટર આટલા વરસો પછી પણ પોતાના કડવા અનુભવો ભૂલ્યો નથી. એ વિશે વાત કરતાં સંધુ પાજી કહે છે, 'અહીં બધુ જ ટેમ્પરરી છે. એક સમયે ઝુકીઝુકીને મને રિસ્પેક્ટ આપતા હતા એ જ લોકો જ્યારે મારે કામ જોઈતું હતું ત્યારે મોઢું ફેરવી ગયા હતા. સેટ પર પ્રોડયુસર-ડિરેક્ટર સહિત બધા મને સર, સર કહેતા નહોતા થાકતા ત્યારે મને સમજાવું જોઈતું હતું કે આ માન-સન્માન હું સેટ પર છું ત્યાં સુધી જ છે. એક્ટરે ત્યારે એનાથી અલિપ્ત રહેવાનું શીખવું જોઈએ.'